પંડિત એફિડેવિટ નહીં કરે તો લગ્નનું સર્ટિફિકેટ મળશે નહીંઃ ચેરિટી કમિશનર કચેરી અમદાવાદે બહાર પાડેલા હુકમના સંદર્ભે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંબંધિત ખાનગી ટ્રસ્ટોને તાજેતરમાં પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જે મુજબ, અમદાવાદ શહેરમાં રજિસ્ટર થયેલા ખાનગી ટ્રસ્ટોમાં લગ્ન કરાવનાર પંડિતે હવેથી લગ્ન કરાવ્યા હોવાની એફિડેવિટ રજૂ કરવાની રહેશે. એફિડેવિટ રજૂ ના કરાય તો ટ્રસ્ટ દ્વારા લગ્નનું સર્ટિફિકેટ આપી શકાશે નહીં. તેમજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું પણ લગ્નનું સર્ટિફિકેટ મળી શકશે નહીં.
• વોર્ડ ઇન્સ્પેક્ટરે ફોન ન ઉપાડતાં કોર્પોરેટરે લાફો ઝીંકી દીધોઃ અમદાવાદના વિરાટનગર વોર્ડના અમદુપુરા વિસ્તારની એક ચાલી પાસે ઉભા થઇ રહેલા મોબાઇલ ટાવર સામે સ્થાનિકોનો વિરોધ હતો જેથી કોંગ્રેસના કોર્પોરેટરને ફરિયાદ કરાઈ હતી. ૩૦મી જાન્યુઆરીએ સવારે કોર્પોરેટર સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં તેમણે વોર્ડ ઇન્સ્પેક્ટર ઠાકુરને વારંવાર ફોન કરતાં ફોન ઉપાડયા ન હતા જેથી કોંગ્રેસના કોર્પોરેટરને ગુસ્સો આવ્યો અને તેણે વોર્ડ ઇન્સ્પેક્ટરને તેમની ઓફિસમાં જઇને લાફો માર્યો હતો અને બોલાચાલી કરી હતી. આ મુદ્દે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં વોર્ડ ઇન્સ્પેક્ટરે પોલીસ ફરિયાદ કરી હતી અને કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીની ધરપકડ કરાઈ હતી.
• મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ સત્તા લાલચુ હતાઃ ગાંધી નિર્વાણ દિવસે દેશના નેતાઓ ગાંધીજીના સંસ્મરણોને વાગોળીને શ્રદ્ધાંજલિ આપે છે, પરંતુ ગાંધીનગરમાં યોજાયેલા દલિત પરિસંવાદ કાર્યક્રમમાં બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદે પોતાના વક્તવ્યમાં ગાંધી અને નહેરુને સત્તાની લાલસા હતી તેવું વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં ગાંધીજી અને આંબેડકર વચ્ચે તફાવત દર્શાવતાં ટિપ્પણી કરી હતી કે, ગાંધીજી અને જવાહરલાલ નહેરુનું લક્ષ્ય ફક્ત સત્તાની લાલસા હતી.
• નગરી હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં પચાસ ટકાનો ઘટાડોઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં બનેલી ઘટના પછી હવે દર્દીઓની સંખ્યામાં પચાસ ટકાનો ઘટાડો થયો છે. એવાસ્ટિન ઇન્જેકશન પર પ્રતિબંધ મુકાતા આછી પાતળી દૃષ્ટિ હોય અને તેને ટકાવી રાખવા માંગતા હોય તેવા દૈનિક સાત દર્દીઓને પાછા કાઢવામાં આવે છે.
• સોલાર સિટીનું સ્વપ્ન સાકાર કરવા મનપા હવે રૂ. ૩ કરોડ ખર્ચશેઃ ગાંધીનગર શહેરને સોલાર સિટી બનાવવા માટે ૨૦૧૬-૧૭ના વર્ષમાં ગાંધીનગર મહાનગરપાલિકા રૂ. ૩ કરોડનો માતબર ખર્ચ કરશે. આ પછી રાજ્ય સરકારે પણ સોલાર સિટી માટે લાખ્ખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ હજુ સુધી આ સ્વપ્ન અધૂરું રહ્યું છે. દેશના ૬૦ શહેરોને સોલાર સિટી બનાવવાની જાહેરાત પછી રાજ્ય સરકારે રાજકીય દબાણ ઊભું કરીને કેન્દ્રની પણ સહાય મેળવી હતી તેમજ ગાંધીનગરનો સોલાર સિટી પ્રોજેક્ટમાં સમાવેશ કરાવવામાં સફળતા મેળવી હતી.

