અમદાવાદઃ કોઇ પણ કોવિડ નિયત્રંણ વિના યોજાઇ રહેલા લગ્નસરા, પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દિ મહોત્સવ અને વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-મતદાન માટે મોટી સંખ્યામાં આવી રહેલા નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ ગુજરાત આવવાના છે. જેના પગલે ખાસ કરીને લંડન, અમેરિકાના નેવાર્કના એરફેરમાં સામાન્ય દિવસોની સરખામણીએ ત્રણથી ચાર ગણો વધારો નોંધાયો છે.
લંડન-અમદાવાદનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા 40થી 50 હજારની આસપાસ હોય છે. હવે ડિસેમ્બર માસમાં એરફેર વધીને રૂપિયા ૧.૧૦ લાખને પાર થઇ ગયું છે. બીજી તરફ નેવાર્કથી અમદાવાદનું એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા 50 થી 60 હજારની આસપાસ હોય છે. પરંતુ હવે તે વધીને રૂપિયા 2.50 લાખ થઇ
ગયું છે.
જાણકારોના મતે, એરફેરમાં દર્શાવવામાં આવી રહેલો આ વધારો મહદઅંશે કૃત્રિમ છે. એજન્ટો દ્વારા અગાઉથી જ ટિકિટ બ્લોક કરવામાં આવે છે અને માગને આધારે તબક્કાવાર ટિકિટ વેચાણ કરે છે. આ ઉપરાંત એરક્રાફ્ટના ઈંધણમાં થયેલો વધારો પણ એરફેરમાં વધારા પાછળનું એક પરિબળ છે.