ગાંધીનગરઃ નિવૃત્ત આઇએએસ અધિકારી અને રાજ્ય સરકારના ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘને વિજિલન્સ કમિશનર તરીકે નિમણૂક અપાઈ છે. સંગીતાના પતિ સંજય પ્રસાદને પણ નિવૃત્તિ બાદ સરકારે ઓગસ્ટ, ૨૦૧૯માં નિવૃત્ત થયેલા રાજ્ય ચૂંટણી પંચના કમિશનર બનાવ્યા છે.
સંજય પ્રસાદ રાજ્ય ચૂંટણી પંચના કમિશનર તરીકે યથાવત્ છે અને હવે સંગીતા સિંઘને પણ પોસ્ટિંગ અપાયું છે તે નોંધનીય બાબત છે. ૧૯૮૬ બેચનાં આઇએએસ સંગીતા સિંઘની નિવૃત્તિ બાદ ગૃહ વિભાગનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપાયો છે.
આઈએએસ અધિકારી રહી ચૂકેલા દંપતીને નિવૃત્તિ પછી પોસ્ટિંગ અપાયું હોય તેવું પ્રથમ વાર થયું છે અને દંપતી સરકારની ખૂબ નજીક ગણાય છે. આ ઉપરાંત દંપતી મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્રસચિવ કે કૈલાસનાથનના વિશ્વાસપાત્ર છે. એક તબક્કે સંગીતા સિંઘનું નામ ગુજરાતનાં મુખ્ય સચિવની યાદીમાં પણ હતું.

