ગાંધીનગરઃ રાજ્યના પછાત વર્ગમાં અનામતની માગણી કરી રહેલા પાટીદારોએ હવે તેમનું આંદોલન વધુ અસરકારક બનાવવા નિર્ધાર કર્યો છે. સરદાર પટેલ ગ્રૂપ દ્વારા જણાવાયું છે કે, હવે ‘આર્થિક અસહકાર’ શરૂ કરાશે અને તેના જ ભાગરૂપે રાજ્યના તમામ પાટીદારોને પોતાના બેંક એકાઉન્ટમાં પડેલા નાણાં ઉપાડી લેવાનો અનુરોધ કરાશે.
ગ્રૂપના પ્રવક્તા વરુણ પટેલે જણાવ્યું હતું કે, સરકારે અમારી માગની ઉપેક્ષા કરી છે એટલે હવે અમે આંદોલનને જલદ બનાવવા પાટીદાર સભ્યોને પોતાના બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડી લેવા અપીલ શરૂ કરી છે.
તેમણે વધુ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ બેંકોમાં પાટીદારોના અંદાજે ૭૦ લાખ ખાતા છે. દરેક ખાતામાં સરેરાશ રૂ. ૫૦ હજાર તો હોય જ. એટલે કે જો દરેક પાટીદાર પોતાના ખાતામાં પડેલા પૈસા ઉપાડી લે તો અંદાજે રૂ. ૩૫૦ કરોડ બેંકોમાંથી ઉપાડી લેવાય, જેની અર્થતંત્ર પર પ્રચંડ અસર પડે.
આવી અપીલનો સમાજ તરફથી પ્રતિસાદ મળશે કે કેમ તેવા સવાલના જવાબમાં વરુણ પટેલે વિશ્વાસ સાથે કહ્યું હતું કે, સમાજ તેમની સાથે છે.
અલબત્ત, ગુજરાત વેપારી મહામંડળે આવી અપીલનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વેપારી મહામંડળના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ બિપીન પટેલે જણાવ્યું કે, મને ખાતરી છે કે, પાટીદાર સમાજનો એક પણ સભ્ય આવા તરંગી વિચારને સમર્થન નહીં આપે કારણ કે આની તો તેમના પોતાના પર જ મોટી આર્થિક અસર પડે. સાથે જ રાજ્યના અર્થતંત્ર પર પણ અવળી અસરો સર્જાય. કોઈકની મુર્ખામીમાંથી આ વિચાર આવ્યો લાગ્યો છે. ગ્રૂપના લાલજી પટેલ અને તેમના પ્રતિનિધિઓ ૯ સપ્ટેમ્બરે રાજ્યના અન્ય પછાત વર્ગના પંચના અધ્યક્ષ અને હાઇકોર્ટના પૂર્વ જજ સુજ્ઞાબહેન ભટ્ટને મળવા ગયા હતા. પાટીદારોને ઓબીસીમાં સામેલ કરવા શું પ્રક્રિયા હોઈ શકે તેનું માર્ગદર્શન મેળવ્યું હતું અને તે મુજબ હવે આગળ વધશે તેમ તેમણે કહ્યું હતું.