અમદાવાદ: નકલી પાસપોર્ટ બનાવીને ગુજરાતીઓને વિદેશ મોકવાના કૌભાંડનો મુંબઇ એરપોર્ટ પર પર્દાફાશ થયો છે. એરપોર્ટ પર નકલી પાસપોર્ટ ધરાવતા ગુજરાતી દંપતીની તાજેતરમાં અટકાયત કરવામાં આવી હતી. તેમને યુએઇ થઇને બ્રિટન મોકલવામાં આવી રહ્યા હતા. મુંબઇના સહારા પોલીસ સ્ટેશનના અધિકારીઓને જણાવ્યું હતું કે જે દંપતીની અટકાયત કરવામાં આવી છે તેમના સાચા નામ હિતેશ પટેલ અને મિતાબહેન પટેલ છે. નકલી પાસપોર્ટ બનાવતી ગેંગના સભ્યોએ તેમને એવું કહ્યું હતું કે પટેલ અટક હોવાથી તેમને બ્રિટનના વિઝા મળશે નહીં. એટલા માટે બનાવટી નામ સાથે તેમના નકલી પાસપોર્ટ બનાવવામાં આવ્યા હતા. આરોપીઓએ કપલ પાસેથી એક પાસપોર્ટ દીઠ રૂ. ૧૫ લાખ વસૂલ કર્યા હતા. નકલી પાસપોર્ટ બનાવતી ગેંગના ત્રણ સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલાઓમાં મનિષ ઘોઘારી (૩૬), અમિત અગ્રવાલ (૪૧) અને ભાવેશ શાહ (૪૦)નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ૧૪ પાસપોર્ટ, ૧૧ પાનકાર્ડ તથા અન્ય દસ્તાવેજો જ્પ્ત કર્યા હતા. આરોપીઓએ આ મોડ્સઓપરેન્ડી દ્વારા અત્યાર સુધીમાં ૧૫ લોકોને બ્રિટન મોકલ્યા હોવાનું સ્વીકાર્યું હતું.