નોટબંધીએ હાઉસિંગ ક્ષેત્રે ત્રણ ક્વાર્ટરના સુધારા પર પાણી ફેરવ્યું

Friday 20th January 2017 03:24 EST
 
 

અમદાવાદઃ વર્ષ ૨૦૧૬ના જાન્યુઆરીથી પ્રથમ નવ મહિના સુધી રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં જોવા મળેલો સુધારો છેલ્લા ક્વાર્ટરમાં નોટબંધીના લીધે ધોવાઇ ગયો છે અને વર્ષ ૨૦૧૭માં પણ તેની અસરો જોવા મળશે એમ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી નાઇટ ફ્રાન્ક ઇન્ડિયાએ તેના ફ્લેગશિપ છ માસિક રિપોર્ટ ઇન્ડિયા રિયલ એસ્ટેટમાં જણાવ્યું છે. નાઇટ ફ્રાન્કના મતે, ૨૦૧૬માં અમદાવાદમાં મકાનોનું વેચાણ છેલ્લાં છ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું છે. નોટબંધી બાદ શહેરના રિયલ એસ્ટેટ ડેવલપરોએ કામકાજની પદ્ધતિમાં ધરમૂળથી બદલાવ કરવો પડશે એવું પણ કન્સલ્ટન્સી કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું. નોટબંધીના કારણે ઉદ્યોગને રૂ. ૫૦૦ કરોડનું રેવન્યૂ નુકસાન થયું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

નાઇટ ફ્રાન્કના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૬ના ચોથા ક્વાર્ટરમાં વેચાણ વોલ્યુમમાં ગયા વર્ષની સરખામણીએ ૪૩ ટકા ઘટાડો નોંધાયો હતો. માત્ર ૨,૮૦૦ યુનિટનું વેચાણ થયું હતું, જે આગલા વર્ષના સમાન ગાળામાં ૪,૯૦૦ યુનિટ હતું. એકંદરે સમગ્ર વર્ષ દરમિયાન અમદાવાદમાં ૧૫,૯૦૦ યુનિટનું વેચાણ થયું હતું. જે છેલ્લાં છ વર્ષમાં સૌથી ઓછું છે અને ૨૦૧૫ની સરખામણીએ પાંચ ટકા ઘટાડો દર્શાવે છે.

નાઇટ ફ્રાન્કના ડિરેક્ટર (રિસર્ચ એન્ડ એડવાઇઝરી સર્વિસીસ) સૌરભ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, અમદાવાદના રિયલ્ટી માર્કેટમાં ૨૦૧૬ના પ્રથમ છ માસમાં વેચાણમાં ૧૦ ટકા અને નવા પ્રોજેક્ટ લોન્ચિંગમાં નવ ટકા સુધારો જોવા મળ્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં પણ વેચાણમાં ૧૦ ટકા સુધારો જોવા મળ્યો હતો અને ૪,૬૦૦ યુનિટનું વેચાણ જોવા મળ્યું હતું. જોકે, દિવાળી બાદ ડિમોનેટાઇઝેશનના પગલે ચોથા ક્વાર્ટરમાં બજાર ઠપ્પ થઇ ગયું હતું અને માત્ર ૨,૮૦૦ યુનિટનું વેચાણ થયું હતું. તે ૨૦૧૫ના ચોથા ક્વાર્ટરમાં ૪,૯૦૦ યુનિટ કરતાં ૪૩ ટકા ઓછું છે. નવા પ્રોજેક્ટ લોન્ચના મામલે પણ નીરસ સ્થિતિ દેખાઈ છે અને બિલ્ડરોએ નવા પ્રોજેક્ટ લોન્ચ કરવાનું ટાળ્યું છે. ચોથા ક્વાર્ટરમાં શહેરમાં માત્ર ૧,૨૦૦ યુનિટ લોન્ચ થયા છે. જે ૨૦૧૫ના ચોથા ક્વાર્ટરના ૩,૮૯૫ યુનિટની સરખામણીએ ૬૯ ટકા ઓછા છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, પશ્ચિમ અને મધ્ય અમદાવાદમાં મકાનોની કિંમતો ગ્રાહકોની એફોર્ડેબિલિટીની બહાર જઇ રહી છે ત્યારે ઉત્તર અમદાવાદ મિડ-સેગમેન્ટ હાઉસિંગ માટે શ્રેષ્ઠ પુરવાર થઇ રહ્યું છે અને ચાંદખેડા, મોટેરા, ઓગણજ અને ગોતા જેવા વિસ્તારોએ છ મહિના દરમિયાન પ્રોજેક્ટ લોન્ચમાં આગેવાની લીધી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે સર્વે કરતા એક્સપર્ટની ટીમના મતે, શહેરમાં ઇન્વેન્ટરી (બાંધકામ હેઠળ યુનિટો સહિત) છેલ્લાં દોઢ વર્ષથી સ્થિર રહી છે અને હાલમાં ઇન્વેન્ટરીનું સ્તર ૩૭,૮૪૦ છે, જે વેચાણમાં લગભગ સાડા આઠ ક્વાર્ટરની સમયમર્યાદા લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter