પાટીદારોની ધરપકડ, મોડી રાત્રે જામીન પર મુક્ત

Wednesday 23rd December 2015 06:57 EST
 

 ‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલને જેલમુક્ત કરાવવા ગાંધી આશ્રમ ખાતે સોમવારે અનશન પર બેઠેલા ૩૮ જેટલા કાર્યકરોની જાહેરનામાના ભંગ બદલ રાણીપ પોલીસે અટકાયત કરી હતી. એ પછી મોડી રાત્રે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. વી. હીરપરાએ ‘પાસ’ના તમામ કાર્યકરોને રૂ. ૨૫૦૦ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
• ચેમ્બરના કાર્યક્રમમાં NRIનું પાકીટ ચોરાયુંઃ ચેમ્બર ઓફ કોમર્સની મહિલા વિંગના કાર્યક્રમમાં એક NRI સહિત અનેકના પાકીટ ચોરાયાં હતાં. ગ્રીનકાર્ડ ગુમાવીને અમેરિકાના નાગરિક કફોડી સ્થિતિમાં મુકાયા છે. ફિલ્મ અભિનેત્રી રવિના ટંડનની ઉપસ્થિતિમાં ભારે ભીડ વચ્ચે અનેક લોકોના ખિસ્સાં હળવાં થયાં હતાં. અમેરિકાના જ્યોર્જિયા, કિંગ્સલેન્ડમાં રહેતા ૫૯ વર્ષીય ઉદયસિંહ સુરસિંહ પરમાર (રાજપૂત) ૧૮મી ડિસેમ્બરે ૧૦ વાગ્યે જીએમડીસી, એક્ઝિબિશન સેન્ટર ખાતે ચેમ્બર ઓફ કોમર્સના મહિલા વિંગના કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. આ કાર્યક્રમમાં અભિનેત્રી રવિના ટંડન સહિતની હસ્તીઓની હાજરીમાં ભારે ભીડ એકત્ર થઈ હતી. આ ભીડનો ગેરલાભ લઈને ઉદયસિંહ અને તેમના મિત્ર રોહિતભાઈ પટેલના અગત્યના ડોક્યુમેન્ટ કોઈ ચોરી કરી ગયું હતું. ઉદયસિંહના ચોરાયેલા કે ખોવાયેલા પર્સમાં અમેરિકાનું ગ્રીનકાર્ડ, રોકડ, અમેરિકાનું ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ રોહિતભાઈના ક્રિડેટ અને ડેબિટ કાર્ડ, હાઇકોર્ટનું આઇ-કાર્ડ સાથેનું પર્સ ખોવાયાની જાહેરાત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરાઈ છે.
• ગુજરાતમાં દેશનો સૌપ્રથમ મેડિકલ ડિવાઇસ પાર્ક બનશેઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર પ્રધાન અનંત કુમારે ગાંધીનગર ખાતે નેશનલ ઇન્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઇપર)ની શિલારોપણ વિધિ પ્રસંગે દેશનો સૌપ્રથમ મેડિકલ ડિવાઇસ પાર્ક ગુજરાત ખાતે સ્થાપવાની જાહેરાત ૧૬મી ડિસેમ્બરે કરી હતી. ભારત ૨૦૦ જેટલા દેશોમાં પોતાની દવાઓની નિકાસ કરે છે, પરંતુ મેડિકલ ડિવાઇસના ક્ષેત્રમાં આપણે હજુ અન્ય દેશો પર નિર્ભર છીએ. આ પાર્કમાં ‘સેન્ટર ફોર એક્સલન્સ’ હશે જ્યાં મેડિકલ ડિવાઇસ ક્ષેત્રમાં સંશોધન હાથ ધરાશે. વધુમાં અનંતકુમારે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષમાં રૂ. ૫૦૦ કરોડના ખર્ચે નાઇપરનો કાયમી કેમ્પસ ઊભું કરવામાં આવશે અને વડા પ્રધાન મોદીને તેના ઉદ્ઘાટન માટે આમંત્રિત કરાશે. ગાંધીનગર ડ્રગ ડિસ્કવરીનું કેન્દ્ર બનશે.
• NSGના હબ માટે ગાંધીનગરમાં સરકારે ૨૫ એકર જમીન ફાળવીઃ
રાજ્ય સરકારે વડા પ્રધાન સહિત વીવીઆઇપીની અંગત સલામતી સહિતની સંવેદનશીલ સુરક્ષાની જવાબદારી સંભાળતા નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)નું રિજિયોનલ હબ ગાંધીનગરમાં સ્થાપવા જમીનની ફાળવણીની જાહેરાત કરી છે. રાજ્યના પ્રધાનમંડળે રણાસણ ખાતે ૨૫ એકર જમીન એનએસજી માટે ફાળવવાના નિર્ણયને બહાલી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter