દુબઇ, મુંબઇઃ ફ્લાય દુબઈની ફ્લાઈટે બુધવારે યુએઈથી ઈઝરાયેલના તેલ અવીવની ઊડાન ભરી હતી. ઊંચે આકાશમાં વિમાન આગળ વધી રહ્યું હતું ત્યારે કો-પાયલટે 9/11 (યુએસના ટ્વિન ટાવર પર થયો હતો) જેવો ભીષણ હુમલો કરવા અથવા આકાશમાં જ ફૂંકી મારવાના ઈરાદે વિમાનને હાઈજેક કરી લેવા પ્રયાસ કર્યો હતો. આ સમયે ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરે તેનો વિરોધ કર્યો હતો અને વિમાનને સ્થિર રાખવા પ્રયાસ કર્યો હતો. રોષે ભરાયેલા કો-પાઇલટે ભારતીય મૂળના પાઇલટ સ્મિત મચ્છર પર છરીના સંખ્યાબંધ ઘા ઝીંકી દીધા હતા.
180 પ્રવાસીઓના જીવ બચાવી લેનાર પાઇલટ સ્મિત મચ્છરના આ સાહસની દુનિયાભરમાં ભરપૂર પ્રશંસા થઇ રહી છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂથી લઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાઇલટ સ્મિત મચ્છરના સાહસિક અભિગમને બિરદાવ્યો છે. ઈઝરાયલી અધિકારીએ પણ કહ્યું કે પાઇલટ સ્મિત મચ્છરની હિંમતના કારણે મોટી ઘટના ટળી ગઈ. હુમલાખોરને કાબૂમાં લીધા બાદ વિમાનમાં બેઠેલા મુસાફરોએ તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી હતી. આજે વઢવાણના વતની અને સાવરકુંડલાના જમાઈ સ્મિત મચ્છર માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ ગુજરાત અને દેશ માટે પણ ગૌરવનું નામ બની ગયા છે. ઈજાગ્રસ્ત હોવા છતાં 180 પ્રવાસીનો જીવ બચાવનાર સ્મિતનું સાહસ ખરેખર પ્રેરણાદાયી છે.
ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્મિત મચ્છરના સાહસની પ્રશંસા કરતાં તેમને વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનવાની જાહેરાત કરી છે. સ્મિત મચ્છરનો પરિવાર કેટલાક મુંબઇમાં વસે છે, પરંતુ તેઓ મૂળે ગુજરાતના વઢવાણના વતની છે અને સાવરકુંડલાના જમાઇ છે.
વઢવાણ મૂળ વતન, મુંબઇમાં વસવાટ
પાયલટ સ્મિત મચ્છર મૂળ વઢવાણના વતની છે, પરંતુ તેમનો સમગ્ર પરિવાર કેટલાય વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયો છે. તેમનો અભ્યાસ પણ મુંબઈમાં જ થયો છે. સસરા જયસુખભાઈ જોગીએ જણાવ્યું હતું કે સ્મિતના લગ્ન વર્ષ 2012માં થયા હતા. તેમના લગ્ન સાવરકુંડલાની સોનલ સાથે થયા છે. મુંબઈમાં લગભગ 11 વર્ષ નોકરી કર્યા બાદ તેઓ છેલ્લા કેટલાક સમયથી ફ્લાયદુબઈ સાથે જોડાયા હતા. જયસુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પરિવાર હાલ ખૂબ જ ચિંતિત છે, પરંતુ સ્મિતના સાહસ પર સહુને ગર્વ છે. બીજી તરફ, કૌટુંબિક સાળા હિરેનભાઈ જોગીએ જણાવ્યું હતું કે હાલમાં સ્મિતની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે બુધવારની ઘટનામાં તેમણે જે રીતે હિંમતપૂર્વક મુસાફરોનો બચાવ કર્યો તે ખૂબ જ સરાહનીય છે. તેમણે ઉમેર્યું કે સ્મિત તેમના બનેવી થાય છે અને સમગ્ર પરિવારને તેમના પર ગર્વ છે.
એક સેમિનારે જિંદગીનું સુકાન બદલ્યું
સ્મિત મચ્છરની આ કહાની એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમનું બાળપણથી પાઇલટ બનવાનું સપનું નહોતું. તેમનો પરિવાર પરંપરાગત રીતે ટેક્સટાઈલ વ્યવસાય સાથે સંકળાયેલો છે. શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે ટેક્સટાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ પરિવારના વ્યવસાયને આગળ વધારવા માટે મેનેજમેન્ટનો કોર્સ કરવાનું તેઓ વિચારી રહ્યા હતા. પરંતુ આશરે 19 વર્ષની ઉંમરે એક એવિએશન સેમિનારમાં ભાગ લીધા બાદ તેમની જિંદગીની દિશા બદલાઈ ગઈ. વિમાન ઉડ્ડયન ક્ષેત્રની દુનિયા જોઈને સ્મિતના મનમાં પાઇલટ બનવાની ઈચ્છા જાગી. જ્યારે તેમણે પરિવાર સામે આ વાત કરી ત્યારે તેમના માતા પુત્રની સુરક્ષાને લઈને ચિંતિત થઈ ગયા હતા. જોકે, તેમના પિતાએ પુત્રના નિર્ણયને સમજીને તેમને સંપૂર્ણ સાથ આપ્યો. પિતાએ પાઇલટની તાલીમ ક્યાંથી અને કેવી રીતે મેળવવી તેની માહિતી મેળવી અને સ્મિતને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે આર્થિક તથા માનસિક સહયોગ આપ્યો.
પાઇલટ બનવા માટે સ્મિત મચ્છર ન્યુઝીલેન્ડ પણ ગયા હતા. વિદેશ જતાં પહેલાં તેઓ ક્યારેય ભારત બહાર ગયા નહોતા. ન્યુઝીલેન્ડમાં તેમણે કઠિન ટેકનિકલ તાલીમ, ફેમિલીયરાઈઝેશન ફ્લાઈટ્સ અને જરૂરી ઉડાનના કલાકો પૂર્ણ કર્યા બાદ કોમર્શિયલ પાઇલટ લાયસન્સ મેળવ્યું હતું. ભારત પરત આવ્યા બાદ તેમની પ્રથમ કમર્શિયલ ટ્રેનિંગ ફ્લાઇટ બેંગ્લોરથી દિલ્હી વચ્ચે બોઇંગ વિમાન પર થઈ હતી.
11 વર્ષ સિનિયર કમાન્ડર અને લાઇન ટ્રેનિંગ કેપ્ટન
બાદમાં સ્મિતે ભારતીય એરલાઇન સ્પાઈસજેટમાં 11 વર્ષથી વધુ સમય સુધી સિનિયર કમાન્ડર અને લાઇન ટ્રેનિંગ કેપ્ટન તરીકે કામ કર્યું. જૂન 2022માં તેઓ ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન તરીકે ફ્લાયદુબઈ સાથે જોડાયા હતા. બોઇંગ 737 અને 737 MAX વિમાનો પર તેમને 9750 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. 17 વર્ષથી વધુના એવિએશન અનુભવ ધરાવતા સ્મિત મચ્છર આજે માત્ર ફ્લાઇટ કમાન્ડર જ નહીં, પરંતુ નવા પાઇલટોના માર્ગદર્શક પણ છે. તેઓ ફ્લાયબાય એવિએશન એકેડેમી પણ ચલાવે છે, જ્યાં પાઇલટ બનવા ઇચ્છતા યુવાનોને તાલીમ અને માર્ગદર્શન અપાય છે.

