મહેસાણા, સુરતઃ રવિવારે મહેસાણા અને સુરતમાં પાટીદારોનું જેલભરો આંદોલન હિંસક બનતાં સમગ્ર રાજ્યમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. રવિવારે આ બંને શહેરોમાં એકત્ર થયેલાં ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ સહિત ૨૧થી વધુ પાટીદાર આગેવાનો ઘવાયા હતા. બીજી તરફ મામલતદાર, પોલીસ ઓફિસરોને પણ ઈજા પહોંચી હતી. પાટીદાર આગેવાનોએ સોમવારે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું તો રાજ્યમાં વકરેલી પરિસ્થિતિને કારણે રવિવારે બે દિવસ માટે રાજ્યમાં ઇન્ટરનેટ સેવા તુરત જ બંધ કરાઈ હતી.
પાટીદારોનો પથ્થરમારો
હાર્દિક પટેલ સહિતનાં આંદોલનકર્તાઓને જેલમાંથી મુક્તિની માગ સાથે એસપીજી-પાસ દ્વારા મહેસાણા અને સુરતમાં પાટીદારોનું જેલભરો આંદોલન હતું. મહેસાણામાં મોઢેરા રોડ પાસે અવસર પાર્ટી પ્લોટની બહાર સભા યોજીને સામેથી અટકાયત વહોરવા જઈ રહેલાં ટોળાએ મેજિસ્ટ્રેટ અને પોલીસ ઓફિસરોનાં વાહનો ઉપર પથ્થરમારો કરતાં સ્થિતિ વણસી હતી.
લાલજી પટેલ ઘવાયા
આગેવાનો વગર જ પોલીસ સમક્ષ પહોંચેલા ટોળામાંથી પથ્થરમારા અને ટિયરગેસના મારા વચ્ચે અટકાયત માટે પોલીસ તરફ આવી રહેલા લાલજી પટેલને માથામાં વાગતાં સ્થિતિ વધારે તંગ બની હતી. લાલજી પટેલને તત્કાળ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હોસ્પિટલમાં દાખલ લાલજી પટેલે કહ્યું છે કે, જેલભરો આંદાલનમાં પોલીસની લાઠીથી જ તેમનાં માથામાં ઇજા થઈ છે અને તેમના અને તેમના સાથીદારો વિરુદ્ધ ખોટાં કેસ નોંધાયા છે. હવે હું ભલે જેલમાં જાઉં સરકાર સામે પાટીદાર અનામત અંગે મૂકેલી માંગણીઓનો કોઇ નિર્ણય નહીં આવે ત્યાં સુધી પાટીદાર સમાજનું આંદોલન ચાલુ રહેશે.
જ્યારે ઘટના નજરે જોનારાઓના કહેવા પ્રમાણે, લાલજી મીડિયાને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે આયોજનબદ્ધ રીતે પથ્થરમારો શરૂ થયો હતો. ઇજાગ્રસ્ત પટેલને તરત પોલીસ જવાનો દ્વારા લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પ્રધાનના ઘર કાર્યાલયને આગ
ટોળાએ રવિવારે સિનિયર કેબિનેટ પ્રધાન નીતિન પટેલનાં કાર્યાલય ઉપર પથ્થરમારો અને ગૃહ પ્રધાન રજનીકાંત પટેલની ઓફિસને આગ ચાંપવાનો પ્રયાસ કરતાં વાહનો સળગાવી દેવાયાં હતા, જેમાં સાંસદ જયશ્રી પટેલનું કાર્યાલય, બેંકોના એટીએમ, શો-રૂમ અને એસટી બસ સહિતની સરકારી મિલકતો પણ આગને હવાલે કરી દેવાઈ હતી. એ પછી રજની પટેલના ઘરને પણ આગ ચંપાઈ હતી અને પોલીસ તથા અગ્નિશામક દળો રજની પટેલના ઘરે પહોંચ્યા બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.
૩૭ કલમો લગાવાઈ
જેલભરો આંદોલન દરમિયાન થયેલા તોફાનો માટે ૨૭ પાટીદાર આગેવાનોઅને ૧૫૦૦૦નાં ટોળા પર ૩૭ કલમો લગાવાઈ છે. ૨૭ પાટીદાર આગેવાન અને ૧૫૦૦૦નાં ટોળા સામે ગંભીર ફરિયાદો નોંધાઈ છે.
ગુજરાત બંધનો ફિયાસ્કો
રાજ્યમાં તોફાનના પગલે પાટીદારોએ સોમવારે રાજ્યમાં બંધનું એલાન કર્યું હતું, પણ તેનાો ફિયાસ્કો થયો હતો. રાજ્યની સમજુ પ્રજા ગુજરાત બંધના એલાનને ગણકાર્યા વિના સોમવારે મેગાસિટી અમદાવાદ સહિત રાજ્યભરમાં જનજીવન ખલેલ વિના રાબેતા મુજબ ધબકતું હતું.
ભાવિનની અંતિમ યાત્રા
મૂળ બાબરા તાલુકાના કુતવડ ગામના વતની અને સુરતના પુણાના રહેવાસી ૨૭ વર્ષીય ભાવિન ખૂંટે રવિવારે સુરતમાં પોલીસદમનના કારણે અનાજમાં નાખવાની દવા ખાઇને આત્મહત્યા કરી હતી. એ પછી એક હજાર પાટીદારો તેની અંતિમયાત્રામાં જોડાયા હતા.
શાંતિની અપીલ
જેલભરો આંદોલન માટે ગૃહ પ્રધાન રાજનાથસિંહે આનંદીબહેન સાથે ફોન પર વાત કરીને ઘટનાની માહિતી મેળવી હતી. દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે અને ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ પણ જાહેર જનતા જોગ શાંતિ જાળવવાની અપીલ કરી હતી. જ્યારે વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આ અંગે કહ્યું હતું કે, હરિયાણા અને રાજસ્થાન પેટર્ન પ્રમાણેની ગુજરાતમાં પણ અનામત લાવવામાં આવે તો કોંગ્રેસ તેનો ટેકો આપશે.


