ગાંધીનગરઃ શિયા ઈસ્માઈલી મુસ્લિમ સમાજના આધ્યાત્મિક વડા પદ્મવિભૂષણ હિઝ હાઇનેસ આગાખાન ગુરુવારે ગુજરાત પધાર્યા છે. ગુરુવારે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેઓ ગત તા.૨૦મી ફેબ્રુઆરીથી ભારતની ૧૦ દિવસની મુલાકાતે આવ્યા છે. તે અંતર્ગત તેઓ દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની મુલાકાત બાદ ગુજરાત આવ્યા છે. તેઓએ રાજ્યપાલ ઓ.પી. કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પણ મુલાકાત લીધી હતી. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ ઈસ્માઈલી સમાજના તેમના અનુયાયીઓને ડાયમંડ જ્યુબિલી પ્રસંગે મુલાકાતનો લાભ આપશે.


