અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં નેત્રહીન મતદારો માટે બ્રેઇલ લીપીમાં ચૂંટણીના ઓળખકાર્ડ, મતદાનની સ્લીપ અને બેલેટ પેપર તૈયાર કરાયા છે. વસ્ત્રાપુર નજીક આવેલા અંધજન મંડળમાં છેલ્લા બે મહિનાથી આ માટેની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં અંદાજે પાંચ લાખ નેત્રહીન મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવા હેતુથી બ્રેઇલ લીપીમાં બેલેટ પેપર તૈયાર કરાયા છે. હાલ ચૂંટણી વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ ડિસ્પેચની કામગીરી ચાલી રહી છે. અહીં તૈયાર થયેલી ચૂંટણી સામગ્રી રાજ્યના ૫૮,૫૦૦ મતદાન મથકો પર મોકલી અપાશે.
નેત્રહીન મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા બ્રેઇલ લીપીમાં તૈયાર કરાયેલા ચૂંટણી કાર્ડ પ્રત્યેક નેત્રહીન મતદાર સુધી પહોંચે તેની ખાસ કાળજી લેવામાં આવી છે. આ સાથે બ્રેઇન લીપીમાં જ બેલેટ પેપર પણ તૈયાર કરાઈ રહ્યા છે. બ્રેઇલ લીપીને લીધે નેત્રહીન વ્યક્તિઓ રાજકીય પક્ષ તેમજ ઉમેદવારોની ઓળખ સરળતાથી કરી શકશે. નામ વાંચીને નેત્રહીન વ્યક્તિઓ ઇવીએમથી મતદાન કરશે.
ઇવીએમમાં ક્રમ પ્રમાણે બટન હશે. જેમાંથી બટન દબાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. માત્ર નેત્રહીન વ્યક્તિઓ માટે જ તૈયાર કરાયેલા આ બેલેટ પેપર ચાર વિધાનસભા સહિત લોકસભાના મળી રાજ્યના ૫૮,૫૦૦ મતદાન મથકો પર મોકલી અપાશે. જ્યાં ચૂંટણી વિભાગના અધિકારીઓ ચકાસણી કરશે. ચૂંટણી વિભાગ દ્વારા આ વખતે શક્ય તેટલું વધુ મતદાન થાય તેવા પ્રયાસ સાથે નેત્રહીન મતદારોને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
બ્રેઇલ ન વાંચી શકે તો ઓડિયો
નેત્રહીન મતદારો પૈકી જે લોકો બ્રેઇલ લીપી વાંચી શકતા નથી તેના માટે પણ ચૂંટણી વિભાગે ઓડિયો સિસ્ટમની વ્યવસ્થા કરી છે. જેમાં મત આપવા આવનાર નેત્રહીન વ્યક્તિઓને હેડફોન અપાશે. જેમાં પક્ષના અને ઉમેદવારના નામ બોલશે. જે સાંભળીને તેઓ મતદાન કરશે. આ ઓડિયો સિસ્ટમ એકદમ સરળ ભાષામાં તૈયાર કરાઈ છે. જેથી કરીને નેત્રહીન વ્યક્તિઓને મુશ્કેલી પડે નહીં અને પોાતના મતાધિકારનો પણ ઉપયોગ કરી શકે.


