અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પાટીદાર અનામત આંદોલન માટે કેટલાક રાજકીય પક્ષો જવાબદાર હોવાનું જણાવ્યું છે. તેમણે આ સાથે કેટલાક પાટીદારો નેતાઓએ જ ઈકોનોમિકલ બેકવર્ડ ક્લાસ માટે અનામત માટે સૂચન કર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. અંગ્રેજી અખબરને આપેલા ઈન્ટરવ્યૂમાં રાજ્યના મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો અને સ્થાપિત હિતો પાટીદાર અનામત આંદોલનને પીઠબળ પૂરું પાડી રહ્યાં છે. તેઓ આંદોલનને જીવંત રાખવા માગે છે. તેમણે આ સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ઈબીસી અનામત જાતિ આધારિત નથી અને અન્ય અનામત કરતાં ભિન્ન છે. આથી આમાં ખાસ વાંધો પડે તેમ નથી.
તેમણે કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનને આમઆદમી પાર્ટી (આપ) પીઠબળ પૂરું પાડે છે. જોકે ગુજરાતમાં ફક્ત બે પક્ષો જ ચાલે છે અને ત્રીજા પક્ષને કોઈ સ્થાન નથી. આપવાળા દિલ્હી સંભાળે તેમને ગુજરાત આવવાની કોઈ જ આવશ્યકતા નથી.
આનંદીબહેને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને પણ આંદોલન સળગતું રહે તેમાં રસ છે. તેઓ આંદોલનને સથવારે ૨૦૧૭ની ચૂંટણી પાર પાડવા માગે છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીની ટિકિટ મળે તે માટે પણ પાટીદાર અનામત આંદોલનને ટેકો આપે છે.
અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તેઓ છેલ્લાં ૧૮ વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને વૈકલ્પિક ભૂમિકાઓ ભજવતાં જ આવ્યાં છે. તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે બે વર્ષ પૂરાં કર્યાં છે. સરદાર સરોવર ડેમનો ઉલ્લેખ કરતાં ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, તેમણે નર્મદા ડેમનું કામ પૂર્ણ કરવા પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ડેમ તેના નિર્ધારિત સમય કરતાં છ મહિના વહેલો તૈયાર થઈ જશે.


