રાજકોટઃ ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનના પડઘા હવે ભાજપ હાઈકમાન્ડમાં પડયા છે. પાટીદાર આંદોલન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ નુકસાન કરી રહ્યું છે અને આ મુદ્દો જો સમયસર ઉકેલવામાં નહીં આવે તો ગુજરાતમાં ભાજપ માટે આવતી ૨૦૧૭ની ચૂંટણી જીતવી મુશ્કેલ બનશે તેવું પક્ષના હાઈકમાન્ડને લાગતાં ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને ત્રણ માસમાં પાટીદાર અનામત આંદોલનનો કોઈપણ ભોગે સંકેલો કરવા હાઈકમાન્ડે તાકીદ કરી છે.
તાજેતરમાં એક અખબારના અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે, આનંદીબહેન પટેલ ખુદ પાટીદાર સમાજના જ છે અને આ મુદ્દે ઝડપથી પક્ષના હિતમાં પરિણામો નહીં આવે તો જરૂર પડ્યે તેમની પાસેથી પણ સત્તા છીનવાઈ શકે તેમ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના વિજય થયો છે. કોંગ્રેસને ગુજરાતમાં ૩૧માંથી ૨૩ જિલ્લા પંચાયતોમાં વિજય મળ્યો છે તેમજ ૧૯૩ તાલુકા પંચાયતોમાંથી ૧૧૩ ઉપર વિજય થયો છે. સંઘ અને ભાજપના મોવડીઓ દ્વારા આ અહેવાલોને ટાંકીને આનંદીબહેનને કહેવાયું છે કે, પાટીદાર આંદોલન સાત મહિના સુધી લંબાયું છે અને તેનો કોઈ ઉકેલ આવતો નથી. આ સ્થિતિમાં રાજ્યમાં યોજાનારી આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ બની જાય તે પક્ષને પાલવે તેમ નથી. ખાસ કરીને કેન્દ્રમાં જીત મળ્યા બાદ ગુજરાતમાં શાસન સંભવતઃ ગુમાવવું પડે તે તો ભાજપને બિલકુલ પસંદ આવે નહીં.
જોકે એક ટોચના નેતાએ રાજ્ય શાસનનો પક્ષ લેતાં હાઈકમાન્ડ સમક્ષ જણાવ્યું છે કે, આનંદીબહેન પટેલ અને ગુજરાત સરકાર દ્વારા આ આંદોલનનો સંકેલો લાવવા અનેક પ્રયાસો થયા છે અને હાલમાં પણ પ્રયત્નો ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપના અધ્યક્ષ આર સી ફળદુ અને રાજયસભાના સાંસદ મનસુખભાઈ માંડવિયા પટેલ સમાજના જુદા જુદા સંગઠનો અને નેતાઓ સાથે સતત વાટાઘાટો ચલાવીને આ મુદ્દે યોગ્ય ઉકેલ માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ચોકકસ પરિણામો મળ્યાં નથી. આવા સંજોગોમાં મુખ્યપ્રધાન ઉપર હાઈકમાન્ડનું દબાણ વધતાં જ પાટીદાર અગ્રણીઓ સાથે રાજ્ય સરકાર દ્વારા બેઠકોનો દોર પણ શરૂ કરાયો છે. રાજ્ય સરકારે સમાધાનની ભૂમિકામાં પહેલ કરીને પહેલી ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કામાં પાટીદારો સામેના ૪૨ કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી છે ત્યારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે પહેલી ફેબ્રુઆરીએ એવો સવાલ ઉઠાવ્યો છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન ફાટી નીકળેલા તોફાનોમાં ગુજરાતભરમાં સરકારી મિલકતોને સળગાવી, તોડફોડ કરીને રૂ. ૨૦૦ કરોડનું નુક્સાન થયું એ માટે જવાબદાર કોણ? ભાજપ સરકાર આ મુદ્દે ગુજરાતની પ્રજા સમક્ષ ખુલાસો કરે.
બીજી તરફ, સુરતમાં કામરેજ નેશનલ હાઈવે ચક્કાજામ કરવાના કેસમાં હાર્દિક પટેલને બીજી ફેબ્રુઆરીએ હાઇકોર્ટ દ્વારા શરતી જામીન મળી ગયા છે. જ્યારે અમદાવાદમાં રાજદ્રોહ મામલે હાર્દિક પટેલની જે જામીન અરજી પર સુનાવણી થઈ તે ટળી ગઈ છે. આ કેસમાં વધુ સુનાવણી હવે ૯મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
આ અગાઉ પાટીદાર અનામત આંદોલન વખતે ભડકાઉ ઓડિયો-વીડિયો ક્લિપ ફરતા કરવા સંદર્ભેના રાજદ્રોહના કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે પાસના કાર્યકર્તા નીલેશ એરવાડિયાને ૨૮મી જાન્યુઆરીએ વિવિધ શરતોને આધારે કાયમી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો.


