પત્નીના હત્યારા ભદ્રેશનું પગેરું શોધવા અમેરિકન અધિકારીઓ અમદાવાદમાં

Wednesday 12th April 2017 08:35 EDT
 
 

અમદાવાદ: અમેરિકાના હેનઓવરમાં રહેતા અમદાવાદનાં ભદ્રેશ પટેલે પોતાની વાડજની રહેવાસી પત્ની પલક પટેલની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાંખવાના ચકચારભર્યા કેસમાં અમેરિકન પોલીસ ભદ્રેશને શોધવા આકાશપાતાળ એક કરી રહી છે. થોડા દિવસ પહેલાં જ અમેરિકન એમ્બેસીની એક ટીમ અમદાવાદ આવીને પલકના સંબંધીઓની પૂછપરછ કરી ભદ્રેશ ક્યાં છુપાયો છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
નવા વાડજમાં રહેતી પલક (૨૧)નાં લગ્ન નવેમ્બર ૨૦૧૩માં ચેનપુર, ન્યુ રાણીપનાં ભદ્રેશ પટેલ (૨૪) સાથે થયા હતા. લગ્નના છ મહિના પછી બંને અમેરિકા ગયા હતા અને હેનઓવરનાં એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા. આ દંપતીને ડંકીન ડોનટસ કંપનીમાં નોકરી મળી હતી. જોકે લગ્નનાં થોડા દિવસોમાં જ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. દરમિયાન ૧૨ એપ્રિલ ૨૦૧૫માં ડંકીન ડોનટસ કંપનીમાં ભદ્રેશે કિચન વિભાગમાં ઊભેલી પલકને છરીનાં ચારથી પાંચ ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી અને તે ફરાર થઇ ગયો હતો. તેનો હજી સુધી પત્તો નથી. એરૂનડેલ કાઉન્ટી પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી કરીને તપાસ હાથ ધરી હતી. અને ફરાર ભદ્રેશ નેવાર્ક એર પોર્ટ નજીક એક હોટેલમાં દેખાયો હતો. જોકે ત્યાંથી તે કારથી કેનેડા ગયો હોવાની શકયતા છે. અમેરિકન પોલીસે ભદ્રેશ વિરુદ્ધ લુક આઉટ નોટીસ ઇશ્યુ કરી હોવાથી તે અન્ય દેશમાં ભાગે તેવી શકયતા નહીંવત છે. ભદ્રેશની ભાળ ન મળતા એફબીઆઈએ તેને ભાગેડુ જાહેર કરીને તેના અંગે માહિતી આપનારને બે હજાર ડોલરનું ઇનામ પણ જાહેર કર્યું હતું. છતાં તેની માહિતી ન હોવાથી ઇનામની રકમ ૨૦ હજાર ડોલર કરાઈ હતી. એફબીઆઈએ એર પોર્ટ અને રેલવે સ્ટેશનો પર ફરાર ભદ્રેશના પોસ્ટર પણ ચિપકાવી દીધા હતા.
ભદ્રેશની ભાળ મેળવવા જાન્યુઆરી ૨૦૧૭માં મુંબઇથી અમેરિકન એમ્બેસીની ટીમનાં ત્રણ અધિકારી અમદાવાદ આવ્યા હતા અને પલકનાં સંબંધીઓની પૂછપરછ કરી હતી. તે સિવાય અમેરિકાથી સીએનએન ચેનલે હત્યાના આ બનાવ સંદર્ભે એક એપિસોડ તૈયાર કર્યો છે. જેમાં અમદાવાદમાં પલકનાં ઘરે શૂટિંગ પણ કરાયું હતું અને પલકની બાળપણની તસવીરો સાથેની માહિતી સવિસ્તાર વણી લેવામાં આવી છે. ટૂંક સમયમાં 'હંટ શો' નામના આ પ્રોગ્રામમાં આ બનાવ દર્શાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter