અમદાવાદઃ નૂડલ્સ બનાવતી ત્રણ કંપનીઓના નમૂના લઈને તેની ચકાસણી કરવાની ઝડપી પદ્ધતિ જાણવા માટે અમેરિકાના ભારતસ્થિત એફડીએના અધિકારીઓ ગુજરાતમાં અભ્યાસ કરવા આવશે. તેઓ સીસાનું પરીક્ષણ કઈ રીતે થાય છે તે સમજવા માટે વડોદરાની લેબોરેટરીની મુલાકાત લેશે. ભારતમાં જે રીતે નૂડલ્સમાં સીસું અને આજીનો મોટો મળી આવેલું છે તેનાથી અમેરિકન એફડીએ ચોંકી ગયું છે. ભારતમાંથી મોટા પ્રમાણમાં અમેરિકામાં ફૂડ આઈટમ નિકાસ થાય છે. તેથી એફડીએ એ બાબત સમજવા માગે છે કે, ફૂડમાં કેવા પ્રકારના હેવી મેટલ્સ અને આજીનો મોટો નિકળી રહ્યાં છે.
ચીન ગુજરાતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક સ્થાપશેઃ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલની ચાઈના એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝીસના વાઈસ ચેરમેન શેન ગાહુઆ અને ડેપ્યુટી સેક્રેટરી જનરલ ગુઓ હિઝનએ ગાંધીનગરમાં મુલાકાત લઈને નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા માટે પરામર્શ કર્યો હતો. મુખ્ય પ્રધાને ચીનની ફળદાઈ યાત્રા કરી ત્યારે ૧.૬૦ બિલીયન ડોલર્સની સમજૂતિ કરારો કર્યા હતા. તેના પ્રથમ ચરણ તરીકે આ રોકાણ આવી રહ્યું છે. ચીનનું બિજનેસ મોડેલ ગુજરાતમાં વિકસાવવા માંગે છે, તેવી વિગતો પણ આ બેઠકમાં આપવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયન કંપનીઓ ગુજરાતમાં રૂ. ૧૨,૦૦૦ કરોડનું રોકાણ કરશેઃ ઓસ્ટ્રેલિયન કંપનીઓ ત્રણ વર્ષમાં ગુજરાતમાં રૂ. ૧૨૦૦૦ કરોડનું રોકાણ કરશે. જેમાં રૂ.૩૫૦૦ કરોડનું રોકાણ તો મધ્ય ગુજરાતમાં જ થશે. ઓસ્ટ્રેલિયાની ચાર કંપનીઓ તો સાવલી-હાલોલ વિસ્તારમાં કેમિકલ, ફાર્મા સેક્ટરમાં રૂ.૧૦૦ કરોડના રોકાણ માટે રસ દર્શાવી રહી છે. સરદાર સરોવર ખાતે આગામી વર્ષોમાં સ્કૂબા ડાઇવિંગ-એડવેન્ચર સ્પોર્ટસ માટે પણ ઓસ્ટ્રેલિયન કંપનીઓ આગળ આવશે. સાસણ ગીરમાં નાઇટ લાયન સફારી શો થશે. તેમ મૂળ વડનગરના ગુજરાતી અને ઓસ્ટ્રેલિયાના સાંસદ હસન કુરેશીએ જણાવ્યું હતું.