પહેલા ગાયો બચાવી, હવે દીકરીઓ બચાવશુંઃ જાડેજા

ગુજરાત વિધાનસભામાં લવજેહાદ વિધેયક પસાર

Wednesday 07th April 2021 04:40 EDT
 
 

અમદાવાદ : ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં હવે બળજબરીથી ધર્માંતર કરાવનારને કેદ અને દંડની સજાની જોગવાઇ કરતો કાયદો લાગુ થઇ ગયો છે. ગુજરાત આ પ્રકારનો કાયદો લાગુ કરનારું ચોથું રાજ્ય બન્યું છે. આ કાયદા માટે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પહેલી એપ્રિલે ૭૧ મિનિટમાં ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય કાયદા સુધારા વિધેયકનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ પછી ૧૦ કલાક સુધી ગૃહમાં તેના પર ચર્ચા થઈ અને બિલ પસાર થયું. આ વિધેયક રજૂ કરતાં પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે અગાઉ અમે ગાયોને બચાવતો કાયદો લાગુ કર્યો, હવે દીકરીઓને બચાવીશું. આ કોઇ રાજકીય એજન્ડા નથી પણ દીકરીઓની રક્ષા અમારો ધર્મ છે.
કાયદામાં નવી જોગવાઇઓ
કાયદામાં કોઇને ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવવા પર પ્રતિબંધ મૂકતી નવી જોગવાઇ ઉમેરાઈ છે. તેથી દૈવી આશીર્વાદના ઓઠા હેઠળ ધર્મપરિવર્તન માટે તૈયાર કરવું કે ઉશ્કેરવું તે હવે આ નવા વિધેયક પ્રમાણે ગુનો બનશે. આ ગુના બદલ દોષિત ઠરનાર વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણથી પાંચ વર્ષની કેદની સજાની જોગવાઇ કરાઇ છે. • જો કોઇ યુવતી, સગીરા કે દલિત અથવા આદિવાસીનું ધર્મપરિવર્તન કરાવાયું હશે તો દોષિતોને ૪ થી ૭ વર્ષની કેદ થશે. • જો કોઈ સંગઠન આ કાર્યમાં સામેલ થાય તો તેના સભ્યોને દસ વર્ષ સુધીની કેદ. • સજા ઉપરાંત દરેક ગુનેગારોને ૫-૫ લાખ રૂપિયાનો દંડ. • આવી સંસ્થા કે સંગઠનને સરકારી સહાય મળતી બંધ થશે.
‘લવ જેહાદ પછી યુવતીઓનો આંતકી પ્રવૃત્તિમાં ઉપયોગ થાય છે’
વિધાનસભામાં બિલ રજૂ કરતી વખતે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે ‘આપણી દીકરીઓ પારકી થાપણ કહેવાય. તેને જેહાદીના હાથમાં ના જવા દેવાય. દીકરીને હિન્દુ સમાજ કાળજાના કટકા સમાન ગણે છે. દીકરીઓને કસાઈઓના હાથમાં જતી બચાવવા માટે ગૃહમાં કાયદો લાવ્યા છીએ. અમે ગૌહત્યા અટકાવવા અસરકારક કાયદો લાવ્યા. ગાયોના જીવ અમે કાયદાથી બચાવ્યા. આ પ્રકારે કેટલીક દીકરીઓ ધર્માંતરણ કરીને નર્કની યાતના ભોગવતી હતી, તેને બચાવવાનો પણ અમે કાયદાના માધ્યમથી નિર્ધાર કર્યો છે.
લવ જેહાદથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. ફક્ત ભારત નહીં, પણ બીજા અનેક દેશો લવ જેહાદથી ત્રસ્ત છે. જાડેજાએ કહ્યું હતું કે ગુજરાતમાં ક્યારેય ઓનર કિલિંગની ઘટના બનતી નથી. પ્રેમલગ્ન સામે વિરોધ નથી પણ ધર્માંતરણના આશયથી પ્રેમના નાટક સામે વિરોધ છે. ભારતને જે બોર્ડર પર હરાવી નથી શકતા, તેઓ આતંક ફેલાવે છે.
સાંસ્કૃતિક ધરોહરને તોડવાના નવા રસ્તા તરીકે લવ જેહાદનો ઉપયોગ કરી રહ્યા છે. હિડન એજન્ડાને ગુજરાત તાબે નહીં થાય. આરબ દેશોમાંથી હવાલા મારફતે આ ફંડ ભારત પહોંચે છે. આલિયા માલિયા જમાલિયાઓ યુવતીઓને છેતરે છે. યુવક નાડાછડી પહેરીને આવે, જેથી યુવતીને લાગે કે તે હિન્દુ છે. તેમજ તે હિન્દુ ધર્મમાં માને છે એવું પ્રસ્થાપિત કરે છે. યુવતીનું ધર્મ પરિવર્તન કરાવવાનો યુવકનો આશય હોય છે. ત્યાર બાદ પાછા ફરવાનો કોઈ રસ્તો યુવતીઓને મળતો નથી. કેટલીક યુવતીઓ આત્મહત્યા કરે છે. લવ જેહાદ માટેનો કાયદો લાવવો એ અમારો રાજકીય હેતુ નથી. આ અમારી વ્યથા છે, જેના કારણે અમે આ કાયદો લાવી રહ્યા છીએ.

કાયદો નહીં, રાજકીય એજન્ડા છેઃ કોંગ્રેસ
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે આખા કાયદામાં લવ જેહાદનો ઉલ્લેખ નથી, માત્ર રાજકીય એજન્ડ઼ા છે. પ્રેમ અને પ્રકૃતિનો વિરોધ કરનારો આ કાયદો છે. અગાઉ મોદી વખતે ૨૦૦૩માં ધર્મપરિવર્તન રોકતો કાયદો બનાવ્યો હતો છતાં જો આજે આવા વિધેયક લાવવા પડે તો તે નિરર્થક છે. જોકે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે આ વાત ખોટી છે કે લવ જેહાદનો આ કાયદો માત્ર મુસ્લિમ માટે જ છે. આ કાયદો હિન્દુ યુવકો માટે પણ છે. કોંગ્રેસના સભ્યો રાજકીય દબાણને કારણે આમ બોલે છે, ઘરે જઇને તમારી દીકરીને પૂછજો તો કહેશે કે આ કાયદો જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter