અમદાવાદઃ પાટીદાર સમાજના ૧૫૦ ઉદ્યોગપતિઓ અને યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા આગામી વર્ષમાં રૂ. ૫૦૦ કરોડનું વેન્ચર કેપિટલ ઊભું કરવાનો નિર્ણય કરાયો છે. સરદારધામ (વિશ્વ પાટીદાર કેન્દ્ર)ના નેજા હેઠળ પાટીદાર સમાજના વિવિધ વેપારીઓની બે દિવસીય ગોષ્ઠિનું આયોજન થયું હતું. જેમાં સમાજના ઉત્કર્ષ માટે વિઝન-૨૦૨૬ રોડમેપ તૈયાર થયો.
શહેરની બહાર એક ક્લબમાં યોજાયેલી આ ચર્ચામાં વેપારના માધ્યમથી વિકાસની નવી દિશામાં આગળ વધવા અને આંતરિક અને વૈશ્વિક ઉદ્યોગો સાથે નવા જોડાણો કરવાનો મત પ્રસ્તુત કરાયો હતો. યુવા ઉદ્યોગસાહસિકો અને મૂડીરોકાણોના નવા વિકલ્પોની શોધના મુદ્દે પણ આ ગોષ્ઠિમાં ચર્ચા થઇ હતી. આ ઉપરાંત સર્વાનુમતે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ લેવાયા હતા. જેમાં ૨૦૧૮ જાન્યુઆરીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ તથા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોના આયોજનનો નિર્ણય લેવાયો હતો.
આ ચર્ચાના આધારે જ પાટીદાર સમાજ ૧૦ વર્ષોમાં કઇ રીતે ઔદ્યોગિક, શૈક્ષણિક અને રોજગાર ક્ષેત્રે પ્રગતિ કરે તેની રૂપરેખા તૈયાર થઈ છે. તેવું સરદારધામના પ્રમુખ ગગજીભાઇ સુતરિયાએ કહ્યું હતું.
આ ચર્ચામાં સરદારધામના મહામંત્રી સુરેશભાઇ પટેલ, નટુભાઇ પટેલ, કાંતિભાઇ ગઢિયા, જશવંતભાઇ પટેલ, સંજયભાઇ સાવલિયા, ભૂપેન્દ્રભાઇ પટેલ, ટી જી ઝાલાવાડિયા, પ્રકાશભાઇ વરમોરા, જગદીશભાઇ ભુવા, અજયભાઇ શ્રીધર, પારૂલભાઇ કાકડિયા, વી વી પટેલ અને આર એસ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

