સુરતઃ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ અણછાજતા નિવેદન કરીને હંમેશા વિવાદમાં રહે છે. હાર્દિક પટેલે ગત સપ્તાહે સુરતમાં પાટીદાર યુવાનોને પોલીસની હત્યા કરવા માટે જાહેરમાં ઉશ્કેર્યા હતા. તેણે ‘પટેલનો દીકરો મરે નહીં પણ બે-પાંચ પોલીસને મારીને મરે’ તેવું અત્યંત હિંસક અને સ્ફોટક નિવેદન કરતાં તેની સામે રોષની લાગણી ફેલાઈ છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં હાર્દિકે આ ઉચ્ચારણ કર્યું હતું. પાટીદાર અનામતની માગણીમાં જાહેરમાં આત્મવિલોપન કરવાની જાહેરાત કર્યા બાદ નાટકીય ઢબે માંડી વાળનાર સુરતના વિપુલ દેસાઇ નામના યુવાનને ત્યાં ૩ ઓક્ટોબરે પહોંચેલા હાર્દિક પટેલે આંદોલનને માત્ર હિંસક રાહે એકદમ ભડકાવવાના ઇરાદાથી એવું કહ્યું હતું કે ‘પટેલનો દીકરો મરે નહીં બે-પાંચ પોલીસવાળાને મારીને મરે.’ હાર્દિકના આ નિવેદનની સામે સરકાર, પોલીસ અને સામાન્ય જનતામાં રોષ વ્યાપ્યો છે. મોરબી-ટંકારા-હળવદ ખાતે ૧ ઓક્ટોબરે પાટીદાર મહિલાઓને ધોકા લઇને આંદોલનમાં ઝૂકાવવાની ઉશ્કેરણી કરનાર હાર્દિક પટેલના આ છેલ્લી કક્ષાના ઉશ્કેરણીજનક પ્રયાસ સામે સુરતની પોલીસે જોકે કોઇ પગલાં લીધાં નથી. બીજી તરફ રવિવારે ઉત્તર ગુજરાતમાં હિંમતનગર ખાતે મહિલા સંમેલનનું આયોજન હાર્દિકની આંદોલનકારી સમિતિએ કર્યું છે, પણ તેને પોલીસે મંજૂરી આપી ન હોઇ પોલીસ સાથે ઘર્ષણ થવાની પૂરી સંભાવના છે.