અમદાવાદઃ જાણીતા અર્થશાસ્ત્રી અને દેશમાં ફાધર ઓફ આંત્રપ્રિન્યોર મૂવમેન્ટના પ્રણેતા પદ્મ શ્રી ડોક્ટર વિહારી દાસ ગોપાલદાસ પટેલ ચોથી એપ્રિલે ટૂંકી બીમારી બાદ અવસાન પામ્યા છે. ઉદ્યોગ સાહસિકતા સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ પોલીસીની અને ગ્રોથ મેનેજમેન્ટ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા ડોક્ટર પટેલે કારકિર્દી દરમિયાન ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર કામગીરી નિભાવી હતી.
તેઓ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મુખ્ય આર્થિક સલાહકાર એન્ટ્રપ્રિન્યરશિપ ડેવલપમેન્ટ ગુજરાતના ફાઉન્ડર ડિરેક્ટર તથા ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી લિમિટેડના એમડી હતા. ભારતમાં ઉદ્યોગ સાહસિકતાના વિકાસમાં તેમના યોગદાન બદલ વર્ષ ૨૦૧૭માં તેમને પદ્મશ્રીના પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

