અમદાવાદઃ ભારતમાં હલચલ મચાવી દેનારા પનામા પેપર લીક્સમાં ભાવનગરના ઉદ્યોગપતિ અબ્દુલકાદર કાસમભાઇ પરવાણીનું નામ તાજેતરમાં જાહેર થયા બાદ ગુજરાતની લગભગ ૩૪ પેઢીનાં આ કાંડમાં કનેક્શન હોવાનું ખૂલ્યું છે. જેમાં રાજકોટના રાજેશ ધ્રુવ, મોડાસાના ઈસ્માઈલ અને અઝીઝ હુકાવાલા, પેટલાદના ઈલેશ પટેલ, નવસારીના ધર્મેશ ભાણાભાઈનો સમાવેશ થાય છે.
ચિરાયુ અમીન અને પરિવારજનો
પનામા પેપર્સ લીક થયા બાદ વડોદરાના ચિરાયુ અમીનનું નામ ખૂલ્યા પછી તેનાં પરિવારના પાંચ સભ્યો બે કંપનીના હિસ્સેદાર ગણાવાયા છે જેમાંથી એક મુંબઈ સ્થિત છે અને પી. પી. શાહ એસોસિએટ્સના સરનામું આપ્યું છે જેમાં ખુદ પી. પી. શાહ એસો. વચેટિયાની ભૂમિકામાં છે.
ચિરાયુ પણ તે નામોમાંથી એક છે. ચિરાયુ અમીન ઉપરાંત તેના પરિવારમાં ઉદિત અમીન, મલ્લિકા અમીન, પ્રણવ અમીન અને શૌનક અમીન બે કંપનીઓના હિસ્સેદાર ગણાવાયા છે. આ બે કંપનીઓમાં એક વાઈટફિલ્ડ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ છે જે મુંબઈની કંપની છે જેનું કાયદાક્ષેત્ર વર્જિન આઈલેન્ડ છે.
અમીન પરિવારનું મુંબઈ કનેક્શન
અમીન પરિવાર વાઈટફિલ્ડમાં હિસ્સેદાર બતાવાય છે. આ કંપનીનું સરનામું પી. પી. શાહ એસોસિએટ્સ ૩૦૨ કેકે સ્કેવર ૪૭૦, કાર્ડિયલ ગ્રેશિયસ રોડ ચકાલા, અંધેરી (ઈસ્ટ), મુંબઈ નોંધાયેલું છે. પ્રત્યક્ષ રીતે પી. પી. શાહની જ આ કંપની જણાય પણ પી. પી. શાહ એસો. વાઈટફિલ્ડમાં શેરહોલ્ડર કે હિસ્સેદાર નહિ પણ માત્ર મીડિએટર ગણાવાયા છે જે મામલો વિચિત્ર છે. ઉપરાંત વાઈટફિલ્ડ કઈ કામગીરી કરે છે અને ક્યાં કરે છે તેનો કોઈ રેકોર્ડ મળતો નથી એકદમ ઘોસ્ટ કંપની છે.
જામનગરનો શાતિર બિઝનેસમેન
ગુજરાતના મુખ્ય શહેરોના કેટકેટલાય નામ પનામા કેસમાં ખૂલ્યા છે. જામનગરનું માત્ર એક જ કનેક્શન છે પણ અન્ય શહેરો કરતા તેનું નેટવર્ક બહુ જ વિશાળ છે. આ કંપનીનો માલિક એટલો બુદ્ધિશાળી પુરવાર થયો છે કે તેનું નામ પનામા પેપર્સમાં પણ લીક થયું નથી અને હજુ ગુપ્ત છે.
જામનગર હોલ્ડિંગ્ઝ લિમિટેડ નામની એક કંપની યુકે નોંધાયેલી બતાવાઈ છે જેનું કાયદાક્ષેત્ર હંમેશની જેમ બ્રિટિશ વર્જિન આઈલેન્ડ છે તેથી તે ઓફ્ફશોર કંપનીની લિસ્ટમાં આવે છે.
આ કંપનીનું સરનામું વ્હીટમિલ ટ્રસ્ટ યુકે છે. જામનગર હોલ્ડિંગ્ઝ ૧૯૯૯માં સ્થપાઈ હતી પણ ત્યારે તેનું નામ લોરેનવેલ લિમિટેડ હતું, પણ પછી જામનગર કરી નાંખવામાં આવ્યું હતું જેનો મતલબ કે આ કંપનીમાં કોઈ ગુજરાતી કે જામનગરવાસીએ મોટું ફંડ રોક્યું છે.
‘ઓછા વ્યાજે લોન લેવા કંપની સ્થાપી’
ઉદ્યોગપતિ પીરવાણીએ આ ચકચારી મામલે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૦૦૦ની સાલમાં વિદેશમાંથી લોન મેળવવા પ્રયાસ કર્યો હતો કારણ કે, અહીં બેન્કના વ્યાજ આકરા છે. ભારતમાં ૧૩.૫૦ ટકાથી ૧૪ ટકાએ લોન મળે છે જ્યારે કેટલાક દેશોમાં માત્ર ૪ ટકાએ નાણા મળે છે.
આ હળવા દરની લોન લેવા માટે ત્યાં કંપની બનાવવી જરૂરી હોવાથી કંપની બનાવી હતી. આ કંપની માત્ર એક ડોલરની છે. બીજુ, ભારતમાંથી વિદેશ રૂપિયા લઈ જવાના હોય તો આરબીઆઇ (રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા)ની મંજૂરી લેવી જરૂરી છે, પણ ત્યાંથી જ લોન લઈને કામ કરવાનું હોય તો આરબીઆઇની પરમિશનની કોઈ જરૂર રહેતી નથી. આ તો માત્ર પનામા પેપર્સની વાત છે. આવી તો હજારો કંપનીઓ વિદેશમાં ખુલેલી છે તો તે તમામ કંઈ ગુનેગાર બની જતા નથી.
૩૪ પેઢીનાં નામ
પીરવાણી બાદ પનામા પેપર લીકમાં ગુજરાતના અન્ય નામો ઉમેરાયા છે. આ યાદીમાં ગુજરાતની ૩૪ પેઢીઓનો સમાવેશ થાય છે જ્યારે જેનો ટેક્ષ હેવન દેશોમાં આવેલી કંપની સાથે કનેક્શન છે. આ પેઢીઓમાં કેટલાક પરિવારનો પણ સમાવેશ થાય છે. આ પેઢીઓમાં કોઈ એજન્ટ, ઈન્ટરમીડિએટર (દલાલ) કે પછી સીઈઓનો હોદ્દો ધરાવે છે.
નામ અને રોકાણની યાદી
વડોદરાઃ ગાયકવાડ રાધિકારાજે સમરજિતસિંહ (બ્રેન્ટવુડ કન્સલ્ટિંગ કંપનીના ડિરેક્ટર અને શેર હોલ્ડર), ચિરાયુ અમીન (વાઇટફિલ્ડ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ અને પેટ હ્યુસ્ટનમાં ભાગીદાર), મુકુંદભાઈ મનુભાઈ પટેલ (કોર્પોરેશનમાં શેર હોલ્ડર કે જેનું ન્યાયક્ષેત્રે બ્રિટિશ વર્જિન આઇલેન્ડ), પ્રદીપ કૌશિકરાય બુચ (ઓવરસીઝ પર્લ લિમિટેડ (યુકે)ના શેર હોલ્ડર છે અને એક જ નામે બે વખત કંપનીના શેર લીધાં છે. કંપની કાર્યરત છે.), છોટુમતી ચીમનભાઈ પટેલ (બહામાસ સ્થિત ડનસ્ટેન ઇન્વેસ્ટમેન્ટમાં શેર હોલ્ડર), દવે દેવેશ (ન્યૂ જર્સીની ઓવરસીઝ પર્લ લિ.માં બે એકાઉન્ટ સાથે શેર હોલ્ડર, એક જ વ્યક્તિના ત્રણ નામે રોકાણ), દેવાંગ નરેન્દ્રકુમાર સંઘવી (સર્વયોનિ ટ્રેડિંગ કંપનીમાં ડિરેક્ટર), કુંદન રતિલાલ પટેલ (બહામાસ સ્થિત બ્લ્યુ સેન્ડ્સ ગ્લોબલના શેર હોલ્ડર આ એક પર બે રોકાણ)
અમદાવાદઃ ભંડારી અશોક રામદયાલચંદ (ફેડીડેન અન્ટરનેશનલ લિમિટેડ કે જેનું કાયદાક્ષેત્ર વર્જિન આઇલેન્ડ છે પણ સિંગાપુરમાં હતી. ૨૮ જાન્યુઆરીના રોજ શરૂ થઈ અને ૩૧ ઓક્ટોબર ૨૦૧૩માં ડિફોલ્ટર સાબિત થઈ છે. તેમાં શેર હોલ્ડર અને હોદ્દેદાર), મનોજ દયાત્તસ (ચાઈનામાં સ્પેશિયલ ટેક્ષટાઇલ્સ હોલ્ડિંગ લિમિટેડ નામની કંપનીમાં શેર હોલ્ડર જેનું કાયદાક્ષેત્ર બ્રિટિશ આઇલેન્ડ.), શાહ નિલેશ ત્રિકમલાલ (હોંગકોંગમાં ઓઇલફ્રન્ટ લિમિટેડ કંપનીમાં શેર હોલ્ડર ૨૧ નવે. ૨૦૦૫માં સ્થપાઈ હજુ પણ કાર્યરત), જોશી મંગલા અશોક (સિંગાપુરમાં અહુરા મઝદા લિ.ના ડિરેક્ટર જ્યુરીડિક્શન આપ્યું નથી પણ સિંગાપુર અને વર્જિન આઇલેન્ડ સાથે લિંક), સતિષ વધુમલ રાયસિંઘની અને નિશા સતિષ રાયસિંઘની (ડબલ એજ વર્લ્ડ વાઇડ લિમિટેડ, બ્રિટિશ વર્જિન આઇલેન્ડના શેર હોલ્ડર, કંપની બંધ છે.), મનિષકુમાર ગોરધનભાઈ શેલડીયા (બ્રિટિશ વર્જિન આઇલેન્ડની અપાર હોલ્ડિંગ ટેકનોલોજીમાં શેર હોલ્ડર કંપની કાર્યરત છે.), હેમાલીબહેન પટેલ (ટોરટોલા સ્થિત કાએર હોલ્ડિંગ્સ ડિરેક્ટર, કંપની હજુ કાર્યરત)


