અમદાવાદઃ નોટબંધીની અસર દરેક ક્ષેત્રની જેમ રિયલ એસ્ટેટને પણ થઈ છે, જેથી ગુજરાતમાં તો ૪૩ ટકા જેવો ઘટાડો થતાં સ્ટેમ્પ ડયૂટીની આવક પણ ઘટી છે. કમુર્તા પછી સામાન્ય રીતે નવા પ્રોજેક્ટના લોન્ચથી માંડીને મકાન ખરીદવા લોકોની સંખ્યા વધે છે, પરંતુ આ વર્ષે નોટબંધીથી રિયલ એસ્ટેટના વેચાણ દસ્તાવેજોમાં આશરે ૪૩ ટકા ઘટાડો થયાનું સૂત્રોએ જણાવ્યું છે. રિયલ એસ્ટેટમાં રોકડિયો વ્યવહાર વધુ હોય છે. આથી નોટબંધીની અસર આ ક્ષેત્રમાં સૌથી વધુ થઈ છે.
રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વર્તુળોનું એવું માનવું છે કે નોટબંધીના નિર્ણય પછી રૂ. ૨૦૦ કરોડના જમીન વેચાણ દસ્તાવેજો જ રદ થયા છે. રાજ્ય સરકારની ધી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન એન્ડ સુપ્રીટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કેટલીક આંકડાકીય માહિતી પ્રમાણે નવેમ્બર મહિનામાં ગુજરાતમાં મિલકતોના ખરીદ વેચાણના ૧૦,૪૮૩ દસ્તાવેજ નોંધાયા હતા જે ગત વર્ષ કરતા ૪૩ ટકા જેટલા ઓછા નોંધાયેલા જોવા મળે છે.
નવેમ્બર-૧૫ દરમિયાન રાજકોટમાં-૧૬૦૫, વડોદરામાં-૧૩૬૪, અમદાવાદમાં-૩૦૨૧, કચ્છમાં-૧૩૩૪ દસ્તાવેજ નોંધાયા હતા. જેમાં માત્ર જમીનને મકાન જ નહીં દુકાન અને ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકારને આ પેટે રૂ. ૧૩૫ કરોડની સ્ટેમ્પ ડયુટીની આવક થઈ હતી. આ આવક પણ વર્ષ ૨૦૧૫ કરતાં આ વર્ષે ૫૦ ટકા જેટલી જ છે. રાજ્ય સરકારને સપ્ટેમ્બર-ઓક્ટોબર-૨૦૧૬માં ૧૧ લાખની આવક દસ્તાવેજો દ્વારા રૂ. ૮૧૭ કરોડની સ્ટેમ્પ ડયુટી પેટે આવક થઈ હતી. ઓક્ટોબરમાં જ કુલ ૬૫,૭૬૭ દસ્તાવેજો નોંધાયા હતા.
વર્ષ ૨૦૧૫ના આજ સમયગાળા કરતા ૩૪ ટકા વધુ હતા, ઓક્ટોબર ૨૦૧૬માં સુરતમાં ૧૫૨૦૧, અમદાવાદમાં ૯૬૨૭, રાજકોટમાં ૫૦૦૫, વડોદરામાં ૪૬૩૪, કચ્છમાં ૨૬૬૬ દસ્તાવેજ થયા હતા. ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં જંત્રી દર વધારવાના સંકેત પણ આપી દીધા છે. બીજી બાજુ હજુ નોટબંધીમાં પણ કેવી બાજી નીકળશે? તેની રિયલ એસ્ટેટને ખબર પડતી નથી. તેની સામે ‘કાળા-ધોળા’ કરવાની સૌથી વધુ ચિંતા પણ આ જ ક્ષેત્રમાં છે.


