અમદાવાદઃ ‘આપઘાત’ શબ્દ પોતે જ અનેક રીતે વિચાર કરતા કરી મૂકે છે. વીતેલા સપ્તાહે ‘જન્મભૂમિ’ પત્રોના વરિષ્ઠ પત્રકાર કમલ ઠાકરે અમદાવાદની કેનાલમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તે સમાચારથી પત્રકાર-વર્તુળમાં ભારે આઘાત અને નવાઈની લાગણી ફેલાઈ ગઈ છે. કમલ ઠાકર ‘જન્મભૂમિ’માંથી નિવૃત્ત થયા પછી દૂરદર્શનમાં કામ કરતા હતા. સમાચાર-શોધન અને સંપાદન બન્નેમાં તેમનો હાથ કુશળ હતો.
સંગીતના રસિયા અને કંઠમાં મધુરતા એટલે ‘વોઇસ ઓફ મુકેશ’ તરીકે જાણીતા હતા. એકદમ તંદુરસ્ત દેખાતું શરીર, સદા હસતો ચહેરો, પત્ની - પુત્ર - પરિવારની જવાબદારીનું સફળતાથી વહન કરી રહેલા ઠાકરને આંતરડાની બીમારી હતી અને તેનાથી તેઓ થાકી ગયા હતા. તેમણે મૃત્યુ પૂર્વે લખેલી ચિઠ્ઠીમાંય આ જ બાબત જણાવી છે. ‘બીમાર તરીકે હું કોઈનો બોજ બનવા નથી માગતો’ એ તેમનું વાક્ય હતું. ગુજરાતમાં કોઈ પત્રકારે આપઘાત કર્યાની આ પહેલી ઘટના છે. મુંબઈમાં વર્ષો પૂર્વે એક સાહિત્યકાર-કવિ હરિશ્ચંદ્ર ભટ્ટે આપઘાત કર્યો હતો તે પછી શબ્દો સાથે જોડાયેલી બીજી વ્યક્તિ કમલ ઠાકર છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપો.

