ન્યૂ યોર્કઃ જાહેર આરોગ્ય સાથે સંકળાયેલા ૩૯ વર્ષના ગુજરાતી મૂળના ડોક્ટર દેવ ચોકસીની ન્યૂ યોર્ક સિટીના નવા હેલ્થ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હોવાની જાહેરાત મેયર બિલ ડી’ બ્લાસિઓએ કરી છે.
આ સાથે જ મેયર બ્લાસિઓએ શહેરમાં જોવા મળેલી કોરોનાની મહામારી દરમિયાન ડો. ચોક્સીએ ભજવેલી મહત્ત્વની ભૂમિકાની પણ ભરપૂર પ્રશંસા કરી હતી. ડોક્ટર ઓક્સિ બારબોટે રાજીનામું આપતાં તેમની જગ્યાએ ચોક્સીની પબ્લિક હેલ્થ એન્ડ મેન્ટલ હાઈજિન વિભાગના વડા તરીકે નિમણૂક કરાઇ છે.
બ્લાસિઓએ કહ્યું હતું કે ડો. ચોક્સીએ તરછોડી દેવાયેલા અનેક દર્દીઓની સેવા કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. કોરોનાની મહામારી દરમિયાન અમે ક્યાંય પણ આના કરતા સારી સેવા જોઈ નથી. તેમણે શહેરના જાહેર આરોગ્ય વિભાગનું સુકાન સંભાળીને અસાધારણ નેતૃત્વનો પરિચય આપ્યો હતો. મને ખબર છે કે તેઓ મોટો પડકાર ઉપાડવા તૈયાર છે અને તમામ લોકો માટે આ શહેર શ્રેષ્ઠ બની રહે તેવા પ્રયાસો કરશે એવો અમને વિશ્વાસ છે એમ મેયરે કહ્યું હતું.
મેયર બ્લાસિઓએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ડો. ચોક્સીનો એક અનોખો ઈતિહાસ છે અને એક માઇગ્રન્ટના સંતાન તરીકે તેઓ અનેક ક્ષમતા સાથે જન્મ્યા હતા અને પોતાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવા ખૂબ મહેનત કરી છે. ડો. ચોક્સીએ ભૂતકાળને યાદ કરતાં કહ્યું હતું કે બે પેઢીઓ પહેલા મારા દાદા ગુજરાતના એક ગામડેથી મુંબઈ જઇ વસ્યા હતા.