અમદાવાદઃ જીવદયા કેમ્પેઈન દ્વારા પાળતુ પશુઓના મૃત્યુ બાદ મનુષ્યની માફક તેની અંતિમયાત્રા નીકળે એવું ભાગ્યે જ બનતું જોવા મળે છે, પણ આવું દૃશ્ય હમણાં જ દેખાયું. અમદાવાદના વાડજમાં આવેલા રામાપીર ટેકરામાં એક શ્વાન ચૂપચાપનું બીજીએ મૃત્યુ થયું હતું. આ વિસ્તારના રહીશોએ શ્વાનની અંતિમયાત્રા કાઢી હતી. શ્વાન ચૂપચાપની અંતિમયાત્રામાં ૨૦૦થી વધુ લોકો જોડાયાં હતાં.
શ્વાનના આત્માને શાંતિ મળે તેના માટે રાત્રે ભજન-કીર્તન કાર્યક્રમ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જેમાં ચૂપચાપનો હાર સાથેનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો. જય ચામુડા ચાલીના રહીશે જણાવ્યું કે, ચૂપચાપ શ્વાનનો જન્મ અમારી ચાલીમાં થયો હતો. જન્મ બાદ તેની માતાનું મૃત્યુ થયું હતું. જેથી રહીશો દ્વારા તેને મોટો કરવામાં આવ્યો હતો. જોકે અહીનાં લોકોના પરિવારનો એક સભ્ય બની ગયો હતો. ચૂપચાપ અમારા વિસ્તારમાં ઝેડપ્લસ સિક્યુરિટીની ભૂમિકા ભજવતો હતો.
કોઈ અસમાજિક તત્ત્વોને પ્રવેશ કરવા દેતો નહોતો. સ્થાનિકો દ્વારા તેને સમયસર ભોજન પૂરું પાડવામાં આવતું હતું. પરંતુ તેના માથાના ભાગે કોઈ ઘા માર્યા હોય તેમ લોહીલુહાણ હાલતમાં દેખાયો હતો જેથી સારવાર માટે તબીબને બોલાવાયા હતા, પરંતુ
તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

