અમદાવાદ: પ્રધાન પરસોત્તમ સોલંકી ભાજપ સરકારના પ્રધાનમંડળમાં સારું ખાતું મેળવવાની જીદ પર અડગ છે. પરસોત્તમ સોલંકીએ ભાજપ હાઈકમાન્ડને દોઢ મહિનાનું અલ્ટીમેટમ આપ્યું છે. આ સમયમર્યાદામાં માંગણી પૂર્ણ નહીં થાય તો પરસોત્તમ સોલંકી ભાજપ સામે બગાવત કરવાના મૂડમાં છે. કોળી સમાજે અંદરખાને ભાજપને રાજકીય સબક શિખવાડવા બેઠકોનો દોર આરંભી દીધો છે. પ્રધાન પરસોત્તમ સોલંકી હજુયે કેબિનેટની બેઠકમાં ભાગ લેતા નથી. તેઓ હજુય ભાજપ હાઈકમાન્ડથી ભારોભાર નારાજ છે. નારાજગીને લીધે તેમણે છેલ્લે રહી રહીને ધારાસભ્યના ય શપથ લીધા હતા. સૂત્રો કહે છે કે, કોળી સમાજના આગેવાનો સાથે પરસોત્તમ સોલંકી સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. સોલંકીએ આગેવાનોને સ્પષ્ટ કહ્યું છે કે દોઢ મહિનાનો સમય છે. થોભો, રાહ જુઓ, સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં કંઈક કરવું યોગ્ય નથી. અલ્ટીમેટમનો સમય પૂર્ણ થાય અને માગણી સ્વીકારાશે નહીં તો અન્યાય સામે મોરચો માંડીશ.
કોળી આગેવાનોએ એવી દલીલ કરી રહ્યા છે કે પાટીદારો કરતાંય કોળી મતદારોની સંખ્યા વધુ છે. પાટીદારોના ૪૫ ધારાસભ્યો છે જ્યારે છ કેબિનેટ પ્રધાન છે. આ તરફ એક કોળી પ્રધાન પરસોત્તમ સોલંકી સિનિયર હોવા છતાં સારું ખાતું આપવા ભાજપ તૈયાર નથી. ભાજપે એક કરોડ કોળી મતદારોને તમાચો માર્યો છે. હવે એક નહીં, બલ્કે પાંચ કોળી ધારાસભ્યોને પ્રધાનપદ આપવા કોળી સમાજે માગ ઊઠાવવા તૈયારી કરી છે.


