ન્યૂયોર્કઃ ભારતીય-અમેરિકન ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ પ્રતિષ્ઠિત ન્યૂયોર્ક મેયરની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. 34 વર્ષીય ઝોહરાન મમદાની ન્યૂયોર્કના 111માં મેયર બન્યા છે. આ ચૂંટણીમાં જેણે વિશ્વભરમાં હેડલાઇન્સ મેળવી હતી, મમદાનીએ તેમના નજીકના હરીફ હેવીવેઇટ ડેમોક્રેટિક પાર્ટીના બળવાખોર ઉમેદવાર એન્ડ્રુ કુમોને હરાવ્યા. તેમની જીત પછી, મમદાનીએ બ્રુકલિન પેરામાઉન્ટ ખાતે એકઠા થયેલા સમર્થકોને કહ્યું, ‘આ પરિવર્તનની શરૂઆત છે. આ યાત્રા રોકી શકાતી નથી.’
મમદાનીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કરતા કહ્યું, ‘અમે ટ્રમ્પના પ્રભુત્વભર્યા રાજકારણને હરાવી દીધું છે.’ મમદાનીની સાથે તેમની માતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મીરા નાયર, તેમના પિતા મહમૂદ મમદાનીની અને તેમની પત્ની, રમા દુવાજી પણ હતા.
ભા૨તીય-અમેરિકન ડેમોક્રેટિક નેતા ગઝાલા હાશ્મીએ વર્જિનિયાના લેફ્ટનન્ટ ગવર્નરની ચૂંટણી જીતી, રિપબ્લિકન ઉમેદવાર જોન રીડને હરાવ્યા. આ દરમિયાન, ભારતીય-અમેરિકન આફતાબ પુરેવાલ બીજી વખત ઓહિયોના સિનસિનાટીના મેયર તરીકે ચૂંટાયા. ડેમોક્રેટિક આફતાબે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના સાવકા ભાઈ કોરી બૌમનને હરાવ્યા.
25 વર્ષમાં સૌથી મોટી જીત
મમદાનીને 10.36 લાખ મત મળ્યા. આ 25 વર્ષમાં સૌથી મોટી જીત છે. મમદાનીએ કહ્યું, ‘ટ્રમ્પ મારું ભાષણ સાંભળી રહ્યા છે. કાન ખોલવાનો સમય આવી ગયો છે... ન્યૂયોર્ક હંમેશા પ્રવાસીનું શહેર રહ્યું છે. હવે પ્રવાસી ચાર્જમાં છે. પ્રવાસીનું સ્વાગત છે.’ તેમણે પંડિત નેહરુના ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’ ભાષણનો ઉલ્લેખ કર્યો હતો. મમદાનીએ કહ્યું, ‘આપણે એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ.’
બોલિવૂડનું ગીત છવાયું
મમદાનીના વિજય ઉજવણી દરમિયાન બોલિવૂડનું હિટ ગીત ‘ધૂમ મચાલે’ જોરશોરથી વગાડવામાં આવ્યું હતું અને મમદાનીને તેના પર નાચતા જોવા મળ્યા હતા. ન્યૂયોર્ક ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનો સફાયો થયો હતો અને તેના ઉમેદવાર, કર્ટિસ સ્લિવા ત્રીજા સ્થાને રહ્યા હતા. નારાજ ટ્રમ્પે કહ્યું, ‘મારો ફોટો બેલેટ પર નહોતો. અને ચાલુ શટડાઉન (બજેટના અભાવે આર્થિક સ્થિરતા) એ અમારી પાર્ટીની હારનું કારણ છે.’
ખાધ, ફુગાવો જેવા મુદ્દા પ્રચારના કેન્દ્રમાં
મમદાનીએ જ્યાં વિશ્વના સૌથી ધનિક લોકોનો રેકોર્ડ છે તે ન્યૂયોર્ક શહેરમાં ખોરાક, મોંઘવારી અને રહેઠાણ જેવા મધ્યમ વર્ગના મુદ્દાઓ ઉઠાવ્યા અને તેઓ જીત્યા. મમદાનીએ બધા બાળકો માટે મફત બાળ સંભાળ, સબસિડીવાળા મકાનોનું ભાડું ફ્રીઝ કરવા, સરકારી બસોમાં મફત મુસાફરી અને સરકારી કરિયાણાની દુકાનો ખોલવાનું વચન આપ્યું છે.
કેમ્પેઇનમાં પત્ની રમા દુવાજીની મુખ્ય ભૂમિકા
મમદાનીની જીતમાં તેમની પત્નીએ પરદા પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સીરિયન-અમેરિકન ચિત્રકાર રમા જે સામાન્ય રીતે સ્ટેજને ટાળે છે, તેણે પડદા પાછળ રહી પતિની ચૂંટણી રણનીતિ, બ્રાન્ડિંગ અને આકર્ષક પોસ્ટરો ડિઝાઈન કર્યા જે ખૂબ જ લોકપ્રિય બન્યા. ડેટિંગ એપ પર મળ્યાના ત્રણ વર્ષ પછી આ દંપતીએ 2024માં લગ્ન કર્યા. મમદાનીએ તેમની પત્નીને પ્રેરણાનો સ્ત્રોત ગણાવે છે.
ટ્રમ્પ પ્રથમ ચૂંટણી કસોટીમાં નાપાસ
અમેરિકામાં બીજા કાર્યકાળમાં પ્રથમ મોટી ચૂંટણી પરીક્ષામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો લાગ્યો છે. છેલ્લા એક વર્ષમાં પોતાના નિર્ણયોથી જનતાને આશ્ચર્યચકિત કરનારા ટ્રમ્પને આ વખતે મતદારોએ ચોંકાવ્યા છે. ન્યૂયોર્કમાં મેયરની ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો. બે રાજ્યો વર્જિનિયા અને ન્યૂજર્સીમાં ગવર્નરની ચૂંટણીમાં પણ વિપક્ષી ડેમોક્રેટિક ઉમેદવારની જીત થઈ છે. આ પછી અમેરિકાના 50 રાજ્યમાંથી 24 રાજ્યમાં ડેમોક્રેટિક ગવર્નર અને 26 રાજ્યોમાં રિપબ્લિકન ગવર્નર હશે. આમ ટ્રમ્પની પાર્ટીનું વર્ચસ્વ ઘટશે. વધુમાં આવતા વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં યોજાનારી મધ્ય-સત્ર ચૂંટણીઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી માટે મુશ્કેલીઓ વધારી શકે છે.
મમદાનીના પૂર્વજો કાઠિયાવાડના વેપારી હતા
ઝોહરાન મમદાની મૂળ ગુજરાતી પરિવારમાંથી આવે છે. બ્રિટિશ કાળમાં મમદાનીના પૂર્વજો કચ્છ-કાઠિયાવાડના ખોજા મુસ્લિમ વેપારી હતા. તેઓ વ્યાપાર માટે ગુજરાતમાંથી આફ્રિકા સ્થાયી થયા હતા. ઝોહરાનના દાદા-દાદી કોલેજના અભ્યાસ માટે મુંબઈમાં આવ્યા અને ત્યાં ઝોહરાનના પિતા મહમૂદ મમદાનીનો જન્મ થયો હતો. બાદમાં પરિવાર આફ્રિકા પરત ફર્યો અને મહમૂદ યુગાન્ડામાં વસ્યા, જ્યાં ઝોહરાન મમદાનીનો જન્મ થયો. બાદમાં તેઓ અમેરિકા શિફ્ટ થયા હતા.


