આમરણ ઉપવાસ સહિતની રણનીતિ સાથે પાટીદાર આંદોલન બીજા તબક્કામાં પ્રવેશ્યું છે ત્યારે પાટીદાર આગેવાનોની મુખ્ય પ્રધાન સાથે ૩૧ ડિસેમ્બરે યોજાયેલી બેઠકનો હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે. આગેવાનોની માગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અનામત આંદોલન બાદ ૧૮ જિલ્લામાં નોંધાયેલા ૭૪ ગુનામાં ૩૮૨ પાટીદાર સામે કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. જોકે હાર્દિક પટેલ સહિતના ૧૪ પાટીદાર આગેવાન સામે ગંભીર કેસ નોંધાયેલા હોવાથી તેમની સામેના કેસ પાછા નહીં ખેંચવામાં આવે તેવી પણ સરકારે સ્પષ્ટતા કરી છે. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, પ્રવક્તા પ્રધાન નીતિન પટેલ અને સાંસદ મનસુખ માંડવિયા સહિતના અને ૭૦થી ૮૦ પાટીદાર આગેવાન વચ્ચે ૩૧ ડિસેમ્બરે બેઠક યોજાઈ હતી. પ્રધાન નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે બેઠકમાં પાટીદાર આગેવાનોએ રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજથી સમાજને સંતોષ હોવાનું કહ્યું હતું. ઉપરાંત પોલીસદમન અને જેલમાં બંધ પાટીદારો સામેની કાર્યવાહી રદ કે હળવી કરાય તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ૧૮ જિલ્લામાં ૪૫૭ જેટલા ગુનાની એફઆરઆઇ દાખલ કરાઈ હતી. કેસોમાં ૧૭૫૦ વ્યક્તિની અટકાયત કરાઈ હતી, જે પૈકી ૧૭૩૬ વ્યક્તિને જે-તે સમયે જામીન પર છોડી દેવાઈ હતી. જે વ્યક્તિઓ જામીન પર છે તે પૈકી પ્રથમ તબક્કે ૭૪ ગુનામાં ૩૮૨ પાટીદાર સામેના કેસ પરત ખેંચવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જોકે હાર્દિક સહિતના ૧૪ પાટીદાર યુવાન સામે ગંભીર ગુના હોવાથી તેમની સામેના કેસ પરત ખેંચવામાં આવ્યા નથી.
પાટીદાર કેસ અંગે ગુલાંટ?
પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચવાનો મુદ્દો કોંગ્રેસ હડપ કરી રહી હોય તેમ સરકારને લાગતું હતું. આગામી મંગળવારે કોંગ્રેસે માટે રેલી યોજવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ પંચાયતની ચૂંટણીમાં હાર્યા બાદ સરકાર કોંગ્રેસને કોઈ મુદ્દો આપવા માગતી નથી. આવી સ્થિતિમાં જો કોંગ્રેસ આક્રમક બને તો રાજ્ય સરકારને વધુ સહન કરવાનો વારો આવે. આથી કોંગ્રેસની રેલી અગાઉ કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી દેવાઈ. હાર્દિક જેલમાં હોઈ પાટીદારોના મનમાં જે ગુસ્સો છે તે નિર્ણય દ્વારા સરકાર હળવો કરવા માગે છે. બીજા તબક્કાના આગ્રહમાં પણ જે રીતે ગુણોત્સવ, કૃષિમહોત્સવ વગેરેનો પાટીદારો દ્વારા વિરોધ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને પણ સરકારે નિર્ણય લીધો હોવાનું મનાય છે.


