પાટીદારોને રાહત! કોંગ્રેસની સવર્ણ અનામત ‘પાસ’

Wednesday 29th November 2017 06:09 EST
 

ગાંધીનગર: પાટીદાર આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલી પાટીદાર સહિતના બિનઅનામત વર્ગ માટે ઓબીસી સમકક્ષની ‘સ્પેશિયલ કેટેગરી’ની બંધારણીય અનામતની ફોર્મ્યુલાનો સ્વીકાર કરવાની બુધવારે જાહેરાત કરી દીધી હતી. હાલની ૪૯ ટકાની અનામતમાં કોઇ ફેરફાર કરાશે નહીં. આ નવી નીતિ પ્રમાણે જે જ્ઞાતિઓ અનામતમાં આવતી નથી તેમને શૈક્ષણિક અને રોજગારીનો સમાન લાભ મળે તે માટે, કોંગ્રેસ સત્તા પર આવશે તો બંધારણના આર્ટિકલ ૩૧-સીને ધ્યાનમાં રાખીને તેની જોગવાઈ અનુસાર વિધાનસભામાં ખરડો લાવીને તેવી જ્ઞાતિઓનો સર્વે કરાવશે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પણ આ મુદ્દાનો સમાવેશ પણ કરાશે.
જોકે, આ નવી અનામત કેટલા ટકા છે હાર્દિકે સ્પષ્ટ કર્યું ન હતું, પણ ૪૯ ટકાથી વધુ અનામત ન આપી શકાય તેવો કોઇ કાયદો નહીં હોવાનો દાવો કર્યો હતો. ચૂંટણી પૂર્વે હાર્દિકે કોંગ્રેસે આપેલી યોજના સ્વીકારી છે, પરંતુ ચૂંટણીમાં કોંગ્રેસને ખુલ્લેઆમ સમર્થન આપશે તેવી જાહેરાત હાર્દિકે કરવાનું ટાળ્યું હતું. જોકે, ભાજપ વિરોધી પ્રચાર ચાલુ રાખીને તેને હરાવવા પૂરેપૂરો પ્રયાસ કરશે તેમ સ્પષ્ટ કર્યું હતું.
ચૂંટણીમાં ભાજપ વિરોધી પ્રચાર : હાર્દિક
કોંગ્રેસે અનામત આપી તો તમે ચૂંટણીમાં તેમને સમર્થન આપશો કે કેમ? એ મુદ્દે જવાબ આપતાં હાર્દિકે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો પરંતુ એમ કહ્યું હતું કે, અમારો ઉદ્દેશ ભાજપને હરાવવાનો છે અને હું જેલમાં હતો ત્યારે પંચાયતોની ચૂંટણીમાં તે રીતે જ પ્રચાર કરીને ભાજપને પછડાટ આપવામાં આવી હતી તે રીતે આ વખતે પણ ભાજપ વિરોધી સભાઓ ગજવીશું. કોંગ્રેસ માર્કેટિંગ કંપની નથી કે અમે કોંગ્રેસના એજન્ટ પણ નથી. હું અઢી વર્ષ સુધી ચૂંટણી લડવાનો નથી અને કોંગ્રેસ સાથે જાહેર પ્રચાર પણ કરવામાં આવશે નહીં. જનતાને મારી અપીલ છે કે અપક્ષ કે અન્ય પાર્ટીને મત આપીને તેને વેડફતા નહીં.
હાર્દિકે એવો આક્ષેપ કર્યો હતો કે હારથી ડરી ગયેલા ભાજપ દ્વારા ઠેર ઠેર અપક્ષ ઉમેદવાર ઉભા રાખવા ૨૦૦ કરોડનું બજેટ ફાળવાયું છે. વિરોધી વોટ બગાડવા અપક્ષ ઉમેદવારને મત દીઠ એક હજાર રૂપિયા આપવા માટે અપક્ષમાં પાસ સાથે સંકળાયેલા હોય તેમના પણ ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે.
શિક્ષણ અને રોજગારીમાં અનામતની નીતિ
• બિનઅનામત વર્ગમાં આવતા લોકોને શિક્ષણ, રોજગારી અને આર્થિક ઉપાર્જનમાં સમાન ન્યાય માટે અનામત આપવા એસસી-ઓબીસી અને એસટીને અપાયેલી હાલની ૪૯ ટકાની અનામતમાં કોઇપણ ફેરફાર કર્યા વગર કોંગ્રેસ પક્ષ વિજયી બનશે તો આગામી વિધાનસભામાં બિલ લાવશે • કોંગ્રેસ જે બિલ લાવશે તે બંધારણના આર્ટિકલ ૨૧-સીને ધ્યાનમાં રાખીને બંધારણના આર્ટિકલ ૪૬ના પ્રાવધાનોને આધારિત હશે • જે સમુદાયોનો આર્ટિકલ ૪૬માં ઉલ્લેખ છે અને જેમને બંધારણના આર્ટિકલ ૧૫-૪ અને ૧૬-૪ હેઠળ લાભ મળ્યો નથી તેવા સમુદાયોને શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જનનો સમાન ન્યાય અપાવવા ઓબીસીને મળતા લાભ આ સ્પેશિયલ કેટેગરીમાં ઉપલબ્ધ કરાવવા જોગવાઇ કરાશે • આ કાયદા અન્વયે ‘સ્પેશિયલ કેટેગરી’માં સમાવિષ્ટ કરવાના સમુદાયને નિશ્વિત કરવા રાજય સરકાર તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા વિચારણા કરીને એક કમિટીની રચના કરશે • બિનઅનામત જ્ઞાતિઓનો કમિશન દ્વારા સર્વે થશે • આ ઉપરાંત એક બિનઅનામત વર્ગના આયોગની રચના બાબતે કોંગ્રેસ જાહેરાત કરશે. આ આયોગ પણ શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જનની સમાન તક આપવાના ઉદ્દેશમાં મદદરૂપ થશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter