નોટબંધીનો નિર્ણય રાષ્ટ્રહિતમાં, જનહિતમાંઃ ડીસામાં નરેન્દ્ર મોદી

સંસદમાં વિપક્ષ બોલવા ન દેતો હોવાથી જનસભામાં બોલું છુંઃ વડા પ્રધાન

Wednesday 14th December 2016 05:12 EST
 
 

પાલનપુર, ડીસાઃ રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ લાદવાની બહુચર્ચિત જાહેરાત બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ ડિસેમ્બરે ડીસામાં બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સનું રિમોટ કંટ્રોલનું બટન દાબી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ મેદનીને સંબોધતા તેમણે વિરોધ પક્ષ ટીકાની ઝડી વરસાવી હતી અને નોટબંધીના નિર્ણયને દેશહિત માટેનો હિંમતભર્યો કપરો નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત સરકારનો આ નિર્ણય માત્ર ને માત્ર રાષ્ટ્રહિત અને દેશના સામાન્ય નાગરિકોના હિતને નજરમાં રાખીને કરાયો છે. ૫૦ દિવસ બાદ સ્થિતિ ધીમે ધીમે સુધરી જશે.
વિરોધ પક્ષોએ સંસદમાં આ મુદ્દે હોબાળો મચાવીને ગૃહની કાર્યવાહી ખોરવી નાખી છે તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સંસદમાં વિરોધીઓ મને બોલવા દેતા નથી તેથી હું જનસભામાં વાસ્તવિકતા રજુ કરી રહ્યો છું. વિપક્ષો હોબાળો કરી સંસદની ચર્ચા કરતા નથી, આ બાબતની ખુદ રાષ્ટ્રપતિએ પણ નોંધ લઈ ટીકા કરી છે.
વડા પ્રધાને કહ્યું કે, સરકારની ટીકા કરવી તે લોકશાહીમાં વિરોધ પક્ષની મહત્ત્વની ભૂમિકા છે, પણ પ્રજાના વિકાસના કાર્યો સામે રાજનીતિના ભાગરૂપે થતો વિરોધ યોગ્ય નથી. આ લડાઈ ભારતનું ભાગ્ય બદલવાની લડાઈ છે. ભ્રષ્ટાચાર, આતંકવાદ અને કાળું ધન નાથવા માટેની લડાઈ છે. આ દેશને બનાવટી નોટોથી મુક્ત કરવા માટેની લડાઈ છે.
ડીસા ખાતે બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે વડા પ્રધાન હેલિકોપ્ટર મારફત ડીસા આવી પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીને જોવા, સાંભળવા માટે બે લાખથી વધુ લોકો ઊમટી પડયા હતા. વડા પ્રધાનનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્વાગત કર્યું હતું. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને વાઈસ ચેરમેન માવજી દેસાઈએ બનાસકાંઠાના વિશિષ્ટ માલધારી પહેરવેશ દ્વારા તેઓનું અભિવાદન કર્યું હતું.

મા અંબાના આશીર્વાદ છે ને?

વડા પ્રધાન મોદીએ સ્ટેજ પર માઈક સંભાળતા જ વિશાળ જનમેદનીને હસતાં હસતાં પૂછ્યું હતું કે કેમ છો બધા? મજામાંને? મા અંબાના આશીર્વાદ છે ને? વડા પ્રધાને હિન્દીમાં ભાષણ આપવાનું શરૂ કરીને તુરંત જ સ્પષ્ટતા કરી હતી કે, તમને થતું હશે કે આપણો 'નમો' હિન્દીમાં કેમ બોલે છે? અરે, આખા દેશને ખબર પડવી જોઈએ કે મરૂભૂમિનાં ખેડૂતોની તાકાત કેવી છે. ખેડૂતો પરસેવો પાડીને જમીનમાં જીવ રેડી દે છે.

પાકિસ્તાન સરહદ નજીક આવેલા આ જિલ્લામાં કાયમી પાણીની અછત, ઓછો વરસાદ પડતો હોય છે છતાં ખેડૂતોએ સાબિત કરી આપ્યું છે કે પુરુષાર્થથી નસીબને બદલી શકાય છે. તેમણે કહ્યું હતું કે હું અહીં વડા પ્રધાન તરીકે નહીં, પરંતુ તમારા ભાઈના સ્વરૂપમાં આવ્યો છું. ૫૦ વર્ષ પહેલાં માત્ર ૮ મંડળીથી શરૂ થયેલી બનાસ ડેરી આજે મોટું વટવૃક્ષ બની ગઈ છે. એક વાર નર્મદાનાં નીર આ ધરતી પર પહોંચી જશે એટલે ખેડૂતો આ રેગિસ્તાનની ધરતી પર સોનું પકવતાં થઈ જશે.

ભૂતકાળના સંસ્મરણો

વડા પ્રધાને ભૂતકાળનાં દિવસોની બનેલી ઘટના અંગે ઉદાહરણ આપતા કહ્યું કે, હું નવો મુખ્ય પ્રધાન હતો ત્યારે બધા ટીકા કરતા હતા કે આ મોદી કોણ છે અને શું કરશે? તે ક્યારેય ચૂંટણી લડયા નથી. કશો અનુભવ નથી. મારી ભારે મજાક ઉડાવાતી હતી. મારો પ્રથમ કાર્યક્રમ અહીં એરોડ્રામ મેદાનમાં જ કર્યો હતો એ સમયે બનાસકાંઠાના ખેડૂતો પણ મારાથી ખૂબ નારાજ હતા. મારા પૂતળા સળગાવતા હતા, પરંતુ ત્યાર બાદ તેમણે મારામાં વિશ્વાસ મૂક્યો હતો. આજનું ચિત્ર તે વખત કરતા ઘણું જુદું છે.

દિવ્યાંગ મિત્રની યાદ

વડા પ્રધાને બનાસકાંઠાના અંતરિયાળ લાખણી તાલુકાના દિવ્યાંગ ખેડૂત મિત્રને યાદ કરતા દાડમની ખેતીમાં થયેલી પ્રગતિને પણ યાદ કરી હતી. મિત્ર ગેહનાથજીને યાદ કરતા કહ્યું કે તેમણે દાડમની ખેતીમાં મોટું કામ કર્યું છે. આ પછી ખેડૂતોએ દાડમ ખેતીમાં કમાલ કરી છે.

બનાસકાંઠાના ખેડૂતો હવે શ્વેતક્રાંતિ બાદ હવે સ્વીટક્રાંતિ પણ લાવશે. વિશ્વમાં મધની ભારે માગણી છે. મધમાખી પાલન માટે ખેડૂતોએ આગળ વધવું પડશે. હની પેકેજીંગથી ખેડૂતોનું ભલું થશે. ઘણાં વિસ્તારોમાં નર્મદાના નીરનો લાભ મળ્યો છે.

નાના માણસનું મૂલ્ય વધ્યું

આઠમી તરીખ પહેલા નાની ચલણી નોટોનું કોઈ જ મૂલ્ય નહોતું જ્યારે આજે મોટી ચલણી નોટોને કોઈ જોતું નથી. નાની નોટે નાના માણસનું મૂલ્ય વધાર્યું છે. નોટબંધીનો મારો નિર્ણય મોટા લોકોની તાકાત ઘટાડવાનો અને નાના લોકોની તાકાત વધારવા માટેનો છે. સમગ્ર દેશનું અર્થતંત્ર કાળા નાણાં નીચે દબાયું હતું. કાળા નાણાંને લીધે દેશની સરહદો ઉપર થતી આતંકવાદી પ્રવૃત્તિ, નકસલવાદની પ્રવૃત્તિને વેગ મળતો બંધ થયો છે. બેઈમાન તેમજ ભ્રષ્ટાચારી લોકોની તકલીફો વધી છે. નોટબંધીમાં હું ઈમાનદારોની સાથે છું. આવી સ્થિતિમાં જનતા જનાર્દને મને સહયોગ આપ્યો છે. તેમને હું શત શત નમન કરું છું.

ગલબાકાકાને શત શત પ્રણામ

વડા પ્રધાને કહ્યું કે બનાસ ડેરીના સ્થાપક ગલબાકાકાની મહેનતને શત શત પ્રણામ કરું છું. પ૦ વર્ષ પહેલા નાની નાની મંડળીઓથી શરૂ કરેલી આ ડેરી આજે એશિયાની પ્રથમ નંબર ડેરી તરીકે સ્થાન પામી છે. આ ડેરીના વિકાસમાં પ૦ વર્ષથી યોગદાન આપનાર આ વિસ્તારના પશુપાલકોને હું લાખ લાખ ધન્યવાદ પાઠવું છું. તેમણે જણાવ્યું કે, દિવેલાની રિસર્ચ અને સંશોધન દ્વારા તેમાં અનેકવિધ ક્રાંતિ લાવી તેનું મૂલ્ય વધારી શકાય તેમ છે.

વિપક્ષને ઇ-બેન્કિંગ માટે હાકલ

ભાવિ પેઢી માટે ચાર્વાકની વિચારધારાને લોકોએ ફગાવી નોટબંધીથી અનેક તકલીફો વચ્ચે પણ ઋણં કૃત્વા ઘૃતમ્ પિબેત્ – એટલે કે દેવું કરીને પણ ઘી પીવું જોઈએ. આ જન્મે જે મળે તે ભોગવી લેવું જોઈએ - ઋષિ ચાર્વાકની આ વિચારધારાને લોકોએ ફગાવી દીધી હોવાનું જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે ત્યાં વડીલો એક એક નિર્ણય આવનારી પેઢીઓનાં સુખના વિચાર કરીને કરે છે. હું દરેક પક્ષના મિત્રોને કહેવા માંગુ છુ કે ઈ-બેન્કિંગ માટે લોકોને શિક્ષિત કરે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બદલ અભિનંદન આપ્યા હતા.

તમને કોઈ રોકતું નથીઃ વિપક્ષ

વિપક્ષ માગણી કરી રહ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં આવી નોટબંધી બાદ લોકોએ જે હાલાકી ભોગવી તે અંગે પોતાનું નિવેદન આપે. બીજી તરફ મોદીએ ગુજરાતમાં આવ્યા ત્યારે એક નિવેદનમાં જણાવ્યું હતું હતું કે વિપક્ષ મને સંસદમાં બોલવા નથી દઈ રહ્યો, પરંતુ જ્યારે પણ તક મળે ત્યારે હું લોકસભામાં મારી વાત રજૂ કરીશ. આમ મામલે બાદમાં વિપક્ષ વળતો પ્રહાર કર્યો હતો.કોંગ્રેસે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભામાં આવી બોલતા કોઈ પણ અટકાવતું નથી. તેઓએ અહીં આવીને ચર્ચામાં ભાગ લેવો જોઈએ. વિપક્ષે દાવો કર્યો હતો કે નોટબંધી મામલે લોકસભામાં આવી મોદી બોલતા ડરે છે અને બીજી બાજુ દેશમાં ખોટા નિવેદનો કરીને લોકોને નોટબંધી મામલે ગેરમાર્ગે દોરી રહ્યા છે.

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે લોકો નરેન્દ્ર મોદીના જુઠ્ઠાણા સાંભળી સાંભળીને થાકી ગયા છે. રાહુલે જણાવ્યું હતું કે મોદીજી હું તમને વિનંતી કરી રહ્યો છું કે સંસદમાં આવીને નોટબંધી મામલે પોતાનું નિવેદન આપો, કેમ કે સંસદની બહાર આ મામલે જે જુઠ્ઠાણું તમે વારંવાર લોકોને કહી રહ્યા છો તેનાથી લોકો થાકી ગયા છે.

મોદીના સંબોધનના ચમકારા

• હું વડા પ્રધાન તરીકે નહિ, આ ધરતીના સંતાનના રૂપમાં બનાસકાંઠામાં આવ્યો છું. આ માટીએ મને મોટો કર્યો છે. • ગુજરાતે શ્વેતક્રાંતિ કરી છે ત્યારે મધના ઉત્પાદન સાથે આગામી દિવસમાં ‘સ્વીટ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. • મારાં દેશનો નાગરિક પોતાના માટે નહિ, પરંતુ ભાવી પેઢીના સુખ માટે જીવવાવાળો છે. • આજે મોબાઈલ બેન્કિંગની સુવિધાથી બેન્કિંગમાં કે એટીએમની લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. મોબાઈલ મેસેજથી તમારું પેમેન્ટ કરવાથી તરત જ પેમેન્ટ થઈ જાય એટલે ચેક બાઉન્સ જવાની કે રિટર્ન થવાની કોઈ તકલીફ જ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter