નોટબંધી સામે રાજ્યભરમાં કોંગ્રેસનો દેખાવ

Wednesday 30th November 2016 06:45 EST
 
 

અમદાવાદઃ નોટબંધીના નિર્ણય બાદ પ્રજાને પડી રહેલી હાલાકી સામે કોંગ્રેસે રાજ્યભરમાં રેલ રોકો-બસ રોકો આંદોલન કર્યું હતું. અમદાવાદમાં ગીતા મંદિર, એસટી બસ મથકે કોંગ્રેસીઓએ બસ રોકવા કોશિશ કરી હતી. આ તબક્કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપ સરકાર સામે નારેબાજી કરાઈ હતી. કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. એ પછી ૨૫૦થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત
કરાઈ હતી.
 અલબત્ત, કેટલાક જિલ્લામાં આંદોલન વખતે જૂથબંધી પણ બહાર આવી છે. રેલ રોકો, બસ રોકો આંદોલન દરમિયાન કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, સરકારનો અણઘડ નિર્ણય ખેડૂત, ખેતમજૂર, પશુપાલક, શ્રમિક,
સામાન્ય-મધ્યમવર્ગ તેમજ નાના વેપારીની આજીવિકા પર જીવલેણ તરાપ છે.
નોટબંધીથી લોકો પરેશાન છે તેને દૂર કરવા આરબીઆઈ અવ્યવસ્થા દૂર કરે અને ઝડપથી વધુમાં વધુ કેશ કાઉન્ટર ખોલે તેવી માગ કરી હતી.
અમિત શાહને કાળા વાવટા
લિંબાયતમાં એક કાર્યક્રમમાં હાજીર આપવા આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો હુરયો બોલાવી તેમની સામે કાળા વાવટા ફરકાવ્યા હતા.
ઉત્તર ગુજરાત
કોંગી કાર્યકરોએ ઉત્તર ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાલનપુર, મહેસાણા, ઊંઝા, વિસનગર, બાયડ, ધનસુરા, મોડાસા, તલોદ-પ્રાંતિજ, સહિત અનેક તાલુકાન મથકે બસ રોકી વિરોધ કર્યો હતો. અને કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
મધ્ય ગુજરાત
વડોદરામાં શહેરમાં વિરોધ કરાયો હતો. તો દુમાડ ચોકડી નજીક કોંગી કાર્યકરોએ ટાયર સળગાવ્યા હતા. જેના કારણે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. દાંડિયા બજાર ચાર રસ્તે ટ્રાફિકથી ભરચક રોડપર એસટી બસો રોકવામાં આવી હતી. વડોદરામાં ૩૦થી વધુની અટકાયત કરાઈ હતી. ખેડા, નડીઆદ, આણંદ, મહીસાગરમાં પણ કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ કર્યો હતો.
દક્ષિણ ગુજરાત
સુરત સહિત જિલ્લાભરમાં કોંગ્રેસે ઉગ્ર દેખાવ કર્યો હતો. સ્પશિયલ અને ગુજરાત મેલને અટકાવી દેતાં મુસાફરો અટવાયા હતા. તાપીમાં વ્યારા-ધુલિયા હાઇવે ઉપર ચક્કાજામ કરાવ્યો હતો. વલસાડ બસ ડેપોમાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. બારડોલીમાં સુરતી નાકા વિસ્તારમાં પોલીસે ૭૦ કાર્યકરોની અટકાયત કરી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સાથે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી જામનગર, ભુજ, સુરેન્દ્રનગર, ભાવનગર, પાલિતાણા સહિતના વિસ્તારોમાં કોંગી કાર્યકરોની અટકાયત પણ કરાઈ હતી.
શાકભાજી ખરીદવા કાર્ડ સ્કેન
કોંગ્રેસના દેખાવો વચ્ચે રાજકોટમાં રોકડાની તંગીને ધ્યાને લઈને મહાપાલિકાએ હવે શહેરમાં શાકભાજી વેચતા પાંચ હજારથી વધુ ફેરિયાઓ રોકડા વગર ધંધો કરી શકે તે દિશામાં ૨૬મીએ પ્રથમ કદમ માંડ્યું હતું. તે સફળ થયા બાદ શાકમાર્કેટમાં કોઈ વ્યક્તિ શાકભાજીની ખરીદી માટે પચાસ-સો રૂ. આપવાને બદલે સીધું ડેબિટકાર્ડ આપીને એ રકમ કપાત કરાવી શકશે તેમ મ્યુનિ. સૂત્રોએ જણાવ્યું છે. જોકે કોંગ્રેસીઓએ આવી કોઈ પણ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવીને તેની સામે વિરોધના વાવટા ફરકાવ્યા છે અને શાકમાર્કેટમાં પણ દેખાવો કર્યા છે.

દુશ્મનો સાથે દોસ્તી

રવિવારે કોંગ્રેસના કાર્યકરો ધારાસભ્ય ભૂષણ ભટ્ટના અમદાવાદના ખાડિયા સ્થિત ઘરની બહાર દેખાવો કરવા પહોંચ્યા હતા, પરંતુ ભૂષણ ભટ્ટે કોંગ્રેસના કાર્યકરોને ‘ઉમળકાભેર’ આવકાર્યા હતા અને નાસ્તો કરાવ્યો હતો. કોંગ્રેસીઓ પણ નોટબંધીનો વિરોધ બાજુએ મૂકીને એટલી જ ‘મિત્રતા’ બતાવી હોંશે હોંશે નાસ્તો કર્યો હતો. વેરાવળના ભાજપ સાંસદ ચુનીભાઈ ગોહિલે પણ કોંગ્રેસીઓને આઈસ્ક્રિમ ખવડાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter