મહેસાણાઃ ગુજરાતમાં ત્રણ દાયકા પછી ફરીથી અનામત આંદોલન શરૂ થયું છે. એક સમયે અન્ય પછાત વર્ગ અનામતનો જેમણે વિરોધ કર્યો હતો તે રાજ્યના સૌથી વગદાર પાટીદાર સમાજે હવે પોતાને બક્ષીપંચ હેઠળ આર્થિક અનામત માટેની માગણી કરી છે. આ માગણી આવનાર દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવી સમીકરણો જન્માવે તેમ માનવામાં આવે છે.
આ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં છ મહાનગરપાલિકાઓ સહિત જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાશે ત્યારે પાટીદાર સમાજને બક્ષીપંચ હેઠળ આર્થિક પછાત ગણીને અનામતનો લાભ આપવાની માગણી સાથે ઉત્તર ગુજરાતના વિસનગરમાં ૨૩ જુલાઇએ યોજાયેલી પ્રચંડ રેલીએ હિંસક વળાંક લીધો હતો. પાટીદારોના ગઢ એવા વિસનગરમાં પૂર્વ આયોજિત એકસાથે સ્વયંભૂ ઉમટ્યા હોય યુવાનોએ સૌથી પહેલી નારાજગી ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ ઋષિકેશ પટેલ પર ઉતારી હતી.
ઋષિકેશ પટેલની ઓફિસમાં અને તેમના વાહનોની ભારે તોડફોડ કરવામાં આવી હતી. ધારાસભ્યના ઘર તરફ આગળ વધી રહેલા તોફાની ટોળાને રોકવા પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસના ૧૦ શેલ છોડ્યા હતા. સ્ટેટ હાઇવે પર કાંસા ચોકડી પાસે ભારે અંધાધૂંધીનાં દૃશ્યો સર્જાયાં હતાં. હિંસાની આ ઘટનાઓમાં ૧૨થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
રાજકારણની પ્રયોગશાળા ગણાતા મહેસાણા પંથકમાં રેલીના આયોજકોએ પટેલોને અનામત નહીં મળે તો ‘રાજસ્થાનવાળી’ (જાટ અનામત જેવો જંગ) કરવાની ખુલ્લી ચીમકી આપી હતી. સાથે સાથે એવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો કે અન્ય પછાતોની જેમ પટેલોને ૩૦ ટકા અનામતોનો લાભ નહીં મળે તો જરૂર પડશે જીવ આપી દઇશું. રેલીના આયોજકોએ હવે પછી ૨૫ જુલાઇએ બહુચરાજીમાં અને ૨૮ જુલાઇએ વિજાપુરમાં આવી રેલી યોજવાની જાહેરાત પણ કરી હતી. ઉપરાંત ૨૫ ઓગસ્ટે અમદાવાદમાં આવી પ્રચંડ રેલી યોજવા જણાવ્યું હતું. વિસનગર હાઇવે પર મહેસાણા ચોકડી પાસે હરિહર સેવા મંડળ પાસેથી સવારે ૯.૩૦ વાગ્યે શરૂ થયેલી આ રેલીને અગાઉ મામલતદાર કચેરીએ સત્તાવાર મંજૂરી આપી હતી. જ્યાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બાદમાં રેલીને સંબોધતાં કન્વીનર એ.કે. પટેલે અનામત નહીં મળે તો રાજસ્થાન વાળી કરવાની ચીમકી આપી હતી. જયારે રાજ્યના કન્વીનર હાર્દિક પટેલે પાટીદારોને અનામત માટે જરૂર પડે જીવ આપવા અનુરોધ કર્યો હતો. રેલીનું સમાપન થયા બાદ ધારાસભ્ય કાર્યાલય તરફ નીકળી હતી જ્યાં રેલીમાં બે ભાગ પડી ગયા હતા અને કેટલાક આગેવાનો આ રેલી છોડી ગયા હતા. ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ ઋષિકેશ પટેલના કાર્યાલયે રેલી પહોચતાં જ ભાજપ વિરુદ્ધ જોરદાર સૂત્રોચાર થયા હતા. ટોળાએ કાર્યાલય ઉપર લગાવેલ ભાજપના ઝંડા ફેંકી તોડફોડ શરૂ કરી હતી. કાર્યાલય નીચે ભાજપના ખેસ લગાવેલ ગાડીઓને પણ નિશાન બનાવી સળગાવવામાં આવી હતી. ધારાસભ્યની ઓફિસે તોડફોડ કર્યા બાદ આ ટોળું તેમના ઘર હરદ્વાર સોસાયટી તરફ વિરોધ કરવા આગળ વધતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પરંતુ ટોળું કાબુમાં ન આવતાં પોલીસે ટીયેરગેસના દસ સેલ છોડ્યા હતા. પાટીદાર યુવા શિક્ષણ સમિતિ દ્વારા આ અગાઉ ૬ જુલાઇએ મહેસાણા અને ૧૯ જુલાઇએ માણસા ખાતે આવી રેલીઓ યોજાઇ હતી.
શું માગણી છે
આ અંગે મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં એવું જણાવાયું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની સાપેક્ષમાં જનરલ કેટેગરીમાં આવતા પાટીદારોનો મોટો સમુદાય પછાત હોવા છતાં તેઓ જનરલ કેટેગરીમાં હોવાના કારણે વિવિધ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો તેમ જ વિવિધ સરકારી નોકરીઓની ભરતી તથા બીજા સરકારી લાભથી વંચિત રહે છે.
અત્યારના મોંઘવારીના જમાનામાં મોટાભાગના પાટીદારોની આવક મર્યાદા ઓછી હોવાને કારણે તેમ જ તેઓ જનરલ કેટેગરીમાં હોવાથી સરકારી શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં તેમને અન્યાય થાય છે. ઉપરાંત સરકારી નોકરીની ભરતીમાં વયમર્યાદા, પાસિંગ માકર્સ, સ્થળ પસંદગી વગેરેમાં તેમને અન્યાય થાય છે. સરકારી ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવા માટે ચૂકવવાની થતી રકમ ઉપરાંત સરકારી નોકરીમાં બઢતી મેળવવામાં અને શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ મેળવવામાં પણ તેમને અન્યાય થાય છે. અન્ય જ્ઞાતિના ઉમેદવારોને જે છૂટછાટો મળે છે તે તમામ પાટીદાર સમાજને મળે અને તેમની વસ્તીના આધારે ૩૦ ટકા અનામતોનો લાભ મળે તેવી અમારી માગણી અને લાગણી છે.
..તો સરકારને પણ નુકસાન
પટેલ સમાજને ભાજપની વોટબેન્ક માનવામાં આવે છે અને જો આ પ્રકારના બનાવોથી સમાજના સભ્યો નાખુશ થાય તો સરકારને મોટું નુકસાન થાય તેમ એક પ્રધાને અનૌપચારિક વાતમાં સ્વીકાર્યું હતું. સરકારમાં મુખ્ય પ્રધાન સહિત મોટી સંખ્યામાં પ્રધાનો પટેલ છે. તે જ રીતે પાર્ટીના પ્રદેશ પ્રમુખથી લઈને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ આ જ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે હવે પાર્ટી અને સરકારે હવે આ મુદ્દો ખૂબ કુનેહપૂર્વક હાથ ધરવો પડશે.
વિધાનસભામાં ૪૨ પટેલ સભ્યો
વિધાનસભાના કુલ ૧૮૨ ધારાસભ્યો પૈકી અંદાજે ૪૨ ધારાસભ્યો પટેલ છે. જેમાં કોંગ્રેસના સાત અને ભાજપના ૩૪ પટેલ છે. રાજ્ય સરકારમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સહિત આઠ પ્રધાનો અને રાજ્યસભામાં એક અને લોકસભામાં પાંચ એમ મળીને કુલ છ સાંસદો પટેલ છે.
શું પટેલોને આ લાભ મળી શકે?
જો પાટીદારોને અનામતનો લાભ મળે તો વિવાદની થવાની સંભાવના છે. કારણ કે અનામત વ્યવસ્થા પાછળનો હેતુ દેશમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને અનામતનો લાભ આપી તેમના ઉત્કર્ષનો છે. સમાજશાસ્ત્રીઓના મતે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પાટીદારો આ બંને માપદંડોમાં અનુકૂળ બેસતા નથી.
ચૌધરી વિરુદ્ધ પાટીદાર વોટબેન્કનું ગણિત
પાટીદારો અનામતનો લાભ મળે તે માટેનું આ આંદોલન વિસનગરમાં ભલે હિંસક બનતાં બધાનું ધ્યાન ખેંચાયું હોય. પરંતુ તેનો પ્રારંભ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના સમર્થક ચૌધરી વિરુદ્ધ ભાજપ પ્રતિ ઝોક ધરાવતા પાટીદારોના સમીકરણોથી થયો છે. ચૌધરીઓ બક્ષીપંચમાં હોવાથી તેમને સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક શિષ્યવૃત્તિમાં લાભ મળે છે. જ્યારે પટેલોને અભ્યાસ કર્યો હોવા છતાં સુરતમાં હીરા ઘસવાનો વખત આવ્યો છે. આ અસંતોષમાં ત્રણેક વર્ષ પૂર્વે સોશિયલ મીડિયામાં શરૂ થયો હતો. પટેલો મુખ્યત્વે અનામત મળે કે નહીં પણ સમાજ યુવાનોને નોકરીઓ મળે અને અભ્યાસ માટે સહાય મળે તેવી વ્યવસ્થા ઇચ્છે છે, નક્કર રાજકીય નેતૃત્વ ન હોવાથી તેણે અનામત આંદોલનનું સ્વરૂપ હાથમાં લીધું છે.
શરૂઆત કેવી રીતે થઇ
અનામતના આંદોલન માટે એક ઘટના જવાબદાર હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે કેટલાક ગરીબ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ ન મળ્યો તેથી ગરીબ પટેલ વિદ્યાર્થીને અનામતની માગણીની શરૂઆત થઇ હતી. આંદોલનકારી જૂથના અમદાવાદના બે વિદ્યાર્થીઓ અમેરિકા જતાં રહ્યા હતાં. કારણ કે તેમને અહીં તક મળી નહીં. અમેરિકા જઈને તેમણ અનેક રિસર્ચ કર્યા છે અને આજે સારી પરિસ્થિતિમાં છે. આ વિદ્યાર્થી પૈકી એક અમદાવાદના ડોક્ટર પરિવારનો હતો. પોતાના મિત્રના આ અનુભવ પછી, આ નાના જૂથે નક્કી કર્યું કે જો તેમને પણ અનામત મળે તો પાટીદારના બાળકોને પણ કોલેજમાં પ્રવેશ મળે. તે આધારે તેમણે આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનને બે અઠવાડિયા થયા અને તેનો વ્યાપ ગુજરાતભરમાં થઈ રહ્યો છે. આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિરમગામના ૨૧ વર્ષીય હાર્દિક પટેલે કહ્યું કે ‘પટેલ-પટેલમાં પણ કયાં આર્થિક સમાનતા છે? ગામડામાં ખેતી કરનારની નવી પઢીને પણ શહેરોમાં સ્થીર થવું છે. ઉત્તમ શિક્ષણ સાથે સરકારી વ્યવસ્થાથી દેશસેવા કરવી છે. તેના માટે લાયક હોવા છતાંયે તક ક્યાં મળે છે? પટેલ સમાજ સામાન્ય શ્રેણીમાં આવતો હોવાથી પહેલા તો સરકારી શિક્ષણ સંસ્થામાં પ્રવેશ નથી મળતો. ગામડાંની જમીનો વેચીને અમને સેલ્ફ ફાઇનાન્સમાં ડોનેશન ચૂકવીને ભણવું પડે છે. ત્યારપછી બક્ષીપંચ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એ બધાને અનામતનો લાભ. અમે તેનો વિરોધ નથી કરતા પરંતુ અમને પણ તક તો મળવી જોઈએને? માટે અમને પણ બક્ષીપંચમાં સમાવો કે આર્થિક પછાત પણાનો લાભ આપો તેની માંગણી કરીએ છીએ.’
જૈનો સમૃદ્ધ છે તો તેમને લાભો કેમ?
પાટીદાર નેતાઓ કહે છે કે, ગુજરાતમાં જૈનો સૌથી સમૃદ્ધ છે. સિદ્ધરાજ સોલંકીના સમયથી જૈનો સમૃદ્ધ છે. તેમ છતાં તેમને લઘુમતીના લાભો આપીને અનામતનો લાભ મળવાનો શરૂ થયો છે. આ વાત અમને ખટકે છે. ગરીબોનો પહેલો હક છે કે તેમને અનામત આપો.
૩૫ ટકા જ સામાન્ય વર્ગ
શિક્ષણમાં ૫૩ ટકા અનામત છે છતાં અનામતનાં હોશિયાર વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં પ્રવેશ મેળવે છે. તેની સાથે ગણીએ તો અનામત ૬૫ ટકાથી વધી જાય છે. તેથી ખરેખર તો ઓપન કેટેગરીની માટે માત્ર ૩૫ જ રહે છે.