ગાંધીનગરઃ વિસનગરથી શરૂ થયેલા પાટીદારોના આંદોલનને રાજ્યભરમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સમર્થન મળી રહ્યું છે. બીજી તરફ આ આંદોલનને રાજ્ય સરકાર ગંભીરતાથી લઇ રહી છે. મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ભાજપના પ્રદેશ આગેવાનોને આ મુદ્દે નક્કર પગલાં લેવા સૂચના આપી છે. ૨૪ જુલાઇએ ભાજપે પક્ષના મુખ્ય કાર્યાલયમાં ઉત્તર ઝોનના પદાધિકારીઓની બોલાવેલી બેઠકમાં મુખ્યત્વે પાટીદારોના આંદોલનના મામલે જ બંધ બારણે ચર્ચા થઈ હતી. સરકારના મોટાભાગના પ્રધાનો વિવિધ જિલ્લામાં પંચાયત પદાધિકારીઓના સન્માનના કાર્યક્રમોમાં વ્યસ્ત હતા ત્યારે મુખ્ય પ્રધાને પોતાના નિવાસસ્થાનેથી રહીને જ અનામત આંદોલન અંગેની તમામ વિગતો મેળવી હતી.
સૌરાષ્ટ્રમાં સમર્થન
ગુજરાતમાં સમૃદ્ધ અને વગદાર પાટીદાર સમાજને અનામતનો લાભ આપવા ઉત્તર ગુજરાતમાંથી શરૂ થયેલું આંદોલન અન્ય વિસ્તારોમાં પણ ફેલાઇ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ આ આંદોલનને આવકાર મળી રહ્યો છે. પોરબંદરના ભાજપના પૂર્વ સાંસદ હરિભાઈ પટેલે પણ આ અનામતની પરોક્ષ રીતે હિમાયત કરી છે. તેમણે કહ્યું હતું કે, સમાજને અનામતનો લાભ આપવાની માગણી પાછળનો ઉદ્દેશ આર્થિક લાભ મળે તેવો નથી. માત્ર સમાજના બાળકોના ભવિષ્ય માટે થઈને અનામત મળે તે આવકાર્ય છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ખેડૂતોને અનામતનો લાભ મળે છે તો ગુજરાતના પાટીદાર સમાજને કેમ નહીં?