પહેલા રાઉન્ડમાં ૫૩.૦૧ ટકા વરસ્યા પછી ગુજરાતમાં વરસાદનો વિશ્રામ

Wednesday 25th July 2018 07:48 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમેર આશરે પાંચથી વીસ ઇંચ વરસ્યા પછી મેઘરાજા ૨૩મીથી વિરામમાં છે. જોકે રાજયમાં વરસાદના સાર્વત્રિક વિરામ વચ્ચે ડાંગ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ ચાલુ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના સુબીર અને વધાઇ તાલુકામાં ૨૩મીએ અને ચોવીસમીએ પણ એકાદ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩.૦૧ ટકા જેટલો નોંધાયો છે. સૌથી વધુ ૨૩.૬ ટકા વરસાદ દીવમાં નોંધાયો છે. એ પછીનો સૌથી વધુ વરસાદ ધરાવતા જિલ્લામાં ગીર સોમનાથ, ડાંગ, નવસારી અને વલસાડ છે. હાલ સુધીમાં સૌથી ઓછો ૩.૨ વરસાદ કચ્છ જિલ્લામાં થયો છે. ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં કચ્છ જિલ્લાથી વધુ વરસાદ થયો છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીના પ્રેશરથી જુલાઈના છેલ્લા અઠવાડિયામાં વરસાદ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના જુદાજુદા વિસ્તારમાં સેકન્ડ રાઉન્ડ લાવી શકે તેવી સંભાવના છે. જોકે ગુજરાતમાં વરસાદ મામલે હવામાન વિભાગે એવી આગાહી પણ કરી છે. કે વરસાદી સિસ્ટમ વીક થઈને મધ્ય પ્રદેશ તરફ ફંટાઈ છે, પણ ૨૫મીથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી તો છે જ કારણ કે આ સિસ્ટમ ગુજરાતની નજીક જ રહેશે.
ડિપ્રેશનની અસરથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન લગાવાયું છે. અમદાવાદ જિલ્લામાં ૨૪મીથી જુલાઈના અંત સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વરસાદના પહેલા રાઉન્ડમાં પૂરગ્રસ્ત ૧૧ જિલ્લાનાં ૭૮૯ ગામોની એક લાખ હેક્ટર જમીન અને પાકને નુકસાન થયાનું તંત્રએ જણાવ્યું છે.

ઓસરતાં નીર

ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં હવે વરસાદ બંધ રહેતા અને પાણી ઓસરતા નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલ મુજબ ૭૮૯ જેટલા ગામોમાં પાણી ભરાતા ૧ લાખ હેક્ટરથી વધુ જમીન ધોવાણ અને પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ નુકસાનના સર્વે માટે ૧૨૦ ટીમો બનાવાઇ છે. ઘરવખરીની નુકસાનના સર્વે માટે મહેસૂલ વિભાગ દ્વારા આ માટે ૩૨ ટીમો બનાવાઇ છે. સાથે જ રોગચાળો ફાટી નીકળે નહીં તે માટે ક્લોરીનેશન, દવાઓના છંટકાવ, દવાઓના વિતરણ સહિતની કામગીરી માટે આરોગ્ય વિભાગની ૨૯૦ જેટલી ટીમો બનાવી છે જે કાર્યરત પણ થઇ ગઈ છે.

રાહતકાર્યો

પુરગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્ય માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તમામ વિભાગોની બેઠક બોલાવીને સત્વરે નુકસાની સર્વે તથા સહાય ચૂકવણીની કામગીરી શરૂ કરવાની સૂચના અગાઉથી જ આપી હતી. એ પછી ૨૦મીએ રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં હવે એકપણ ગામ સંપર્કવિહોણું નથી, ઊનાનું એક ગામ રોડથી સંપર્કમાં ન હતું ત્યાં પણ ૨૧મી જુલાઈથી સંપર્ક થઇ ગયો છે. અસરગ્રસ્ત ૩૫૧૫ ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરી દેવાયો છે. ક્ષતિગ્રસ્ત થયેલા ૪૨૫ માર્ગો રીપેર કરી દેવાયા છે. સ્ટેટ હાઇવે અને ગ્રામ્ય માર્ગો મળીને ૧૧૧ રસ્તા ધોવાયા છે જેનું રીપેરીંગ કામ પણ શરૂ કરી દેવાયું છે. તંત્રની સતર્કતાને પગલે માત્ર ૬૬૧ વ્યક્તિઓને જ આ વર્ષે રેસ્ક્યૂ કરવા પડ્યાં છે. એનડીઆરએફની ૨૨ ટીમો ૨૦મીથી વિવિધ વિસ્તારમાં કાર્યરત કરી દેવાઈ છે.

ગત વર્ષ કરતાં ૩ ટકા વધુ વરસાદ

રૂપાણીએ એમ પણ કહ્યું કે, આ વરસાદ આફત નહીં પણ રાહત સમાન છે. ગત વર્ષની ૧૮ જુલાઇની તુલનાએ આ વર્ષે ૩ ટકા વધુ વરસાદ પડ્યો છે. ગત વર્ષે આ સમયમાં ૪૨ ટકા વરસાદ હતો જ્યારે આ વર્ષે ૪૫ ટકા વરસાદ થયો છે. જેને કારણે આ વર્ષે એકંદર પાક સારો થશે જ્યારે પીવાના પાણીની પણ સમસ્યા રહેશે નહીં.

૬૦ તાલુકામાં ઓછો વરસાદ

રૂપાણીએ કહ્યું કે બિલકુલ વરસાદ ન થયો હોય તેવો કોઇ વિસ્તાર કે તાલુકો નથી. ૨૨૫માંથી ૬૦ તાલુકામાં ૫ ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ નથી પરંતુ ૨૩થી ૨૬ જુલાઇ દરમિયાન વ્યાપક વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
કચ્છ સુધી સિંચાઇનું પાણી પહોંચશે
રાજ્યના ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયા છે. ૭ જળાશયોમાં ૯૧થી ૯૯ ટકા જેટલું પાણી છે. ૨૪ જળાશયો ૬૦ ટકા સુધી ભરાયા છે. જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ત્યાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે કડાણામાંથી મધ્ય ગુજરાત માટે તેમજ અન્ય વિસ્તારોમાં સુજલામ સુફલામ હેઠળ તળાવો ભરવાનો નિર્ણય કરાયો છે. નર્મદા કેનાલમાં પાણી છોડવાનું શરૂ કરીને કચ્છ સુધી પાણી પહોંચશે.

પ્રિમોન્સૂન પ્લાન ફ્લોપ

અમદાવાદમાં વીસમીએ મોસમનો પહેલો જોરદાર પાંચ ઈંચ સુધીનો વરસાદ ચારેક કલાકમાં પડ્યો હતો. જેથી શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. શહેરની ગલીઓ અને મુખ્ય માર્ગે વરસાદી પાણી ભરાતાં ચોતરફ ચક્કાજામ સર્જાયો હતો. આશ્રમરોડ, ડ્રાઈવ-ઈન રોડ, સીજી રોડ અને ૧૩૨ ફુટના રિંગ રોડ ઉપર તો વાહનોની એક કિ.મી.થી લાંબી કતારો જામી હતી. માત્ર ચાર કલાકમાં આવેલા જોરદાર વરસાદમાં અમદાવાદ મહાપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની ધોવાઈ ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter