પાટીદાર સમિટમાં સર્જાયો ૯૦૦૦ બિઝનેસ મિટિંગનો વિક્રમ

Monday 06th January 2020 05:13 EST
 
 

ગાંધીનગરઃ પાટીદારોના સર્વાંગી વિકાસ માટે યોજાયેલી ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના પ્રારંભે અમદાવાદ શહેરમાં વૈષ્ણોદેવી સર્કલ પાસેના આવેલા સરદારધામમાં ૩જી જાન્યુઆરીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. સરદારની ૫૦ ફૂટ ઊંચાઈની ૧૭૦૦૦ કિગ્રા વજન ધરાવતી કાંસ્ય પ્રતિમાની અનાવરણ વિધિ બાદ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં સમિટનો પ્રારંભ થયો હતો. ગાંધીનગર મહાત્મા મંદિરમાં ૧૦૦૦ ફૂટ લાંબી રિબિન કાપીને સમિટ શરૂ થઈ હતી. આ સમિટમાં આશરે ૧,૫૦૦ લોકોએ એક જ કલાકમાં ૯ હજાર મિટિંગ યોજીને વિક્રમ સર્જ્યો હતો. વડા પ્રધાન મોદીએ આ સમિટ માટે શુભેચ્છા પણ સંદેશ મોકલ્યો હતો.
પાટીદાર સમિટના પ્રારંભે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત હતા. હેલિપેડ ગ્રાઉન્ડ પર સમિટમાં પાટીદાર અગ્રણીઓનું સન્માન કરાયું હતું અને વડોદરામાં સરદારધામ નિર્માણની જાહેરાત થઈ હતી. સમિટ વર્ષ ૨૦૨૨માં સુરતમાં અને વર્ષ ૨૦૨૪માં રાજકોટમાં યોજાશે તેવી જાહેરાત પણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ષ ૨૦૧૮માં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પ્રથમ ગ્લોબલ પાટીદાર સમિટ યોજાઈ હતી.

‘પાટીદાર સમાજ મહેનતુ, ઉદ્યમશીલ’

એક હજાર ફૂટ લાંબી રિબિન કાપીને સમિટનો પ્રારંભ કરાયા પછી મુખ્ય પ્રધાને જણાવ્યું કે, પાટીદાર સમાજ મહેનતુ, ઉદ્યમશીલ, ઇમાનદાર અને સમયની સાથે કદમ મિલાવનારો વિકાસશીલ સમાજ છે. વેપાર-ઉધોગ, નોકરી-વ્યવસાય કે સ્પર્ધાત્મક પરીક્ષા એમ તમામ ક્ષેત્રોમાં પાટીદારોએ સરદાર પટેલના વારસદાર તરીકે દૃઢ ઇચ્છાશક્તિ, લોખંડી મનોબળથી સફળતા મેળવી છે. મુખ્ય પ્રધાને કહ્યું કે, આ માત્ર બિઝનેસ સમિટ નથી. આ સમિટથી યુવાનોને સ્વરોજગાર અને તેની જાણકારી, ઉદ્યોગ માટે પ્રોત્સાહન, ઉચ્ચ શિક્ષણની વ્યાપક વૈશ્વિક તકોનું માર્ગદર્શન મળશે. આ સમિટ વિશ્વના પ્રવાહો સાથે તાલમેલ જાળવીને પ્રેરણા આપનારી અને સામાજિક વિકાસના હોલિસ્ટિક એપ્રોચ સાથેની છે.
નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, કેટલાક લોકો ખોટા આક્ષેપો કરે છે કે સરકારી નોકરીઓ નથી મળતી, પણ અમારી સરકારે પાંચ વર્ષમાં કુલ સવા લાખ જેટલી સરકારી નોકરીઓ દરેક ક્ષેત્રે ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત સરકારી નોકરીમાં કાર્યરત ૩૩૯ જેટલા પાટીદાર યુવાનોનું સન્માન પણ કરાયું હતું. સરદારધામના પ્રધાન સેવક ગગજી સુતરિયાએ જણાવ્યું કે, ગુજરાતીઓએ ચારે દિશામાં સરદારધામનું સપનું જોયું છે. અમદાવાદમાં રૂ. ૨૦૦ કરોડના ખર્ચે સરદારધામનું કામ પૂર્ણતાના આરે છે જ્યારે વડોદરામાં જગ્યા મેળવી લેવાઈ છે. ૨૦૨૨માં સુરતમાં અને ૨૦૨૪માં રાજકોટમાં સમિટ યોજાશે. આ સમિટમાં ૭ લાખની વધુ લોકો મુલાકાત લેશે તેમજ ૧૦ હજારથી વધુ ઉઘોગપતિઓ જોડાશે.

દીકરી સ્વાવલંબન યોજના

આ સમિટમાં પાટીદાર સમાજે દીકરી સ્વાવલંબન યોજના શરૂ કરી હતી. આ મિશન અંતર્ગત સરદારધામે પ્રતિદિન માત્ર રૂ. ૧ ટોકન યોજના દ્વારા સમાજની તેજસ્વી દીકરીઓને રહેવા, જમવા, માર્ગદર્શન, તાલીમની વ્યવસ્થા કરી છે. જેના માટે હાલ એક દીકરી દીઠ અંદાજે પ્રતિ વર્ષ રૂ. ૬૦ હજારનો ખર્ચ થાય છે. આ યોજના માટે પ્રતિદિન રૂ. ૧નું દાન આપવાની અપીલ સમિટમાં કરાઈ હતી.

એક કલાકમાં ૯૦૦૦ મિટિંગ

ત્રણ દિવસ ચાલેલી પાટીદાર બિઝનેસ સમિટમાં ગુજરાત સહિત દેશભરમાંથી અને વિદેશમાંથી પણ અંદાજે એક હજારથી વધુ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિદિવસીય સમિટમાં ૮૦૦થી વધુ સ્ટોલ લાગ્યા હતા. જેમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળી હતી. મહત્ત્વનું છે કે, છેલ્લા દિવસે પાંચમી જાન્યુઆરીએ ૧૫૦૦ લોકોએ એક કલાકમાં ૯ હજાર જેટલી બિઝનેસ ટુ બિઝનેસ બેઠક યોજીને વિક્રમ સર્જ્યો હોવાનું પાટીદાર અગ્રણીઓ દ્વારા જાણવા મળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter