નોર્થ કેરોલિનાની મોટેલમાં બે ગુજરાતીની ગોળી મારીને હત્યા

Wednesday 08th October 2025 04:41 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં વધુ બે ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, હજુ ચાર દિવસ પૂર્વે જ બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ પટેલની ગોળી મારીને હત્યા કરાઇ હતી. આ પૂર્વે ગયા મહિલને સાઉથ કેરોલિનામાં કિરણબેન પટેલ નામના એક ગુજરાતી મહિલાને લૂંટના ઈરાદે શૂટ કરી દેવાયા હતા. અને હવે નોર્થ કેરોલિનામાં બનેલી આ ઘટનાએ ગુજરાતી સમાજને હચમચાવી નાંખ્યો છે. હત્યાની ગોળીનો ભોગ બનેલાના નામ અનીલ પટેલ અને પંકજ પટેલ હોવાનું બહાર આવ્યું છે. આ બંને ગુજરાતીઓને એક મોટેલમાં ઠાર મારવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મોટેલ ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ચર્ચાના ચકડોળે ચઢી ચૂકી છે અને ગયા વર્ષે તેને તાળાં લાગી ગયા હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, ડબલ શૂટિંગની આ ઘટના બીજી ઓક્ટોબરના બપોરના સમયે નોર્થવેસ્ટ શાર્લોટના એડલમેન રોડ પર આવેલી મોટેલમાં બની હતી. મોટેલમાં શૂટિંગ થયું હોવાનો 911 પર કોલ મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે અનીલ પટેલ અને પંકજ પટેલ ગંભીર ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને પેરામેડિક્સ દ્વારા તરત જ સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું.
હુમલામાં જીવ ગુમાવનાર અનીલ પટેલ અને પંકજ પટેલ એકબીજાના સંબંધી હતા કે કેમ તેમજ તેમની હત્યા પાછળનો ઈરાદો શું હતો તેની કોઈ વિગતો નથી મળી શકી. તો બીજી તરફ હત્યારાની ઓળખ ઓજુના-સિએરા તરીકે કરવામાં આવી છે જેને ઘટનાના બીજા જ દિવસે શુક્રવારે ફ્લોરિડામાંથી અરેસ્ટ કરવામાં આવ્યો હતો.
નોર્થવેસ્ટ શાર્લોટની જે મોટેલમાં શૂટિંગની ઘટના બની હતી તે એક સમયે તેમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓના લીધે ઘણી બદનામ હતી અને 2024ના નવેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં તેને બંધ કરાવી દેવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર, હાલ આ મોટેલને રિનોવેટ કરાવી તેને ફરી શરૂ કરવાની કામગીરી ચાલી રહી હતી. જોકે, શૂટ કરી દેવાયેલા અનીલ પટેલ અને પંકજ પટેલનું આ મોટેલ સાથે શું કનેક્શન હતું તે અંગે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી જાહેર કરાઇ નથી. આ બંને ગુજરાતીઓ પર પાર્કિંગ લોટમાં જ સાતેક રાઉન્ડ ફાયર કરાયા હતા.
જે વિસ્તારમાં આ ઘટના બની છે ત્યાંના સ્થાનિકોએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મોટેલ પર જે પ્રકારની ગતિવિધિ ચાલતી હતી તેના કારણે આવી ઘટના ક્યારેકને ક્યારેક તો બનવાની જ હતી. એક સ્થાનિક વ્યક્તિએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિવાદાસ્પદ મોટેલમાં ડ્રગ્સ અને દેહવેપાર સહિતની પ્રવૃત્તિઓ ચાલતી હતી અને અનેકવાર કોઈને કોઇ નાનીમોટી માથાકુટ થતી રહેતી હતી.
ચાલુ વર્ષે છ ગુજરાતીની હત્યા
અમેરિકામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા છ ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરાઇ છે. સ્ટોર્સમાં કામ કરતા લોકો પર મોટાભાગે લૂંટના ઈરાદે ગોળીબાર થતો હોય છે જ્યારે મોટેલમાં થતાં શૂટિંગ પાછળ મહદઅંશે પૈસા બાબતે થતી તકરાર જવાબદાર હોય છે. મોટેલ્સમાં રહેતા અમુક લોકો હોમલેસ પણ હોય છે અને તેઓ પોતાના ખર્ચા કાઢવા માટે ડ્રગ્સ વેચવા ઉપરાંત ટ્રાફિકિંગની પ્રવૃત્તિ પણ કરતા હોય છે. જો તેઓ રૂમ ખાલી ના કરે તો ક્યારેક મોટેલ ચલાવતા મેનેજર કે ઓનરની તેમની સાથે માથાકૂટ થઈ જતી હોય છે અને અમુક કેસમાં મામલો ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે.
અમેરિકામાં મોટેલ બિઝનેસમાં ગુજરાતીઓ ખાસ્સો દબદબો છે, પરંતુ ઘણીવાર ગુજરાતીઓની માલિકીની અથવા તેમના દ્વારા ચલાવાતી મોટેલ્સ તેમાં ચાલતી કથિત ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે ચર્ચામાં પણ આવતી હોય છે. હજુ જુલાઈ મહિનામાં જ ડેટ્રોઈટમાં આવેલી એક ગુજરાતીની મોટેલને આ જ કારણોસર બંધ કરાવી દેવા માટે સિટી કાઉન્સિલની મિટિંગમાં સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter