પાટડીઃ ગુજરાત દેશના કુલ મીઠાના ઉત્પાદનનું ૭૦ ટકા મીઠું પકવે છે અને અંદાજે એક લાખ અગરિયાઓ રણમાં મીઠું પકવે છે. ત્યારે દક્ષિણ કોરિયાના નેશનલ ફોક મ્યુઝિયમ દ્વારા સોલ્ટ ઓફ વર્લ્ડ શીર્ષક હેઠળ રણમાં મીઠું પકવતાં પછાત અને ગરીબ અગરિયાઓની જિંદગીને નેશનલ ફોક મ્યુઝિયમ કોરિયામાં સમાવી સાત દેશોની મીઠાની ખારાશને આવરી લેતું પુસ્તક તૈયાર કર્યું છે.
રણમાં અગરિયાઓની મીઠું પકવવાની શૈલી અને કરમ કહાણીથી પ્રભાવિત થઈને ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૫થી ત્રણ માર્ચ ૨૦૧૫ સુધી ૧૨ દિવસના પ્રવાસે દક્ષિણ કોરિયાના નેશનલ ફોક મ્યુઝિયમની આખી ટીમ ખારાઘોડાનું રણ ખૂંદવા આવી હતી. જેમાં રણમાં વર્ષોથી પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયાઓની જીવનશૈલી રણમાં અગરિયા ભૂલકાંઓની શિક્ષણની કપરી પરિસ્થિતિ અને મીઠાના વેપારીઓની ઝીણવટ ભરી માહિતી મેળવી હતી.
દક્ષિણ કોરિયાના જુંગયાન અને હાય રાઉંગ યાર્ક દ્વારા ખારાશની મુસાફરી અંતર્ગત ૩૩૩ પાનાનાં પુસ્તક ‘સોલ્ટ ઓફ વર્લ્ડ’ નામના મેરોથોન પુસ્તકમાં ખારાઘોડા રણમાં મીઠું પકવતા અગરિયા ફોટોગ્રાફર હોશીક ચોઇ દ્વારા લેવામાં આવ્યા છે. વધુમાં ૩૩૩ પાનાના પુસ્તકમાં ૪૩ પાનાં રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે ફાળવવામાં આવ્યા છે.


