અમદાવાદઃ નવરંગપુરામાં મીઠાખળી છ રસ્તા પાસેની વસંત વિહાર સોસાયટીમાં આવેલી SIS કેશ સર્વિસ પ્રા. લિ. કંપનીમાં ૨૫મી નવેમ્બરે મધરાત્રે કંપનીના સિક્યુરિટી ગાર્ડ સતીષપાલને માથામાં લોખંડની હથોડી અને સળિયો મારીને ગંભીર રીતે ઇજા કરીને કંપનીમાંથી રૂ. ૪ કરોડના સોનાની લૂંટ થઈ હતી. આ કેસમાં ક્રાઇમબ્રાંચને મળેલી બાતમીના આધારે પોલીસે ડ્રાઇવ-ઇન રોડ પરના ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં રહેતા સાગર સતરામભાઇ ભાગચંદાણી અને તેની બહેન પિન્કીની ધરપકડ કરી હતી પોલીસે તેઓ પાસેથી રૂપિયા ૩.૮૦ કરોડનું ૧૩.૫૦૦ કિલો સોનું કબજે કર્યું હતું. લૂંટ ચલાવ્યા બાદ ૧૪ કિલો સોનામાંથી નંદુ અને કરણ દેસાઇને ૧૦૦ ગ્રામ સોનાના પાંચ બિસ્કીટ આપ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેના ઘરેથી ૧૩.૫૦૦ કિલો સોનું કબજે કર્યું હતું. લૂંટ વખતે ફિંગર પ્રિન્ટ આવે નહીં એ માટે હાથમાં પાવડર લગાડવા સહિતનો પ્લાન સંતાનોને માતાએ ઘડી આપ્યો હતો તો લૂંટ પછી સોનુ સંતાડવામાં પિતાએ મદદ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.


