અમદાવાદઃ ૨૪ જાન્યુઆરી, ૨૦૧૮ની સાંજે ડો. આરતી પંડ્યાનું અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં અવસાન થયું છે.
‘ગુજરાત સમાચાર’ના માનદ્ તંત્રી અને સ્તંભલેખક તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના ધર્મપત્ની ડો. આરતી બહેને ખ્યાત વિવેચક ડો. રસિકલાલ પરીખના માર્ગદર્શનમાં મહાનિબંધ (થિસીસ) લખીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. બી. ડી. આર્ટ્સ અને જી.એલ.એસ. કોલેજમાં તેઓ સંસ્કૃતનાં પ્રાધ્યાપક હતાં. તેમણે પોતાના સ્વતંત્ર ત્રણ પુસ્તકો ‘સંસ્કૃતિની યાત્રા’, ‘વેલકમ હોમ’ અને ‘અલ્લાઉદ્દીનખાનની સંગીતકથા’ ઉપરાંત વિષ્ણુ પંડ્યા સાથે ૯૩ પુસ્તકોમાં સહલેખન-સંપાદન પણ કર્યું. વિષ્ણુભાઈ અને તેમના સંયુક્ત પ્રયાસથી ‘ગુજરાતના ક્રાંતિતીર્થો’ પુસ્તક રચાયું તેનું લોકાર્પણ ‘ગુજરાત સમાચાર’ના ઉપક્રમે સી. બી. પટેલે અમદાવાદમાં આયોજન કર્યું હતું. તેમણે અધ્યાપન ઉપરાંત ‘જન્મભૂમિ’, ‘નવગુજરાત ટાઈમ્સ’, ‘નવનીત’, ‘ચાંદની’ વગેરે સામયિકોમાં કટારલેખન કર્યું અને દસ વર્ષ સુધી ‘સમાંતર’ સાપ્તાહિક તેમજ પ્રકાશન કાર્ય સંભાળ્યાં હતાં.
છેલ્લા કેટલાક સમયથી અશક્તિ અને શ્વાસોચ્છવાસની તકલીફને લીધે તેમને ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ૨૪મીએ તેમણે દેહ છોડ્યો, ૨૬મીએ પ્રાર્થનાસભામાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ તેમને અંજલિ આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ટીવી-પ્રિન્ટ મીડિયાના પત્રકારો, ‘ગુજરાત સમાચાર’ (અમદાવાદ)ના તંત્રી શ્રેયાંસ શાહ, સાહિત્ય પરિષદના અધ્યક્ષ સીતાંશુ યશશ્ચંદ્ર, પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના સી. બી. પટેલ વગેરે સહિત ગુજરાતે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.


