પાકિસ્તાને રેડિયો સંદેશા અટકાવ્યા હતા જેથી અભિનંદનને પીઓકેમાં પહોંચ્યાનો ખ્યાલ ન રહ્યો

Thursday 26th September 2019 06:43 EDT
 
 

નવી દિલ્હીઃ ગો કોલ્ડ... ગો કોલ્ડ... એટલે કે પાછા વળો... પાછા વળો...! આ રેડિયો સંદેશો ૨૭ ફેબ્રુઆરીએ સવારે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને કમાન્ડ ઓફિસ તરફથી સતત મોકલાયો હતો, પણ તેના સુધી તે પહોંચી શક્યો જ નહીં. મિગ-૨૧ દ્વારા પાકિસ્તાનના યુદ્ધ વિમાન એફ-૧૬નો પીછો કરતા અભિનંદન પીઓકેમાં પહોંચી ગયા હતા. કમાન્ડ રૂમ તરફથી તેમને સતત પાછા ફરવાના સંદેશા મોકલાતા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન એવી વાત બહાર આવી છે કે પાકિસ્તાની વાયુદળે અભિનંદનને મોકલવામાં આવી રહેલા ભારતીય વાયુદળના રેડિયો સંદેશા સાંભળ્યા જેટલું જ નહીં, પણ તેને અભિનંદન સુધી પહોંચતા પણ અટકાવ્યા. તપાસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે વાયુદળ પાસે જો સુરક્ષિત રેડિયો સંદેશા મોકલવાની વ્યવસ્થા હોત તો અભિનંદન પીઓકેમાં જતા બચી શક્યો હોત.

વાયુદળના માજી નાયબ વડા એર માર્શલ રવિકાંત શર્માએ તેમનો મત જણાવ્યો કે, બાલાકોટમાં આતંકી ઠેકાણા ઉપર એરસ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાને ૨૪ વિમાનોની ફોર્મેશન દ્વારા હુમલો કર્યો હતો. તેમાંથી ૧૨ વિમાનો જમ્મુ કાશ્મીર તરફ ગયા. અંબાલા સ્થિત ઇન્ટિગ્રેટેડ એર કમાન્ડર એન્ડ કન્ટ્રોલ સિસ્ટમે પાકિસ્તાન વાયુદળની આ હરકત જોઈ લીધી હતી. તે સમયે પીર પંજાલના દક્ષિણમાં બે સુખોઈ-૩૦ અને બે મિરાજ ૨૦૦૦ પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આ ઉપરાંત ૮ મિગ-૨૧ વિમાનોને શ્રીનગર અને અવંતીપુરાથી રવાના કરાયા હતા. તેમાંથી એક મિગ-૨૧ અભિનંદન ઉડાવી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનંદને જે આખરી સંદેશો સાંભળવાને સમર્થન આપ્યું તે સંદેશો એ હતો કે તેની પશ્ચિમે દુશ્મનનો વિસ્તાર છે એટલે કે ત્યાં સુધી અભિનંદન આપણી સરહદમાં હતા. ત્યારપછી તેના વિમાનને સંદેશાનો જવાબ મળતો બંધ થઈ ગયો હતો.

વોટ્સએપની જેમ સંદેશા એન્ક્રિપ્ટેડ નથી હોતા

વોટ્સએપના સંદેશા આપણે એન્ક્રિપ્ટેડ સ્વરૂપે મોકલીએ છીએ, પરંતુ વાયુદળના પાઈલટને જ્યારે રેડિયો સંદેશા મોકલાય છે તો તેને ડિકોડ કરી કોઈપણ સમજી શકે છે. દુશ્મન દેશ સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયો-એસડીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ બિલકુલ એવું છે કે જેમ કોઈ ગીતની રેકોર્ડ પર સોઈ અટકી જાય પછી કંઈ સમજાતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter