ભુજઃ નેપાળના વડા પ્રધાન ખડગ પ્રસાદ શર્મા ઓલી ધરતીકંપ બાદ પુન:વસનની પ્રક્રિયાના અભ્યાસાર્થે હાલમાં ભારતના પ્રવાસે છે. ૨૫મી એપ્રિલ ૨૦૧૫ના રોજ નેપાળમાં આવેલા ધરતીકંપ બાદ પુનઃવસન માટે યોગ્ય પદ્ધતિ અને ભૂકંપ પછી ગુજરાત અને કચ્છમાં પુન:વસન કેવી રીતે હાથ ધરવામાં આવ્યું તેનો અભ્યાસ કરવા આવેલા ઓલીએ ૨૩મી ફેબ્રુઆરીએ કચ્છની મુલાકાત લીધી હતી.
ઓલીની કચ્છ મુલાકાત દરમિયાન ભુજ એરપોર્ટ, જી. કે. જનરલ હોસ્પિટલ, ભુજોડી તથા ભીમાસરમાં તેમની સુરક્ષામાં ખામી ન રહે તે માટે પૂર્વ-પશ્ચિમ કચ્છ પોલીસ સ્ટાફનો પહેરો ગોઠવી દેવાયો હતો. જેમાં પશ્ચિમ કચ્છમાં અને પૂર્વ કચ્છમાં પોલીસ અધિકારીઓ સહિત ૪૫૦ પોલીસ જવાનો તેનાત હતા.
એક દિવસના પ્રવાસે આવેલા ઓલી તેમનાં પત્ની રાધિકા, વિદેશ પ્રધાન કમલ થાપા સહિત ૮૨ જણાના કાફલો સવારે ૯ વાગ્યે ભુજ હવાઇમથકે પહોંચ્યો હતો અને ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ સૌને આવકાર્યા હતા.
ઓલી ભુજની હોટેલ રિજેન્ટ પહોંચ્યા હતા અને ત્યાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સીઇઓ અંજુ શર્મા અને ભુજ શહેર સત્તા વિકાસ મંડળના
મુખ્ય ઇજનેર હિરલ દોરીવાલાએ ભુજ અને કચ્છના ધરતીકંપ પછી પુનર્વસનનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
ભુજમાં વડા પ્રધાન ફંડમાંથી રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલી જી. કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ઓલી ટીમ સહિત બપોરે ૩.૪૫થી ૪.૧૦ દરમિયાન મુન્દ્રા રિલોકેશન સાઇટ પર હતા. આ અર્થે રિલોકેશન સાઇટના રહેવાસીઓની સમિતિએ ગરબી ચોકમાં યોજાનારા કાર્યક્રમ માટે અગાઉ સ્થાનિક રહેવાસીઓને હાજર રહેવા ખાસ અપીલ કરી હતી. અહીં નાગરિકોએ ઓલીને મળવા માટેનો ઉત્સાહ દર્શાવ્યો હતો અને ઓલીએ પણ ભૂકંપ અસરગ્રસ્તો સાથે લાંબી વાતચીત કરી હતી.
સાંજે નેપાળી કાફલો ભીમાસર ગામે પહોંચ્યો હતો. ભીમાસરની કોઈ વડા પ્રધાને પ્રથમ વખત મુલાકાત લીધી હોવાથી ગામમાં ભારે ઉત્સાહનું વાતાવરણ હતું અને તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. ગામમાં ૮૪૦ પરિવારોનું રૂ. ૨૨ કરોડના ખર્ચે ૫૦૦ મીટરના અંતરે સહારા જૂથ દ્વારા પુન:વસન કરાયું છે. તેનો અભ્યાસ વડા પ્રધાન અને તેમની ટીમે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ભૂકંપ બાદ મોટી ૫૯ સ્વૈચ્છિક સંસ્થાઓ અને ૧૩ દેશોની સહાય વિવિધ ક્ષેત્રોમાં મળી હતી. પુન:વસનને જોવા માટે ૧૯ જુલાઇ ૨૦૧૫માં નેપાળના પૂર્વ વડા પ્રધાન પુષ્પકમલ દહલે પણ ભીમાસરની મુલાકાત લીધી હતી. ભીમાસરને જોઈને તેમણે કહ્યું હતું કે, ભૂકંપ બાદના પુનઃવસન માટે આ ગામનું ઉદાહરણ વૈશ્વિક ક્ષેત્રે લેવું જોઈએ.
આ ઉપરાંત એક જ મહિનામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું બીજું પ્રતિનિધિમંડળ ભૂકંપ અને પુનઃવસનના અભ્યાસ માટે કચ્છમાં આવ્યું છે. ૧૨મી ફેબ્રુઆરીએ વિશ્વબેંકના ભારતના કન્ટ્રી ડાયરેકટર અને તેમની ૧૫ સભ્યોની ટીમ દરિયાઇ રાજ્યોમાં આવેલી આપત્તિ બાદના
પડકારો અને પુનઃવસનની સમીક્ષા માટે અંજારના ભીમાસરની મુલાકાતે હતા.


