ન્યૂ યોર્કઃ મહાનગરના મેયરપદના દાવેદાર ઝોહરાન મામદાનીએ યુગાન્ડાના કંપાલામાં ભવ્ય વેડિંગ પાર્ટી યોજી હતી. હાઈ એન્ડ રિસોર્ટમાં યોજાયેલી આ પાર્ટી બોલિવૂડ થીમ, ભારતીય ભોજન અને ત્રણ દિવસ સુધી ચાલેલી ભવ્ય ઉજવણીના કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી. ખાસ વાત એ હતી કે મામદાની અને તેમની દુલ્હન રમા દુવાજીએ આ સમગ્ર ઘટનાને મીડિયાની નજરથી દૂર રાખવા માટે દરેક શક્ય વ્યવસ્થા કરી હતી. લગ્ન સમારંભમાં ડ્રોન, ફોન જામર અને મિલિટ્રી-ગ્રેડ સુરક્ષા વ્યવસ્થા હતી.
સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સ ગાર્ડ અને ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી. સ્થાનિક લોકો કહે છે કે તેમણે કોઈ વીવીઆઈપીની મુલાકાત દરમિયાન પણ આટલી કડક સુરક્ષા વ્યવસ્થા જોઈ નથી. યુગાન્ડામાં ઉજવણી પહેલા દુબઈમાં સગાઈ-લગ્ન અને પરંપરાગત સમારોહ યોજાયો હતો. ન્યૂ યોર્કમાં એક સરળ પણ કાયદેસર લગ્ન કરાયા હતા.
રમાનો ઉછેર અમેરિકામાં, પેઇન્ટિંગ અને એનિમેશનમાં નિષ્ણાંત
ન્યૂ યોર્કમાં રહેતી રમા એક ચર્ચિત સીરિયન-અમેરિકી કલાકાર છે. તેની પેઇન્ટિંગ, એનિમેશન અને સિરામિક આર્ટની પ્રશંસા થઈ રહી છે. તેણે વિઝ્યુઅલ આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે.
મામદાણીનું ભારત કનેક્શન
મામદાણીના મૂળ ભારત સાથે જોડાયેલા છે. મામદાણી ભારતીય મૂળના છે. તેમનો જન્મ યુગાન્ડામાં થયો હતો પરંતુ તેમના મૂળ ઓડિશા (માતા મીરા નાયર) અને ગુજરાત (પિતા મહમૂદ મમદાન) સાથે જોડાયેલા છે. તેઓ ન્યૂ યોર્કમાં ડેમોક્રેટિક પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે.
લગ્ન યુગાન્ડામાં પણ મેનુ અને મ્યુઝિક ભારતીય
લગ્ન ભલે યુગાન્ડામાં થયા પણ મેનુ અને મ્યુઝિક સંપૂર્ણપણે દેશી હતું. પહેલી રાત બોલિવૂડ નાઇટ હતી જેમાં મહેમાનોએ 90 ના દાયકાના હિટ ગીતો પર ઝૂમ્યા હતા. સંગીતમાં પંજાબી બીટ્સ, સૂફી મિક્સ અને ગઝલો પણ સામેલ હતી. ભારતીય ભોજન અને નોનવેજ થાળી પીરસાઇ હતી. જેમાં બટર ચિકન, પનીર ટિક્કા, દમ આલુ બિરયાની અને ગુલાબ જામુન જેવી વાનગીઓનો સમાવેશ થતો હતો. સમગ્ર ભોજન વ્યવસ્થા ‘રેખા એન્ડ ટીમ’ નામની ભારતીય ફૂડ કેટરિંગ કંપનીએ કરી હતી. અહેવાલો અનુસાર મહેમાનોએ લગ્ન સ્થળે પહોંચતા પહેલા તેમના મોબાઇલ બંધ કરાવા પડ્યા હતા. આ બધું એટલા માટે કરવામાં આવ્યું હતું કે લગ્ન સંપૂર્ણપણે ખાનગી અને લીક-ફ્રી રહે.