પાકિસ્તાનના હિન્દુ તબીબો ગુજરાતમાં અન્ય કામ કરવા મજબૂર!

Tuesday 30th June 2015 14:24 EDT
 

અમદાવાદઃ પાકિસ્તાનમાં પુત્રીઓના અપહરણ, બળજબરી લગ્ન, ધર્માંતરણ, હિંસા જેવા અત્યાચારોથી અકળાયેલા લગભગ ૨૦૦ જેટલા તબીબ ગુજરાતમાં આવીને વસવાટ કરે છે. તેમાંથી કોઈ જૂતા વેચે છે, તો કોઈ ડોક્ટર હોવા છતાં હોસ્પિટલમાં ગાર્ડની નોકરી કરીને રોજગારી મેળવે છે.

તબીબ હોય તો ચોકી, વેપાર જેવા કામ શા માટે કરવા પડે, તેવો પ્રશ્ન થાય જ. પરંતુ વાત કંઈક એવી છે કે, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઈ) દ્વારા પાકિસ્તાનના કરાચીની યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવનાર હિન્દુ તબીબોને ભારતમાં ડોક્ટર તરીકે વ્યવસાય કરવાની મંજૂરી મળતી નથી. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર પાકિસ્તાના સિંધ પ્રાતના તબીબો પાસે ડિગ્રી તો છે, પરંતુ નિયમ મુજબ તેઓ પ્રેક્ટિસ કરી શકતા નથી.

આજથી ૧૪ વર્ષ પહેલા કરાચીમાં એમબીબીએસ કરનાર ૨૮ વર્ષીય દશરથ કેલા અત્યારે મણિનગરમાં પિતરાઇ ભાઈની પગરખાંની દુકાનમાં કામ કરી રહ્યો છે. એ જ રીતે ૪૬ વર્ષના ડો. જયરામ લોહાણાની માસિક આવક મહિને એક લાખ રૂપિયા હતી પરંતુ જીવન સલામત ન જણાતા અમદાવાદ આવી ગયા અને હવે મોબાઈલની દુકાનમાં કામ કરી રહ્યા છે.

આર્ટિસ્ટ સુબ્રમણ્યમને સવ્યસાચી સારસ્વત એવોર્ડઃ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે લિજેન્ડરી આર્ટિસ્ટ કે. જી. સુબ્રમણ્યમને ‘ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ’ એનાયત થયો છે. આ એવોર્ડ તમને શહેરના સ્થપતિ બાલકૃષ્ણ દોશીના હસ્તે અપાયો હતો. આ પ્રસંગે સુબ્રમણ્યમનો પરિચય આપતાં ગુલામ મોહમ્મદ શેખે જણાવ્યું કે, ‘મારા માટે સદ્ભાગ્ય છે કે મને મારા ગુરુને સન્માનવાના દિવસમાં હાજર રહેવાની તક મળી. કે.જી. (કલાપત ગણપત) સુબ્રમણ્યમનો જન્મ ૧૯૨૪માં કેરળમાં થયો છે. ૧૯૫૫માં તેઓ વડોદરા આવેલા. તેમને રેખાંકન અને ચિત્ર કરવાની ટેવ બાળપણથી જ છે. ૪૪ પછીનાં ચાર વર્ષમાં તેમને નંદલાલ બોઝ પાસેથી ખુલ્લી હવામાં મોકળા મને હળવા હાથે ચીતરવાની શીખ મળી હતી.’

PRLમાં દેશનું ૧૩મું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર લોન્ચ થયુંઃ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)માં ૨૬ જૂને દેશનું ૧૩મું સૌથી ઝડપી સુપર કમ્પ્યૂટર ‘વિક્રમ-૧૦૦’નું લોકાર્પણ સાયન્ટિસ્ટ અને પીઆરએલ કાઉન્સિલ ઓફ મેનેજમેન્ટના ચેરમેન પ્રો. યુ. આર. રાવે કર્યું હતું. જાણીતા વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં સુપર કમ્પ્યૂટરને ‘વિક્રમ: ૧૦૦’ નામ અપાયું છે. વિશ્વમાં અત્યારે ટોપ ૫૦૦ સુપર કમ્પ્યૂટરમાં સૌથી વધુ અમેરિકા પાસે ૨૬૪ છે, જ્યારે ચીન પાસે ૬૩ અને ભારત પાસે માત્ર ૧૩ સુપર કમ્પ્યૂટર છે.

રાજ્યમાં એક જ વર્ષમાં ૨૩ સિંગલ સ્ક્રીન સિનેમા તૂટ્યાઃ ગુજરાતમાં સિંગલ સ્ક્રીન સિનેમાનું પતન અગાઉ કરતાં વધુ ઝડપથી થઇ રહ્યું છે. રાજ્યમાં એક વર્ષમાં ૨૩ સિંગલ સ્ક્રીન થિયેટરો બંધ થઈ ગયાં છે. ૧૧ ટકાના દરે આવા સિનેમાંનો પડદો પડી રહ્યો છે, તેથી એક પડદો ધરાવતાં થિયેટર માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. સરકારે રાહતો આપી હોવા છતાં, જો આમ જ ચાલશે તો ૧૫ વર્ષમાં સિંગલ સ્ક્રીન થિયેટરોનો યુગ જ ખતમ થઈ જશે.

સાદિક કેસમાં તરુણ બારોટને બે વર્ષે જામીન મળ્યાઃ રાજ્યના ચકચારી નકલી એન્કાઉન્ટર કેસમાં ગત સપ્તાહે વધુ એક સાદિક જમાલ એન્કાઉન્ટર કેસના આરોપી અને નિવૃત્ત ડીવાય. એસ. પી તરુણ બારોટને સ્પે. સીબીઆઇ જજ એમ. એમ. ગાંધીએ એક લાખના પર્સનલ બોન્ડ અને ૫-૫ લાખની સ્યોરિટી પર જામીન મુક્ત કર્યા છે. કોર્ટે તરુણ બારોટને મુંબઈ અને ભાવનગરની હદમાં નહીં પ્રવેશવા સહિતની શરતો લાદી છે. બારોટને જામીન મળતા તેમના સમર્થકો દ્વારા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આપ’ના સંયોજકપદેથી સુખદેવ પટેલનું રાજીનામુંઃ આમ આદમી પાર્ટી (આપ) દ્વારા એકતરફ સંગઠનનું નવુ માળખું રચવાની ગુજરાતના નવા પ્રભારી આશિષ ખેતાન દ્વારા જાહેરાત થઇ છે ત્યારે રાજયના સંયોજક સુખદેવ પટેલે એપ્રિલમાં જ રાજીનામું આપ્યું હોવાનું બહાર આવ્યું છે. જે તેમણે દિલ્હીમાં પોલિટિકલ અફેર્સ કમિટીને મોકલી આપ્યું છે પરંતુ હજી સુધી સ્વીકારાયું નથી. જો કે તેમના રાજીનામા પાછળ મુંબઇમાં આપના પૂર્વ નેતા મયંક ગાંધી દ્વારા તે સમયે ગુજરાત ‘આપ’માં કેટલાક લોકોને આગળ કરીને જૂથવાદ ઊભો કરવાના પ્રયાસના વિરોધમાં પણ રાજીનામુ અપાયું હોવાનું કહેવાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter