પાકિસ્તાને ભારતને અભિનંદન ના સોંપ્યો હોત તો કતલની રાત હોત: મોદી

Wednesday 24th April 2019 06:42 EDT
 
 

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે રવિવારે પ્રચાર પર પ્રતિબંધ લાગતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને રાજસ્થાનમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. પાટણ, અમરેલી, ચિત્તૌડ અને બાડમેરમાં મોદીવાણીથી મતદારોને દેશભક્તિથી તો ક્યારેક વિપક્ષ પર પ્રહારોથી પ્રભાવિત કરવામાં જરાય કચાશ રાખી નહીં. પાટણની રેલીને સંબોધતાં મોદીએ અમેરિકાના એક નેતાએ આપેલા નિવેદનને ટાંકતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને જો વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને હેમખેમ છોડયા ના હોત તો તે વખતે કતલની રાત હોત. ભારતના વિંગ કમાન્ડરને હેમખેમ ભારતને પરત સોંપવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામોની ચેતવણી મેં આપી હતી. તેમને જણાવાયું હતું કે આપણા પાઇલટને કંઇપણ થશે તો પછી તેમને છોડીશું નહીં.

મોદીએ જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા પુલવામા હુમલા બાદ સો વખત હુમલો કરવા પ્રયત્ન કર્યો પરંતુ સફળ ન થતાં છેવટે એક હુમલો કરવા જતા તેમનું વિમાન તોડી પડાયું અને આપણું વિમાન તૂટી જતાં તેમના હાથમાં પાયલોટ આવી જતાં સરકારે પાકિસ્તાનને જણાવી દીધું કે, ખબરદાર પાકિસ્તાન, અમારા પાઇલટને જરાય આંચ આવી તો દુનિયાને કહેતા નહીં કે મોદીએ અમારી સાથે આવું કર્યું! મોદીએ કહ્યું હતું કે, અમેરિકામાં ઉચ્ચપદ પર બેઠેલા પદાધિકારીએ જ કહ્યું હતું કે મોદી હવે કાંઈક મોટું પગલું ભરશે. મોદીએ એકસાથે ૧૨ મિસાઇલ લગાવી દીધા હતા. સારું થયું કે પાકિસ્તાને પાઇલટ પરત સોંપી દીધો બાકી તે રાત કતલની રાત હોત. અમેરિકી નેતાની વાતને ટાંકતાં મોદીએ કહ્યું કે, પાઇલટ એમને એમ જ પાછો નથી આવ્યો. આ તો સરદારની ભૂમિનો દીકરો બેઠો હોવાથી પાઇલટ પાછો આવ્યો છે. બાકી લોકોએ તો તેના માટે ફોટા સાથે કેન્ડલ માર્ચની તૈયારી પણ કરી લીધી હતી.

પરમાણુ બોમ્બ દિવાળી માટે નથી

મોદીએ બાડમેરમાં પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું હતું કે, પહેલાની જેમ ભારત હવે પાકિસ્તાનની પરમાણુ ધમકીથી ડરતું નથી. અમે પરમાણુ બોમ્બ દિવાળી માટે નથી રાખી મૂક્યા.

મોદીએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનની પરમાણુ બોમ્બની ધમકીથી ડરવાની નીતિ છોડી દીધી. તેઓ કહેતા હતા અમારી પાસે ન્યૂક્લિયર બટન છે. તો ભારત પાસે શું છે ભાઈ? આ પરમાણુ બોમ્બ અમે દિવાળી માટે રાખ્યા છે? તેમણે કહ્યું કે અમે ઘરમાં ઘૂસીને આતંકીઓને માર્યા. ઇજા ત્યાં થઈ અને પીડા અહીં થઈ.

ઉત્તર ગુજરાતનું સંતાન

રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટણમાં ચૂંટણી સભા સંબોધી હતી. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના મેદાનમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા લોકસભા તેમજ ઊંઝા વિધાનસભાના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનને સંબોધતા મોદીએ ઉત્તર ગુજરાતનું સંતાન હોવા સાથે ઇમોશનલ કાર્ડ ખેલ્યું હતું. તેમણે ફરીથી સરકાર બનતા પાણી માટે અલગ મંત્રાલય બનાવવાની જાહેરાત કરી હતી.

કોંગી સરદારના સ્ટેચ્યુની મુલાકાત લેતા નથી

અમરેલીમાં ૧૮મી એપ્રિલે મોદીએ સભા સંબોધતાં કહ્યું કે, સરદારને કોંગ્રેસના ગણાવતા દંભી કોંગી નેતાઓ વિશ્વ પ્રસિદ્ધ સરદાર સ્ટેચ્યૂને કબાડી ગણાવે છે. આવા લોકોનું મોઢું જુઓ તો પણ દિવસ બગડી જાય. સરદારને કોંગ્રેસના ગણાવે છો તો શા માટે સરદારના સ્ટેચ્યૂની મુલાકાતે જતા નથી? આજે ૧ર લાખ લોકો સ્ટેચ્યૂની મુલાકાતે જઈ આવ્યા છે. પ્રતિદિન ૧૦ હજાર લોકો મુલાકાત લે છે. આ સરદાર પ્રત્યેનું સન્માન છે. અમે કંઈ નેહરુને નીચા દેખાડવા સરદારનું પૂતળું નથી બનાવ્યું. જો કોંગ્રેસે નર્મદા ડેમના કામમાં ૪૦ વર્ષનો વિલંબ ના કર્યો હોત તો આજે કરોડો રૂપિયાનો ખર્ચ, શાળા, હોસ્પિટલો સહિતના અન્ય વિકાસકામોમાં વાપરી શકાયો હોત. કોંગ્રેસ સમક્ષ ગુજરાતે વર્ષોથી આજીજી કરી, પાણી વિના સૌરાષ્ટ્ર તરફડતું હતું, પરંતુ સરદાર સરોવર ડેમને રોકવાનું પાપ કોંગ્રેસના રાજકારણે કર્યું. અમારી સરકાર બની પછી કોઈ જ રજૂઆત વિના ૧૭માં દિવસે નર્મદા ડેમના કામને લીલીઝંડી અપાઈ ગઈ.

દેશની સુરક્ષા અને સુખાકારી માટે જે સિદ્ધિઓ મળી તેને જનતાને સર્મિપત કરતા મોદીએ કહ્યું કે આ ગુજરાતનું ખમીર છે, એટલે જ હું ચૂંટણી સભા નહીં નમન સભા માટે આવ્યો છું. તમે મને ચૂંટીને મોકલ્યો છે એટલે આ આભાર સભા છે.

દેશના ૭૦ વર્ષ વેડફનારને ૭૦ મિનિટ ન અપાય

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે મોદીએ ત્રણ સભા સંબોધી હતી. ૧૭મીએ હિંમતનગરમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે વર્ષોથી ગુજરાતને માત્ર અન્યાય કરવાનું જ કામ કર્યું છે. જો ભૂલે ચૂકે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવી જશે તો દેશનું તો નુકસાન થશે અને પણ ગુજરાત ખેદાનમેદાન થઈ જશે. કોંગ્રેસે દેશના ૭૦ વર્ષ વેડફી નાંખવાનો પ્રયાસ કર્યો છે. હવે તેને ૭૦ મિનિટ પણ અપાય તેમ નથી. તેમણે જણાવ્યું કે, આ ચૂંટણીમાં કોણ જીતશે, કોણ હારશે, કોનો પક્ષ સત્તામાં આવશે કે કોનો પક્ષ સત્તાથી દૂર રહેશે તે મહત્ત્વનું નથી. આ ચૂંટણી તમારી ભાવિ પેઢીની દિશા નક્કી કરવાની ચૂંટણી છે. તમારો મત આગામી પેઢીની દિશા નક્કી કરશે. આગામી પાંચ વર્ષમાં તમારે કેવા ભારતનું નિર્માણ કરવાનું છે તે આ વખતે થનારી ચૂંટણીના મતદાન દ્વારા નક્કી થશે.

કોંગ્રેસ ગાંધીવાદી નહીં ગાલીવાદી

મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે કોંગ્રેસને ગાંધીવાદી કહેવાતી, પણ હવે કોંગ્રેસ ગાલીવાદી થઈ ગઈ છે. તેઓ માત્ર મોદીને ગાળો જ આપી શકે છે. હકીકત એ છે કે, કેટલાક લોકોએ કોંગ્રેસની મિલિભગત દ્વારા કરોડોની કમાણી કરી હતી. તેમણે મલાઈ ખાધી હતી. આજે પણ મલાઈ ખાઈ રહ્યા છે. અમૂલવાળી મલાઈ નહીં પણ કાગળવાળી મલાઈ ખાધી છે. આજે હવે મલાઈ બંધ થવા આવી છે એટલે તેમને વાંધા પડયા છે. આ તમામને જેલની પાછળ ધકેલવાના છે.

આઝાદીથી ગુજરાતીઓને અન્યાય

વડા પ્રધાને જણાવ્યું કે, મેં ઈમાનદારી સાથે ગુજરાતની સેવા કરી છે. તમને ક્યારેય કોઈ ફરિયાદ નથી આવી. તમારા આશીર્વાદથી જ દેશની સેવા કરવા દિલ્હી ગયો હતો. તમે જાતે જ મને પસંદ કરીને દિલ્હી મોકલ્યો હતો. ત્યાં પાંચ વર્ષ રહીને ઈમાનદારી સાથે દેશની સેવા કરી છે. ભ્રષ્ટાચારની એક ફરિયાદ નથી આવવા દીધી. મારા દરેક કાર્યોથી તમારી છાતી ગર્વથી ફૂલી છે. તમારે નીચાજોણું થાય તેવું એકપણ કામ મેં આ પાંચ વર્ષમાં નથી કર્યું. કોંગ્રેસ દ્વારા આઝાદીના સમયથી ગુજરાત અને ગુજરાતીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે. પહેલાં તેમણે સરદાર પટેલને અન્યાય કર્યો. ત્યારબાદ તેમના દીકરી મણિબહેનને અન્યાય કર્યો. મોરારજી દેસાઈને પણ પરેશાન કરવામાં કોંગ્રેસે પાછુંવાળીને જોયું નથી.

વાવાઝોડામાં મૃતકોના પરિવારને રૂ. ૨-૨ લાખની સહાય

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ૧૬મી એપ્રિલે ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરા સાથે કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ૯ લોકોના મોત નીપજ્યાં હતા. બીજા દિવસે ૧૭મીએ ગુજરાતની મુલાકાતે આવતા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વડા પ્રધાન રાહતફંડમાંથી રૂ. ૨ લાખની સહાય જાહેર કરી હતી. વડા પ્રધાન રાહત ફંડમાંથી રૂ. ૨ લાખની સહાયની જાહેરાત બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ રાજ્ય સરકાર તરફથી રૂ. ૨ લાખની સહાય જાહેર કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter