પાટીદારોની ધીરજની પરીક્ષા ન કરો નહીંતર જાટવાળી કરતાં અચકાશું નહીંઃ પાટીદારો

Wednesday 30th March 2016 07:27 EDT
 
 

જેતપુરઃ ઉમિયાધામ-સિદસરથી ખોડલધામ-કાગવડ સુધીની પાટીદાર એકતાયાત્રાના ૨૭મી માર્ચે ૩૩ દિવસ બાદ પૂર્ણ થતાં સેંકડો પાટીદારોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો. આ સભામાં ગુજરાતભરમાંથી આવેલા આશરે પોણા બે લાખ પાટીદારોને સંબોધતાં પાસના આગેવાનોએ ભાજપ સરકારનાં દિગ્ગજ નેતાઓને આકરા શાબ્દિક ચાબખા મારતાં કહ્યું હતું કે, પાટીદારોની ધીરજની પરીક્ષા ન કરો નહીંતર જાટ આંદોલનવાલી કરતાં અચકાશું નહીં.
બોટાદનાં પાસનાં કન્વિનર દિલીપ પટેલે નામોલ્લેખ વગર સભામંચ પરથી આક્રોશ ઠાલવ્યો હતો કે, એ વિકાસ પુરુષ નહીં પણ વિનાશ પુરુષ છે, જેણે ગોધરાનાં રમખાણો વખતે બે કોમને લડાવ્યા બાદ હવે પોલીસ અને પાટીદારોને સામસામે લાવી દીધા છે.
જ્યારે ઉત્તર ગુજરાતનાં પાટીદાર આગેવાન પુષ્કર પટેલે જણાવ્યું કે, પાટીદારો સામે ખોટા કાયદા ઠોકી બેસાડનાર ભાજપનાં મુખ્ય પ્રધાનથી લઈને અન્ય પ્રધાનો અને નેતાઓ સામે અમે તો અમારા વિસ્તારમાં કલમ ૧૪૪ લગાડી છે. એમની હિંમત હોય તો પગ મૂકી જુઓ. સૌરાષ્ટ્ર બાદ કામરેજ તાલુકાના પીપોદરા ચાર રસ્તા પરથી ૨૮મી માર્ચે સવારે પાટીદાર એકતાયાત્રાના રથનો પ્રારંભ થયો હતો. પાટીદારોએ કરેલા એલાન પ્રમાણે ૨૮મી અને ૨૯મી માર્ચ એમ બે દિવસ સુધી કામરેજ અને બારડોલી તાલુકાના ગામડાઓમાં રથ ફર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter