આંગડિયાઓનો ૪૦ ટકા સ્ટાફ છૂટો
નોટબંધી પછી આંગડિયા પેઢીઓએ ૪૦ ટકા સ્ટાફને નોકરીમાંથી છૂટા કર્યા છે. જયારે બાકી રહેલા સ્ટાફને કહેવાયું છે કે, ત્રણ માસ પગાર નહીં મળે કામ કરવું હોય તો કરો. આંગડિયા પેઢીઓ ખોલવી કે કેમ તેની મિટીંગ આગામી ૧લી ડિસેમ્બરે રખાઈ છે. અમદાવાદમાં આશરે ૩૦૦થી વધુ આંગડિયા પેઢીઓ છે. આંગડિયા પેઢીઓનો દૈનિક કારોબાર આશરે રૂ. ૬૦૦ કરોડથી વધુનો છે. દિવાળીના તહેવારના ત્રણ દિવસ પહેલાં આંગડિયા પેઢીઓ બંધ થઈ હતી. જે દેવ દિવાળી બાદ શરૂ થવાની હતી, પણ બજારમાં નાણાંની અછત હોવાથી કેટલાક આંગડિયા પેઢીઓએ રજાઓ લંબાવીને ૧લી ડિસેમ્બર સુધી રાખી છે.
રિક્ષાભાડામાં ડેબિડ-ક્રેડિટ કાર્ડ ચાલશે
છુટ્ટા નાણાની અગવડના કારણે અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયન દ્વારા એસબીઆઇ બેંક સાથે ટાઇઅપ કરીને પાંચ હજાર રિક્ષામાં સ્વાઇપનાં મશીન લગાવાશે. મુસાફર ભાડા ઉપરાંત ડ્રાઇવર પાસેથી એટીએમની જેમ કેશ ઉપાડ પણ કરી શકશે. અમદાવાદ ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયનની ૧૦ હજાર રિક્ષા સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું જોડાણ કરાયું છે.
નોટ બદલતાં રાજ્યમાં છનાં મોત
કેન્દ્ર સરકારે જૂની નોટો બદલતા સર્જાયેલી સ્થિતિમાં ગુજરાતમાં જ છ કરતા વધારે લોકોના મોત થયા છે. જેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગણીઓ ઊઠી છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રૂવે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, મુખ્ય પ્રધાન સહિત અન્યોને પત્ર પાઠવી વળતર ચૂકવવા માગ કરી છે. તેમણે ૨૬મીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા નહીં કરવાને કારણે તેમજ નાગરિકોને સમય મર્યાદામાં જરૂરી નાણાં નહીં મળતા સર્જાયેલી સ્થિતિમાં ગુજરાતમાં છ કરતા વધારે લોકોના મૃત્યુ નીપજ્યા છે. તેમના મૃત્યુ માટે જવાબદાર સરકારે તેમને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ. તેમણે એવી માગણી કરી છે કે, આ મૃતકોના પરિવારજનોને રૂ. પાંચ લાખ સુધીનું વળતર મળવું જોઈએ.
કરન્સી વિદેશ લઈ જવા ડેકલેરેશન આપવું
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશ જતાં પેસેન્જરો પાસેથી ફોરેન કરન્સી હશે તો કસ્ટમ સમક્ષ ડિક્લેર કરવું પડશે. કસ્ટમના અધિકારીઓ પેસેન્જરની પૂછપરછ કરે ત્યારે પેસેન્જર પાસે ફોરેન કરન્સી ક્યાંથી લીધી તેની રિસીપ્ટ હોવી જરૂરી છે.
પાલિકાઓને રૂ. ૪૮૬ કરોડની આવક
કેન્દ્ર સરકારે જરૂરી વેરામાં જૂની નોટો સ્વીકારવાની પરવાનગી આપી છે. તેથી રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં કુલ રૂ.૪૮૬ કરોડની આવક થઈ છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, સૌથી વધુ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને રૂ. ૧૬૧ કરોડ, સુરતને રૂ. ૧૪૮.૩૦ કરોડ, વડોદરાને રૂ. ૧૯ કરોડ, રાજકોટને રૂ. ૩૭.૧૯ કરોડ, જામનગરને રૂ. ૧૦.૩૨ કરોડ, ભાવનગરને રૂ. ૮.૦૨ કરોડ, જામનગરને રૂ. ૪.૧૬ અને ગાંધીનગરને રૂ. ૩.૨૬ કરોડની આવક થઈ છે.
લગ્નના ખર્ચ માટે વ્યાજે નાણાનો ઉપાડ
સરકારે ભલે લગ્નના ખર્ચ માટે રૂ. ૨.૫૦ લાખ ઉપાડવાની છૂટ આપી હોય, પરંતુ મોંઘવારીના જમાનામાં આટલી રકમમાં લગ્ન પ્રસંગ પુરો થાય એ શક્ય નથી. સાવ સાદાઇથી લગ્ન આયોજિત કરવામાં પણ રૂપિયા ૫ લાખ સહેજેય વપરાઇ જાય છે. આપણે ત્યાં લગ્નએ સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડવામાં આવતા હોવાથી પરંપરા અને રીત રિવાજો મુજબ ખર્ચ કરવો ફરજિયાત બની જાય છે. લગ્નમાં થતા વ્યવહાર, પહેરામણી, જમણવાર, કરિયાવર જેવા વ્યવહારો ફરજિયાત કરવા પડે છે. કેટલાક સમાજમાં જમણવારનો સામાન્ય ખર્ચ પણ રૂ. ૬૦ હજારથી ૧ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય છે. જો બેંકો રૂ. ૨.૫૦ લાખ આપે તો પણ વ્યક્તિને પોતાનો લગ્ન પ્રસંગ પૂરો કરવા માટે ઉછીના કે વ્યાજે પૈસા લેવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
જોકે બેંકમાં રૂ. ૨.૫૦ લાખ જેટલી રકમ પણ સરળતાથી મળતી નથી. અનેક પુરાવાઓ રજૂ કરવા છતાં પૈસા ન મળવાના કારણે લોકો વ્યાજે પૈસા લેવા મજબૂર બન્યા છે. ઘણી બેંકોમાં તો લગ્નની કંકોત્રી અને જરૂરી દસ્તાવેજ રજૂ કરવા છતાં બેંકમાંથી પૈસા મળતા નથી. આથી આવી પડેલા પ્રસંગના ખર્ચેને પહોચી વળવા લોકો હવે નવી કરન્સીમાં ઉંચા વ્યાજ દરે લઇ રહ્યા છે.

