રાજપીપળાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કને આગામી ૧લી ઓક્ટોબરથી શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલની કોરોનાની સ્થિતિને જોતાં એક કલાકમાં માત્ર ૫૦ પ્રવાસીઓને જ પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે. તેના માટે માત્ર ઓનલાઈન બૂકિંગ કરાવી પ્રવાસીઓ આવી શકશે.
૧૫ ઓક્ટોબરથી ફ્લાવર ઓફ વેલી, કેક્ટર્સ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્ય વન, ગ્લો ગાર્ડન પ્રવાસીઓ માટે શરૂ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસી માટે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. જે ૧૮ ફેબ્રુઆરીએ ટ્રાયલ રન માટે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુક્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોરોના કાળમાં છ મહિનાથી બંધ જંગલ સફારી પાર્ક હવે કોરોના કાળના નવા નીતિ નિયમો સાથે ૧લી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવનાર છે. જે અંગેની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યૂ દિલ્હીની મંજૂરી પણ મળી ગઈ છે.


