થરાદઃ બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓમાં ઘાસચારાની અછતના મુદ્દે સંચાલકોએ સરકાર સામે મોરચો માંડયો છે. ગૌશાળા સંચાલકો ઘાસચારો ફાળવવા અને ગાયોને રોજિંદો ઘાસચારો મળી રહે તે માટે સહાયની માગ કરી રહ્યા છે. આ મામલો ઠંડો પડયો નથી ત્યાં ૧૨મી મેએ થરા માર્કેટ યાર્ડમાં રાજ્યના પાણી પુરવઠા અને સિંચાઈ પ્રધાન પરબત પટેલે ગૌશાળાના સંચાલકો સાથે બેઠક યોજી હતી. થરાદ પંથકમાં આવેલી અંદાજે ૩૩ નાની મોટી ગૌશાળાઓમાં રહેતા હજારો પશુઓને નિભાવતા સંચાલકો આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં પરબત પટેલના નિવેદનથી બળતામાં ઘી હોમાયાની સ્થિતિ થઈ હતી. ગૌશાળા સંચાલકોએ સરકાર તરફથી મદદ માગતા તેમને હડધૂત કરતાં પરબત પટેલે કહ્યું હતું કે, ગૌશાળાઓ સરકારને પૂછીને બનાવી હતી? તેમના નિવેદનથી ગૌ સંચાલકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

