દાંતાઃ કોરોનાના કારણે સમગ્ર રાજ્યની સ્કૂલો બંધ કરાઈ છે અને વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે સરકારી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે, પરંતુ રાજ્ય સરકારની ફર્સ્ટ ક્લાસ શિક્ષણ સિસ્ટમના દાવા વચ્ચે વરવી વાસ્તવિક્તા એ છે કે બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકાના ગામોમાં નેટવર્કના ધાંધિયા હોવાથી જ્યારે પણ ઓનલાઈન ક્લાસ શરૂ થાય કે તરત જ વિદ્યાર્થીઓ ઘરની છત પર તેમજ ઝાડ પર ચઢીને જીવના જોખમે નેટવર્ક મેળવવા મથામણ કરી રહ્યા હોવા છતાં પણ નેટવર્ક ન આવતું હોવાથી તેઓ અભ્યાસથી વંચિત રહેવા પામાયા છે. આ વિદ્યાર્થીઓ જ્યાં સુધી નીચે ન ઉતરે ત્યાં સુધી વાલીઓ પર ઝાડ નીચે ઊભા રહે છે.
૨૧મી સદીમાં પણ તાલુકામાં અનેક ગામોમાં મોબાઈલમાં નેટવર્ક ન આવતું હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસથી વંચિત રહે છે. તો અનેક વિદ્યાર્થીઓ ગરીબ પરિવારમાંથી હોવાથી ઘરમાં સ્માર્ટ ટીવી પણ નથી. જેને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવામાં તકલીફ પડી રહી છે. ઘનપુરા ગામના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શાળા દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ ગામોમાં મોબાઈલમાં નેટવર્ક જ આવતું નથી તો ઓનલાઈન અભ્યાસ કેવી રીતે કરીએ અને ઓનલાઈન અભ્યાસ માટે જીવનના જોખમે ઝાડ પર ચડવા મજબૂર છીએ તેમ છતાં નેટવર્ક ન આવતું હોવઆથી શિક્ષણકાર્યથી વંચિત રહેવા પામ્યા છીએ.