પનામા પેપરલીક: ગુજરાતનાં વધુ નામો બહાર આવ્યા

Wednesday 27th July 2016 07:25 EDT
 
 

અમદાવાદઃ પનામા પેપરલીક કેસમાં આવકવેરા વિભાગને વધુ ગુજરાતીઓના નામ મળ્યા છે. જે ૧૯ કરદાતાઓની યાદી આવકવેરા વિભાગને મળી છે જેના આધારે નોટિસ આપીને ૨૦મી જુલાઈથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ તપાસમાં કેટલાક કરદાતાઓના કરોડો રૂપિયાના બેનામી ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા છે.
આ દરમિયાન વધુ નામો ઉમેરાયા છે અને ટૂંક સમયમાં એક રિપોર્ટ સીબીડીટીને મોકલી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલી અમદાવાદમાં છૂપી આવક જાહેર કરવાની સ્કિમની સમજણ આપવા માટે આવ્યા ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે, પનામા પેપરલીક કેસમાં વધુ નામો બહાર આવી રહ્યા છે માટે સમયસર છૂપી આવકની જાહેરાત કરાય તે કરદાતાઓના હિતમાં છે.
પનામા પેપરલીક કેસમાં ગુજરાતના ૧૯ કરદાતાને આવકવેરાની ગુપ્તચર ટીમે મે મહિનામાં નોટિસ ફટકારી હતી. જેમણે ટેક્સહેવન કન્ટ્રીમાં નાણા ટ્રાન્સફર કર્યાં છે. આવકવેરા વિભાગે અમદાવાદ, મોડાસા, પેટલાદ, ભૂજ, સુરત અને વડોદરાના બિઝનેસમેન અને વ્યક્તિગત કરદાતાઓને નોટિસ ફટકારીને સાત દિવસમાં ખુલાસાઓ કરવા માટે તાકીદ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે, એનઆરઆઇ પણ હતા જેમના નિવેદનો લેવાયાં છે હજુ તપાસ ચાલુ હોવાથી વધુ માહિતી આપવાનો સૂત્રોએ ઇનકાર કર્યો હતો, પણ નવા નામો બહાર આવી રહ્યા છે તેવા સંકેતો મળ્યા છે. ભાવનગર, ભૂજ, મોડાસા, વડોદરા અને અમદાવાદના કરદાતાઓ પૈકી કેટલાક કરદાતાઓના કરોડો રૂપિયાના બેન્કિંગ ટ્રાન્ઝેકશન્સ મળ્યાં છે. બ્રિટીશ વર્જિન આઇલેન્ડમાં એક રૂપિયાના ટોકનમાં કંપની શરૂ કરીને ભારતમાંથી બ્લેક મની ટેક્સહેવન કન્ટ્રીમાં ટ્રાન્સફર થયું છે તેની તપાસ ચાલી રહી છે. ૧૯ ગુજરાતીઓમાં કેટલાક બિઝનેસમેન અને વ્યક્તિગત કરદાતાઓ છે. તમામ ૧૯ ગુજરાતીઓના બેન્ક ડિટેઈલ, પાનકાર્ડની વિગત, આઇટી રિટર્નની છેલ્લા પાંચ વર્ષની માહિતી એકત્ર કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter