ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ હવે પાટીદાર આંદોલન ફરીથી શરૂ કરવા જઇ રહી છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ૨૦૧૫માં હાર્દિક પટેલના નેતૃત્વ સાથે શરૂ થયેલું આ આંદોલન હવે આવતાં વર્ષે આવી રહેલી ગુજરાત વિધાનસભાની પહેલાં ફરીથી સળવળાટ કરી રહ્યું છે. પાસના કન્વીનર ધાર્મિક માલવીયાના જણાવ્યા અનુસાર પાસ રાજકીય રીતે એવાં પક્ષને સમર્થન કરશે, જેના ચૂંટણી એજન્ડા તેમના સમાજના હિતને ધ્યાને લઇને નક્કી થશે.
ધાર્મિક માલવીયાએ કહ્યું કે ઘણી બધી માંગણીઓને લઇને અત્યાર સુધી સુષુપ્ત રહેલું આ આંદોલન ફરીથી જીવંત થશે અને તેમાં પાટીદારોની દરેક ધાર્મિક અને સામાજિક સંસ્થાનો સહયોગ રહેશે. આ આંદોલન શરૂ કરવાની વાત પણ હાલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જ કરી હતી. થોડા સમય પહેલા જેલમાંથી બહાર આવેલા અલ્પેશ કથીરિયા સાથે હાર્દિક અને ધાર્મિકે વિડીયો કોન્ફરન્સ કરી ફરીથી પાટીદાર સહિત અન્ય સવર્ણો માટે આ આંદોલન કરવાનું નક્કી કર્યું હતું.
ધાર્મિકે કહ્યું કે હાલ તેઓને કોઇ પક્ષનો ટેકો નથી, પરંતુ આમ આદમી પાર્ટીને જો માફક હોય તો તેઓ સાથે આવી શકે છે. સૂરતમાં મહાનગર પાલિકાની ચૂંટણી વખતે પાસે આપનું સમર્થન કર્યું હતું તે જે તે સમય સંજોગોને આધિન કર્યું હતું. તેવી જ પદ્ધતિ હવે પછી પણ અપનાવાશે. ગઇ વખતે હાર્દિકે અપનાવી હતી તે પદ્ધતિથી જ હવે દરેક જિલ્લે-જિલ્લે પાસની સમિતીઓ બનાવી તમામ લોકોને તેમની સાથે જોડાવવા અપીલ કરાશે.